Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ત્રણ વર્ષની ઉંમરે નક્કી થયા હતા લગ્નઃ CA યુવતીએ છોકરો ન ગમતાં ઝેર પીધું

જોધપુરના એક ગામમાં પંચાયતની સરમુખત્યારશાહીએ સીએ યુવતીને ઝેર ખાવા માટે મજબૂર કરી

જોધપુર તા. ૩૦ :  જોધપુરના એક ગામમાં પંચાયતની સરમુખત્યારશાહીએ સીએ યુવતીને ઝેર ખાવા માટે મજબૂર કરી હતી. એક રિપોર્ટ અનુસાર દિવ્યા ચૌધરી નામની યુવતી જયારે ત્રણ વર્ષની હતી ત્યારે જ તેની સગાઈ નક્કી થઈ ગઈ હતી. જોકે, આ પછી તેણે લગ્ન કરવાની ના પાડી હતી. દિવ્યા પંચાયતના નિર્ણય વિરુદ્ઘ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ગઈ હતી અને પછી ઝેર ખાધું હતું.

પીડીત યુવતીના પરિવારે આરોપ લગાવ્યો હતો કે આ સમગ્ર મામલે પોલીસનું વલણ ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. દિવ્યાએ ત્રણ વાર પોલીસ કમિશ્નર ઓફિસના ધક્કા ખાધા આ પછી જ તેના નાનપણના ફિયોન્સ અને તેના પરિવાર વિરુદ્ઘ એફઆઈઆર દાખલ થઈ હતી. જોકે, આ પછી પણ કોઈ જ કાર્યવાહી થઈ નહોતી.રિપોર્ટ અનુસાર દિવ્યાની સગાઈ ૩ વર્ષે જ થઈ ગઈ હતી અને તેને આ સંબંધ મંજૂર નહોતો. તે આગળ અભ્યાસ કરવા ઈચ્છતી હતી. જોકે, જીવરાજ (દિવ્યાનો ફિયાન્સ) અને તેના પરિવારે પ્રેશર આપવાનું ચાલું કર્યું અને સમગ્ર મામલો પંચાયતમાં પહોંચ્યો હતો.પંચાયતે દિવ્યાના પરિવારને ૧૬ લાખનો દંડ ફટકાર્યો હતો. દિવ્યાના પરિવારે ચુપચાપ આ રકમ ચૂકવી પણ હતી. જોકે, જયારે દિવ્યા પોતાની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશને ગઈ તો પંચાયતે તેને ફરીથી ૨૦ લાખનો દંડ ફટકાર્યો હતો. આ સાથે જ જાહેરમાં માફી અને પોલીસ કેસ પરત ખેંચવાની શરત પણ હતી. આવું ન કરવા પર સમુદાયમાંથી બેદખલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. દિવ્યાએ પોતાની ફરિયાદમાં સરપંચ અને જોધપુર જિલ્લા પ્રમુખના પિતા સહિત પાંચ લોકોનો ઉલ્લેખ કર્યો છે. અંતે દિવ્યાએ પોલીસ સ્ટેશનમાં ઝેર ખાધું હતું. ડીસીપી અમનદીપ સિંહે જણાવ્યું હતું કે,'તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જયાં તેની હાલત સુધારા પર છે.' (૨૧.૧૪)

(2:34 pm IST)