Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

સરદાર સાહેબે સંકલ્પ ન લીધો હોત તો ગીરના સાવજ જોવા, સોમનાથમાં પૂજા કરવા, હૈદ્રાબાદના ચાર મીનાર જોવા વીઝા લેવા પડત

વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કર્યા બાદ વિશાળ મેદનીને કર્યું સંબોધન : સરદાર સાહેબના યોગદાનને યાદ કર્યા : અન્યાય સામે ઉઠાવ્યો હતો અવાજ : પીએમએ વિરોધીઓને પણ ચિંટયો ભર્યો... કહ્યું શું મહાપુરૂષો ને યાદ કરવા એ અપરાધ છે?

લોખંડી પુરૂષ સરદાર પટેલની વિરાટ પ્રતિમાનું આજે કેવડીયા કોલોની ખાતે વડાપ્રધાન મોદીએ અનાવરણ કર્યુ હતુ તે પ્રસંગની તસ્વીરો. આ પ્રસંગે પ્રથમ તસ્વીરમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત જનમેદની સંબોધન કરતા નજરે પડે છે. તે પછીની નીચેની તસ્વીરમાં ડાબેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ નજરે પડે છે. તે પછીની તસ્વીરોમાં વડાપ્રધાન મોદી અલગ અલગ મુદ્રાઓમાં દેખાય છે. છેલ્લેથી ઉપરની તસ્વીરમાં ડાબેથી અમિત શાહ, ઓ.પી. કોહલી, વજુભાઈ વાળા, આનંદીબેન પટેલ, નીતિનભાઈ પટેલ સહિતના નેતાઓ દેખાય છે. જ્યારે અંતિમ તસ્વીરમાં આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદની દ્રષ્ટિગોચર થાય છે.

કેવડીયાકોલોની તા. ૩૧ : વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિવસ પર દુનિયામાં સૌથી ઊંચી તેમની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નું ઉદ્ઘાટન કર્યું. મોદીએ આ અવસર પર 'દેશની એકતા, જિંદાબાદ'નો નારો લગાવતા 'એક ભારત શ્રેષ્ઠ ભારત' માટે પટેલના દેખાડેલા રસ્તા પર ચાલવાનું આહ્વાન કર્યું છે. મોદીએ કોંગ્રેસ સહિ વિરોધીઓ પર પ્રહાર કરવાનું અહીં પણ ચૂકયા નહીં. પીએમે કહ્યું કે આજે દેશના એ સપૂતોનું સમ્માન થઇ રહ્યું છે જેને ઇચ્છીને પણ ઇતિહાસમાં ભૂલી શકાશે નહીં. મોદી પરોક્ષ રીતે કોંગ્રેસ પર પટેલનું સમ્માન નહીં કરવાનો આરોપ લગાવતા જોવા મળ્યા. જો કે તેમણે પોતાના સંબોધનમાં કોંગ્રેસ કે કોઇ પાર્ટીનો ઉલ્લેખ કર્યો નહીં પરંતુ એ ચોક્કસ કહ્યું કે આજે મહાપુરૂષોની પ્રશંસા માટે અમારી ટીકા થવા લાગે છે.

પીએમ મોદીએ કહ્યું કે સરદાર સાહેબે સંકલ્પ ના લીધો હોત તો આજે ગીરના સિંહને જોવા માટે, સોમનાથમાં પૂજા કરવા માટે અને હૈદ્રાબાદ ચાર મિનારને જોવા માટે આપણે વીઝા લેવા પડતા હોત. સરદાર સાહેબનો સંકલ્પન ના હોત તો કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સીધી ટ્રેનની કલ્પના પણ ના થઇ શકી હોત.

પીએમ મોદીએ કહ્યું કે કોઇપણ દેશના ઇતિહાસમાં એવી તકો આવે છે જયારે તે પૂર્ણતાનો અહેસાસ કરાવે છે. આ એ પળ હોય છે જે કોઇ રાષ્ટ્રના ઇતિહાસમાં હંમેશા માટે નોંધાયેલ હોય છે અને તેને મિટાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આજનો આ દિવસ પણ ભારતના ઇતિહાસની આવી જ કેટલીક ક્ષણોમાંથી એક મહત્વપૂર્ણ પળ છે. ભારતની ઓળખ, ભારતની સમ્માન માટે સમર્પિત એક વિરાટ વ્યકિતત્વને યોગ્ય સ્થાન નહીં આપી શકવા માટે એક અધૂરાપણાને લઇ આઝાદીના આટલા વર્ષો સુધી ચાલી રહ્યાં હતા. આજે ભારતના વર્તમાને પોતાના ઇતિહાસના એક સ્વર્ણિમ પુરૂષને ઉજાગ કરવાનું કામ કર્યું છે.

પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનવારણ કર્યા બાદ કહ્યું આજે જયારે ધરતીથી લઇ આકાશ સુધી સરદાર સાહેબનો અભિષેક થઇ રહ્યો છે જયારે ભારતે માત્ર પોતાના માટે એક નવો ઇતિહાસ રચ્યો નથી પરંતુ ભવિષ્ય માટે પ્રેરણાનો ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે. મારૃં સૌભાગ્ય છે કે મને સરદાર સાહેબની આ પ્રતિમાને દેશને સમર્પિત કરવાની તક મળી છે. જયારે ગુજરાતના સીએમ તરીકે તેની કલ્પના કરી હતી તો ત્યારે અહેસાસ નહોતો કે પીએમ તરીકે મને જ આ પુણ્ય કામ કરવાની તક મળશે.

પીએમ મોદીએ કહ્યું કે મને એ જૂના દિવસો યાદ આવી રહ્યાં છે અને આજે પણ બહુ બધુ કહેવાનું મન કરે છે. જયારે આ વિચાર મારી સામે મૂકાયો તો શંકાઓનું વાતાવરણ પણ સામે આવ્યું હતું. દેશભરના ગામડામાંથી ખેડૂતો પાસે માટી મંગાવી હતી, ખેતરમાં ઉપયોગ કરાતા જૂના ઓજારોને એકત્રિત કરવાનું કામ ચાલી રહ્યું હતું. જયારે તેના દ્વારા આપવામાં આવેલા ઓજારોમાંથી સેંકડો મેટ્રિક ટન લોખંડ નીકાળ્યું અને પ્રતિમાનો નક્કર આધાર તૈયાર કરાયો.

પીએમ મોદીએ કહ્યું કે પહેલાં તો મેં વિચાર્યું હતું કે એક મોટા પહાડને કાપીને પ્રતિમા બનાવામાં આવે. તેમણે કહ્યું કે એ સમયે મેં પહાડો શોધ્યા હતા જેથી નકશીકામથી પ્રતિમા બને. આટલો મોટો અને તાકતવર પહાડ મળ્યો નહીં. હું સતત વિચારતો રહ્યો અને વિચાર લેતો રહ્યો હતો. આજે જન-જનને વિચારને ટોચ પર પહોંચાડી દીધું. દુનિયાની આ સૌથી ઊંચી પ્રતિમા આખી દુનિયાને, અમારી ભાવિ પેઢીને એ વ્યકિતના સાહસ સંકલ્પની યાદ અપાવતી રહેશે, જેને મા ભારતને ખંડ-ખંડ કરવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. જે મહાપુરુષે એ સમયની તમામ આશંકાઓને નકારી દીધી તે સમયની દુનિયા ભવિષ્યના ભારતને બતાવતું હતું. એવા લોખંડી પુરુષ સરદાર પટેલને શત-શત નમન.

નિરાશાવાદી એ જમાનામાં પણ હતા. નિરાશાવાદીઓને પણ લાગતું હતું કે ભારત પોતાની વિવિધતાઓના વિખેરાઇ જશે. નિરાશના આ દોરમાં પણ તમામને એક કિરણ દેખાય છે અને આ આશાનું કિરણ હતું સરદાર વલ્લભભાઇ પટેલ. સરદાર પટેલમાં કૌટિલ્યની કૂટનીતિ અને શિવાજી મહારાજના શૌર્યનો પણ સમાવેશ હતો. તેમણે પાંચ જુલાઇ ૧૯૪૭ના રોજ રજવાડાઓને સંબોધિત કરતાં કહ્યું હતું – વિદેશી આક્રાંતાઓની સામે આપણા પરસ્પરના ઝઘડા, દુશ્મની, વેરનો ભાવ આપણી હારનું મોટું કારણ હતું. હવે આપણે આ ભૂલને દોહરાવાની નથી અને ના તો ફરીથી કોઇનું ગુલામ થવાનું છે. સરદાર સાહેબના આ સંવાદથી એકીકરણની શકિતને સમજતા રાજા-રજવાડાઓએ પોતાના વિલયનો નિર્ણય કર્યો. જોત જોતામાં ભારત એક થઇ ગયું.

મોદીએ કહ્યું સરદાર સાહેના આ સંવાદથી એકીકરણની શકિતને સમજતા રાજા રજવાડાઓએ પોતાના રાજયોનું મર્જર કરી દીધું હતું. જોત જોતામાં ભારત એક થઇ ગયું. સરદાર સાહેબના આહ્વાન પર દેશના સેંકડો રાજા-રજવાડાઓએ ત્યાગની મિસાલ કાયમ પણ કરી હતી. આપણે રાજા-રજવાડાઓના એ ત્યાગનો પણ કયારેય ભૂલવો જોઇએ નહીં. મારું એક સપનું છે કે આ સ્થળથી જોડીને રાજા-રજવાડાઓનું એક વર્ચુઅલ મ્યુઝિયમ તૈયાર થાય જેથી તેમનું યોગદાન પણ યાદ રહેશ.

પીએમ મોદીએ કહ્યું કે સરદાર સાહેબે સંકલ્પ ના લીધો હોત તો આજે ગીરના સિંહને જોવા માટે, સોમનાથમાં પૂજા કરવા માટે અને હૈદ્રાબાદ ચાર મિનારને જોવા માટે આપણે વીઝા લેવા પડતા હોત. સરદાર સાહેબનો સંકલ્પન ના હોત તો કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સીધી ટ્રેનની કલ્પના પણ ના થઇ શકી હોત.

મોદીએ કહ્યું કે સરદાર પટેલને એવા સમયમાં દેશના ગૃહમંત્રી બનાવામાં આવ્યા હતા જે ભારતના ઇતિહાસની સૌથી મુશ્કેલ ક્ષણ હતી. તેમની જવાબદારી દેશની વ્યવસ્થાઓના પુનનિર્માણ કરવાની હતી અને અસ્ત-વ્યસ્ત કાયદાની વ્યવસ્થાઓને ઠીક કરવાની જવાબદારી હતી. દેશના લોકતંત્રથી સામાન્ય પ્રજાને જોડવા માટે તેઓ હંમેશા સમર્પિત રહ્યાં. મહિલાઓને ભારતના રાજકારણમાં સક્રિય યોગદાનનો અધિકાર આપવા પાછળ પણ સરદાર પટેલનો ખૂબ મોટો રોલ રહ્યો છે.(૨૧.૨૪)

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે નર્મદા નદી તટે વિંધ્યાચળ અને સાતપુડાની ગિરી કંદરાઓના સાનિધ્યમાં ગુજરાતના કેવડીયા કોલોની પાસે વિશ્વની ઊંચામાં ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઇતિહાસના સૂવર્ણપૃષ્ઠને ઉજાગર કરતાં કહ્યું હતું કે, ભારતે ભવિષ્યની પેઢીને એકતા-અખંડતાની પ્રેરણા મળતી રહે તે માટે ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા સરદારના પ્રણ, પ્રતિભા, પુરૂષાર્થ અને પરમાર્થની ભાવનાનું જીવતું જાગતું પ્રગટીકરણ છે. રાષ્ટ્રીય એકતા પ્રતિ સમર્પણ અને ભારત ભક્તિની તાકાતથી મનમાં મિશન સાથે ગુજરાતે આ કામ ઐતિહાસિક સમયમાં પૂર્ણ કર્યું છે.

આ સ્મારક કરોડો ભારતીયોના સન્માન અને સેંકડો દેશવાસીઓના સામર્થ્યનું પ્રતિક છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશની અર્થ વ્યવસ્થા અને રોજગાર નિર્માણ માટે મહત્વનું સ્થાન બની રહેશે એટલું જ નહીં, આ વિસ્તારના હજ્જારો આદિવાસીઓના જનજીવન બહેતર બનાવીને પરિવર્તન આણનારૂં એકતાનું તિર્થસ્થાન બની રહેશે.

મુખ્યમંચ ખાતેથી લીવર દ્વારા પ્રધાનમંત્રીશ્રીએ વર્ચ્યુઅલી રાષ્ટ્રાર્પણ વિધિ સંપન્ન કરી હતી. ભારતભક્તિની ભાવનાના બળે જ હજ્જારો વર્ષોથી ભારતની સભ્યતા વિકસી રહી છે. દેશમાં જયારે જયારે આવા અવસરો આવે છે ત્યારે પૂર્ણતાનો અહેસાસ થાય છે, એમ કહીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે એવી ઐતિહાસિક ક્ષણ આવી છે, જેને મિટાવવી મુશ્કેલ છે. ભારત રાષ્ટ્રના ઇતિહાસમાં આ અત્યંત મહત્વની ક્ષણ હંમેશા માટે અંકિત થઇ જશે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણના ઐતિહાસિક અવસરે તમામ ગુજરાતીઓને, ભારત દેશવાસીઓને અને હિન્દુસ્તાનને પ્રેમ કરતા હર કોઇને અભિનંદન પાઠવ્યા હતા.

ભારતની એકતા માટે સમર્પિત વિરાટ વ્યક્તિત્વને આઝાદીથી અત્યાર સુધીમાં યોગ્ય સ્થાન નહોતું મળ્યું, એટલે સતત અધુરપનો અહેસાસ થતો હતો, એમ કહીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, આજે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિરાટ વ્યક્તિત્વને યોગ્ય સ્થાન આપીને ઇતિહાસના સ્વર્ણિમ પૃષ્ઠને ઉજાગર કરવાનું કામ થયું છે. આજે ધરતીથી લઇને આસમાન સુધી સરદાર પટેલ પર અભિષેક થઇ રહ્યો છે. વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરીને ભારતે ઇતિહાસ તો સજર્યો જ છે. આવનારી પેઢીને ભવિષ્યમાં પ્રેરણા મળતી રહે તે માટેનો ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરવાનો અવસર મળ્યો તેને પોતાનું સૌભાગ્ય ગણાવતાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે જયારે મેં આ મહાન પ્રતિમાના નિર્માણની કલ્પના કરી હતી ત્યારે મને અહેસાસ નો‘તો કે આ પ્રતિમાનું પ્રધાન મંત્રી તરીકે રાષ્ટ્રાર્પણ કરવાની પણ મને તક મળશે. આ ઐતિહાસિક અને અમૂલ્ય તકને હું દેશના કોટિ-કોટિ જનતાના આશીર્વાદ માનું છું, ધન્યતા અનુભવું છું અને આ માટે ગુજરાતની જનતાનો આભારી છું.

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની જનતા વતી આપેલા અભિનંદન પત્રને-સન્માનપત્રને આશીર્વાદ તરીકે સ્વીકારીને તેમણે કહ્યું કે, જેમ મા પોતાના બાળકની પીઠ પર હાથ રાખે તો બાળકની તાકાત, ઉત્સાહ અને ઊર્જા હજ્જાર ગણી વધી જતી હોય છે. આજે, ગુજરાતની જનતાએ આપેલા સન્માનપત્રમાં હું એ આશીર્વાદની અનુભૂતિ કરી રહ્યો છું.

સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમાને સાહસ, સામર્થ્ય અને અખંડ ભારતના સંકલ્પની સતત યાદ અપાવતી રહેશે એમ કહીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશના લાખો ગામોના કરોડો કિસાન પરિવારોએ આ પ્રતિમાના નિર્માણને જન આંદોલન બનાવ્યું હતું. સેંકડો મેટ્રીક ટન લોખંડ કિસાનોએ આપ્યું છે, જે આ પ્રતિમાના પાયામાં છે. ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તરફથી સ્મૃતિભેટ તરીકે પ્રાપ્ત લોહા અભિયાન અંતર્ગત ઝારખંડના ખેડૂત તરફથી મળેલો લોખંડનો હથોડો, અભિયાનના આરંભ વખતે અપાયેલો ફલેગ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મ્યુઝીયમમાં જ રાખવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના ભવિષ્ય સામે દુનિયાએ સેવેલી ચિંતાને દૂર કરી દીધી હતી. આ માટે સરદારને શત શત નમન કરતાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ભારતના ૫૫૦થી વધુ રજવાડાને કારણે સમગ્ર દુનિયામાં ભારતના ભાવિ પ્રત્યે ઘોર નિરાશા હતી. નિરાશાવાદીઓ એ યુગમાં પણ હતા. લોકોને હતું કે, વિવિધતાને કારણે ભારત વિખેરાઇ જશે પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલમાં કૌટિલ્યની ફૂટનીતિ અને શિવાજી મહારાજના શૌર્યનો સમન્વય હતો. ૮મી જુલાઇ, ૧૯૪૭ના રોજ વલ્લભભાઈ પટેલે આપેલા વક્તવ્યની યાદ તાજી કરતાં પ્રધાન મંત્રી શ્રી મોદીએ કહ્યું કે, તેમના આહવાન પર સેંકડો રાજાઓ એક  થઇ ગયા. ભારત એક થઇ ગયું. રાજા-રજવાડાઓના ત્યાગ અને બલિદાનને પણ સતત સ્મૃતિમાં રાખવા તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જ ૫૫૦ રજવાડાઓના વિલીનીકરણની યાદ અપાવતું મ્યુઝીયમ બનાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, રાજાઓએ પોતાના પૂર્વજોની અમૂલ્ય ધરોહર દેશને સમર્પિત કરી દીધી. આપણે એમના આ સમર્પણને કયારેય ભૂલી ન શકીએ.

ટીકાઓને તાકાત બનાવીને સરદાર વલ્લભભાઈ પટેલે હંમેશા દેશને રાહ દેખાડયો છે એનું સ્મરણ કરીને પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, આજે ભારત આખી દુનિયા સાથે પોતાની શરતે સંવાદ કરી રહ્યો છે. દુનિયાની આર્થિક અને સામાજિક શક્તિ બનવા તરફ ભારત પ્રયાણ કરી રહ્યું છે. આ તાકાતની પાછળ એક સાધારણ કિસાનના પરિવારમાં જન્મેલા અસાધારણ સરદાર વલ્લભભાઈ પટેલની મોટી ભૂમિકા રહેલી છે. કચ્છથી કોહીમા અને કારગિલથી કન્યાકુમારી સુધી આપણે બેરોકટોક જઇ શકતા હોઇએ તો તે સરદાર પટેલના સંકલ્પથી જ શકય બન્યું છે. જો તેમણે સંકલ્પ ન લીધો હોત તો આજે ગિરના સિંહને જોવા, શિવભક્તોને સોમનાથ મહાદેવના દર્શન કરવા અને હૈદરાબાદના ચાર મિનાર જોવા હિન્દુસ્તાનીઓએ વિઝા લેવા પડતા હોત. કાશ્મિરથી કન્યાકુમારી સુધીની ટ્રેનની કલ્પના પણ થઇ શકી ન હોત.

ઇન્ડિયન સિવિલ સર્વિસમાં કયાંય કશું ઇન્ડિયન, કંઇ સિવિલ કે કોઇ જ સર્વિસ નથી એવું વક્તવ્ય સરદાર વલ્લભભાઈ પટેલે ૧૯૪૭માં ર૧મી એપ્રિલે આપ્યું હતું એનો ઉલ્લેખ કરીને પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે તે વખતે દેશના યુવાનોને આ સ્થિતિ બદલવા આહવાન કર્યું હતું. ભારતીય પ્રશાસનિક સેવાનું ગૌરવ વધારવામાં, તેના નવનિર્માણમાં અને પારદર્શીતા સાથેના ઇમાનદારીપૂર્વકની વહીવટી સેવા પ્રસ્થાપિત કરવામાં તેમનું મોટું યોગદાન હતું. તેઓ સામાન્ય જનને લોકતંત્ર સાથે જોડવાના કામમાં સતત સમર્પિત રહ્યા. ભારતની રાજનીતિમાં મહિલાઓના સક્રિય યોગદાન માટે મોટું શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે.

આ પ્રતિમા માત્ર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નથી પરંતુ વૈશ્વિક પ્રતિભા, પૂરૂષાર્થ અને પરમાર્થની ભાવનાનું જીવતું જાગતુ પ્રગટિકરણ છે. એવું દ્રઢતાપૂર્વક જણાવતા પ્રધાનમંત્રીશ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ પ્રતિમા દેશના સપૂતોના સામર્થ્ય અને સમર્પણનું સન્માન છે. નૂતન ભારતના નિર્માણ માટેના નૂતન આત્મવિશ્વાસની અભિવ્યક્તિનો આલેખ આ પ્રતિમા છે. આઝાદી સમયે ભારતના અસ્તિત્વ સામે સવાલ કરનારા લોકોને સરદાર પટેલે દેશની એકતા અને અખંડતાના મંત્ર દ્વારા જવાબ આપ્યો હતો. ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત રાષ્ટ્ર શાશ્વત હતુ શાશ્વત છે અને શાશ્વત રહેશે, તેવો સંદેશો આવા નિરાશાવાદી લોકોને આપશે.

પ્રધાનમંત્રીશ્રીએ આ પ્રસંગે આ પ્રતિમાના નિર્માણમાં દેશભરના ગામગામથી લવાયેલી ખેતરોની માટી અને કિસાનોના વપરાયેલા ઓજારાના યોગદાનને યાદ કરી જણાવ્યું હતું કે, કિસાનોની ભાવના આ પ્રતિમાનો આત્મા છે. દેશના વિકાસમાં આદિવાસી બાંધવોની કર્મગાથાને પ્રસ્તુત કરતી આ શાશ્વત પ્રતિકૃતિ છે.

પ્રધાનમંત્રીશ્રીએ “નયા ભારત” ના નિર્માણમાં યુવાનો અને આવનારી પેઢીના યોગદાનને મહત્વરૂપ ગણાવતા જણાવ્યું હતું કે, વિશ્વ ઉંચી આ પ્રતિમા નિડરતા, પારદર્શિતા અને પ્રામાણિકતાનો સંદેશો તો આપશે પરંતુ તેની વૈશ્વિક ઉંચાઇ ભવિષ્યના શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે યુવાનોને સતત પ્રરિત કરતી રહેશે અને “એક ભારત શ્રેષ્ઠ ભારત” નો આપણો સંકલ્પ સાકાર કરશે.  

આ સમગ્ર સ્મારક ઇજનેરી તકનીકી સામર્થ્યનું પ્રતિક હોવાનું પણ પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું, ૯૦ વર્ષની જૈફ વયે પહોંચેલા દેશના ગણમાન્ય શિલ્પકાર પદ્મશ્રી રામ સુથારના નેતૃત્વમાં રોજ અઢી હજાર કામદારોના-ઇજનેરોના કર્મયજ્ઞથી આ ભગીરથ કાર્ય પૂર્ણ થયું છે. મનમાં મીશનની ભાવના, રાષ્ટ્રીય એકતા, સમર્પણ અને ભારત ભક્તિના બળ  વિના શક્ય નથી. તેમણે આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા સૌનો આભાર પણ માન્યો હતો અને જણાવ્યું હતું કે, નિર્માણ કાર્યમાં જોડાયેલા સૌ ઇતિહાસનો મહત્વપૂર્ણ હિસ્સો બની રહ્યા છે.

સમગ્ર દેશને એકતા અને અખંડતાના એકસૂત્રે બાંધનારા સરદાર પટેલને એવુ સન્માન મળવું જોઇએ, જેના તેઓ હકકદાર છે અને ૩૧ મી ઓક્ટોબર ૨૦૧૦ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનો વિચાર આવ્યો અને જે આજે સાકાર થયો તેમ જણાવી પ્રધાનમંત્રીશ્રીએ આ પ્રતિમાને કરોડો ભારતીયોનું સન્માન અને દેશવાસીઓના સામર્થ્યના પ્રતિકરૂપ ગણાવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ સ્થળ રોજગારી અને અર્થવ્યવસ્થા માટે પ્રેરક બળ બની રહેશે તેની નોંધ લેતા પ્રધાન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર આ પરિસરને પ્રવાસનના હેતુથી વિકસાવી રહી છે. જેના કારણે આ વિસ્તારના હજારો આદિવાસી યુવાનોને સીધી રોજગારી મળશે.

પ્રધાન મંત્રીશ્રીએ એકતાના પ્રતિક સમા આ પરિસરમાં એક એકતા નર્સરી બને, ત્યાં એકતાના સંદેશા સાથેનો છોડ પ્રત્યેક પ્રવાસી સાથે લઇ જાય અને ઘરમાં તેનું વાવેતર કરી એકતાના ભાવને સુદ્રઢ કરે. પ્રવાસન પ્રવૃતિને કારણે આદિવાસી સંસ્કૃતિથી પ્રવાસીઓ પરિચિત થશે. એટલું જ નહી ચોખાના લોટમાંથી તૈયાર થતાં આદિવાસી પરંપરાગત વ્યંજનો, ઉનામાંડા, તોહાલામાંડા અને થોકાલામાંડાનો સ્વાદ પણ પ્રવાસીઓ માણી શકશે. આ સ્થળ આદિવાસી સંસ્કૃતિનું સંશોધન કેન્દ્ર બને તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.

ભારત સરકાર સંસ્કૃતિ અને સંસ્કારને લઇને આગળ વધી રહી છે. એટલે જ આપણાં સપૂતોના કર્તવ્યને સ્મારક સાથે જોડ્યાં છે. દિલ્હીમાં આધુનિક મ્યુઝીયમ હોય, ગાંધીનગરમાં મહાત્મા મંદિર અને દાંડી કુટિર, ડૉ. આંબેડકર પંચતિર્થ સ્મારક હોય કે હરિયાણામાં છોટુરામ, મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની ઉંચી પ્રતિમા હોય કે કચ્છના માંડવીમાં ગુજરાતના સપુત શ્યામજીકૃષ્ણ વર્માનું સ્મારક કે ગુજરાતી આદિવાસી ગોવિંદગુરૂનું સ્મારક ભાવિ પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. પ્રધાનમંત્રીશ્રી એ આવા કાર્યોને ઇતિહાસને પૂર્નજીવિત કરનારા ગણાવ્યા હતાં. સપૂતોને રાષ્ટ્રીય સન્માન આપવાના આ કાર્યને કેટલાક લોકો રાજનીતીના ચશ્માથી જુએ છે અને મોટો અપરાધ કર્યો હોય તેવો વર્તાવ કરે છે તે લોકોને સણસણતો સવાલ કરતાં પ્રધાન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના મહાપુરૂષોનું સ્મરણ કરવું એ અપરાધ છે? પ્રધાનમંત્રીશ્રી સરદાર પટેલના ગ્રામોધ્ધારની ભાવના અને ગ્રામોન્નતિ સહકાર પ્રવૃત્તિને પ્રેરિત કરવાની કુશળતાની પણ નોંધ લીધી હતી અને યુવાનોને આહવાન કર્યું હતું કે “એક ભારત શ્રેષ્ઠ ભારત” ના નિર્માણ માટે જે સપનું સરદાર પટેલે સેવ્યું હતું તેને સાકાર કરવા દેશના પ્રત્યેક યુવાન આગળ આવે અને સશક્ત,સુદ્રઢ, સંવેદનશીલ, સતર્ક અને સર્વસમાવેશી ભારતનું નિર્માણ કરે. ભારત સરકારે ગામેગામે વીજળી, પાણી , સડકો, શૌચાલયથી માંડીને ડીજીટલ કનેક્ટીવીટી પહોંચાડી છે. સ્વસ્થ્ય ભારતના નિર્માણ માટે આયુષ્યમાન ભારત અભિયાન હેઠળ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અમલમાં મૂકી છે. આવા અનેકવિધ કાર્યો દ્વારા સર્વ સમાવેશી સશક્ત ભારતના નિર્માણની દિશામાં સરકારે નક્કર કદમ માંડ્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ “સૌનો સાથ સૌનો વિકાસ” ને સરકારનો ધ્યેયમંત્ર ગણાવ્યો હતો.

શ્રેષ્ઠ ભારતનું નિર્માણ અને ભારત જોડો અભિયાન હેઠળ “વન નેશન વન ટેક્ષ” ના સંકલ્પ સાથે જીએસટીનો અમલ, ઇ-નામ યોજના દ્વારા દેશની ખેતઉત્પન્ન બજારોનું જોડાણ, વન નેશન વન ગ્રીડ દ્વારા વીજળી ક્ષેત્રે સ્વાવલંબનની દિશામા પ્રયાસ, સેતુ ભારતમ્ જેવા પ્રકલ્પો દ્વારા સરકારે જન આંદોલન ઉપાડ્યું છે. ત્યારે દેશની એકતા – અખંડતા, સાર્વભૌમત્વને સુદ્રઢ કરવાનું સરદાર પટેલે પ્રત્યેક નાગરિકને સોંપેલું ઉત્તરદાયિત્વ પુરી જવાબદારીથી નિભાવવા તેમણે સૌને આહવાન કરી સરદાર પટેલના જ શબ્દો દોહરાવ્યા હતા કે પ્રત્યેક ભારતીયે ભૂલવું પડશે કે તેઓ કઇ જ્ઞાતિ-જાતિ કે વર્ગના છે. એક જ વાત યાદ રાખવી પડશે કે તેઓ ભારતીય છે. સરદાર પટેલના આ ભાવ પ્રત્યેક નાગરિકના હ્રદયમાં આવિષ્કાર પામે તેવી આશા પ્રધાનમંત્રીશ્રીએ વ્યક્ત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી સદીઓ સુધી સમગ્ર વિશ્વ માટે એકતાનું તિર્થ બની રહેશે એમ પણ જણાવ્યું હતું.

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સરદાર પટેલને વિશ્વ વિભૂતી ગણાવી જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું જે આજે સાકાર થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે વર્ષ ર૦૧૩માં તેનો શિલાન્યાસ થયો હતો અને આજે એકતા-અખંડિતતાના સંદેશ સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની છે.

મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલની પ્રતિભા અને પ્રતિમાની ઊંચાઇ વિશ્વ આખું અનુભવી રહ્યું છે. ગુજરાતના સપૂત એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં દેશના સપૂતની પ્રતિમાનું નિર્માણ કરીને ગુજરાત સહિત દેશ આખાનું ગૌરવ વધાર્યું છે. મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યની સાડા છ કરોડ જનતા વતી વડાપ્રધાનશ્રીને અભિનંદન પત્ર પાઠવ્યો હતો.

અભિનંદન પત્રનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબના પ્રયાસોથી જ દેશનું વિભાજન અટકયું અને અખંડ ભારતનું નિર્માણ થયું તે સમયે તેમણે સેવેલા વિચારો-આદર્શો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ઇતિહાસમાંથી પ્રેરણા મેળવનાર જ ઇતિહાસ રચી શકે છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થશે એમ તેમણે જણાવ્યું હતું. રાજ્યની છ કરોડ જનતા વતી શ્રી રૂપાણીએ દેશના સપૂત શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી, કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓ, પદાધિકારીઓ, સરદાર સાહેબના પરિવારજનો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(6:18 pm IST)