Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ટેક્ષચોરી પકડવા માટે બની રહયું છે સોફટવેર

જીએસટી રીટર્ન અને ઇન્કમટેક્ષ રીટર્નના આંકડા ચેક કરશે

નવી દિલ્હી તા.૩૧: સરકાર ટેક્ષ કલેકશન વધારવા માગે છે. તેના માટે ટેક્ષ ચુકવનારની સંખ્યા વધારવાની સાથે ટેક્ષ ચોરી પકડવા માટે પણ તેણે કમર કસી છે. હવે સરકારે ટેક્ષ ચોરી પકડવા માટે નવો આઇડીયા વિચાર્યો છે. ટેક્ષ ચોરી પકડવા માટે એક ખાસ સોફટવેર તૈયાર થઇ રહયું છે. તેની ખાસિયત એ હશે કે તેમાં જીએસટી અને ઇન્કમટેક્ષના આંકડાઓ મેળવીને ટેક્ષચોરીને સહેલાઇથી પકડી શકાશે.

નાણા મંત્રાલયના સુત્રો અનુસાર, જેટલા લોકો જીએસટી રીટર્ન ભરતા હશે તે ઇન્કમ ટેક્ષ રીટર્ન પણ ભરતા જ હશે. આ સોફટવેરમાં બંન્ને રીટર્નની ડીટેઇલ આવી જશે. જો આ ડીટેઇલમાં ગરબડ હશે એટલે કે બન્ને રીટર્નની ડીટેઇલ સરખી નહીં હોય તો સોફટવેર પોતે જ ચેતવણી આપશે. પછી તે વ્યકિત વિરૂદ્ધ તપાસ શરૂ થશે. અને તેની સામે નિયમ મુજબ કાર્યવાહી થશે. આ સોફટવેર ડીસેમ્બર અથવા જાન્યુઆરીમાં તૈયાર થઇ જશે. એટલે ત્યાર પછી ટેક્ષચોરી પકડવામાં પહેલા કરતાં ઝડપ વધશે. આ કામ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવશે. જે આ સોફટવેરના એલર્ટની સંપૂર્ણ માહિતી ઇન્કમટેક્ષ વિભાગને મોકલશે.

જીએસટી કલેકશન બાબતે સરકારની ચિંતાઓ વધી રહી છે. સરકારને હતું કે જીએસટી કલેકશન ૧ લાખ કરોડ રૂપિયા પહોંચી જશે પણ એવું થઇ નથી શકયું. સુત્રો અનુસાર, ૬ રાજયોમાં ઘટી રહેલા જીએસટી કલેકશનના કારણે નાણા મંત્રાલય ચિંતિત છે. એટલે નાણા મંત્રાલયના અધિકારીઓ પોતે રાજયોમાં જઇને તેની તપાસ કરી રહયા છે. આ ૬ રાજયોમાં જીએસટી કલેકશન પહેલાની સરખામણીમાં ૪૦ થી ૪૫ ટકા ઓછું થયું છે.(૧.૪)

(10:26 am IST)