Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

મનમોહન સિંહ દુનિયાના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન : ન હતી પ્રચારની લાલચ : શંકરસિંહ

નોટબંધી અને જીએસટીના કારણે દેશ ૧૫ વર્ષ પાછળ ધકેલાઇ ગયો છેઃ મનમોહનસિંહ નહી પણ તેમનું કામ બોલતું હતું

નવી દિલ્હી તા. ૩૧ : ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ રવિવારે કહ્યું કે મનમોહન સિંહ દુનિયાના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન રહ્યા કે જેમણે ખૂબ જ મહેનત કરી હતી. પરોક્ષરીતે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા શંકરસિંહ વાઘેલાએ તેમના પર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામ પર પૈસા બરબાદ કરવાનો અને પોતાનો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો. શંકરસિંહ વાઘેલાએ ઓબીસી સમુદાયના કલ્યાણ માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની સહાયતાની માગ કરી.

અમદાવાદથી ૩૮ કિલોમીટર દૂર ખેડા જિલ્લાના ફાગવેલમાં તેમણે ઓબીસી સમાજના સંમેલનને સંબોધિત કર્યું હતું. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ સરકારે ઓબીસી સમાજના કલ્યાણ માટે માત્ર ૧૮૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સરકારે ૫,૦૦૦ કરોડ કરતા વધારે રૂપિયા જાહેરાતો પાછળ ઉડાવ્યા છે. તો પ્રજાના વિકાસના કામનું શું?

ફિલ્મ ધ એકિસડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરને ટાંકતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મનમોહન સિંહ દુનિયાના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન રહ્યા. વધુમાં વાઘેલાએ જણાવ્યું કે મનમોહન સિંહે પોતાના ફોટો પ્રકાશિત કરવાનું અને ભાષણ આપવાનું કામ નહોતુ કર્યું. તેમનું કામ બોલતું હતું. મોદીનું નામ લીધા વિના શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે સંપૂર્ણ દેશ બરબાદ થઈ ચૂકયો છે. નોટબંધી અને જીએસટીના કારણે દેશ ૧૫ વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે.(૨૧.૪)

 

(10:14 am IST)