Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

પક્ષાંતરના પ્રશ્નોનો મારો બોલતા શરદ ભડકયા

ચાલુ પત્રકાર પરીષદ છોડી ચાલ્યા ગયા, ગુસ્સો ટાઢો પડતા પાછા ફર્યાઃ જે ગયા એને શુભેચ્છા !!

અહમદનગર,મહારાષ્ટ્રઃ એનસીપીને લાગેલા પક્ષાંતર રોગથી પક્ષના અધ્યક્ષ શ્રી શરદ પવાર કેટલા અસ્વસ્થ થયા છે એનો અનુભવ પત્રકારોને અહમદનગરમાં થયો હતો.

 નેતાઓ સાથે તેમના સંબંધીઓ પણ પક્ષ છોડીને જતા હોવાના પત્રકારોના એક પ્રશ્નથી ચિડાયેલા પવાર પત્રકાર પર રોષે ભરાયા હતા અને પત્રકાર પરિષદ છોડી ને ચાલવા માંડ્યા હતા. જોકે નેતાઓની વિનવણી પછી ગુસ્સો ગળીને ફરી પ્રશ્નના જવાબ આપવા હાજર થયા હતા.

એનસીપીના આ સર્વેસર્વા જાહેર કાર્યક્રમમાં પોતાના સંયમ માટે જાણીતા છે. કોઈપણ પ્રશ્નનો તેઓ સંયમથી જવાબ આપે છે. પ્રતિસ્પર્ધી ટીકા કરતી વખતે પણ તેઓ રોષે નથી ભરાતા. પણ અહમદનગર ખાતે એક પત્રકાર પરિષદમાં એક સવાલ  પર પવાર પોતાનો કાબુ ગુમાવી બેઠા હતા, એનસીપીના નેતાઓ સાથે પવારના સંબંધી પણ પક્ષ છોડીને જતા હોવાની બાબતમાં એક પત્રકારે પૂછેલા  પ્રશ્ન પર પવાર ચિડાઈ ગયા હતા. સંબંધીઓ વિશેનો સવાલ  પવારને  પસંદ ન આવ્યો. આ પ્રશ્ન ઔચિત્યનો ભંગ કરનારો છે અને પત્રકારે માફી માગવી જોઈએ એમ કહીને પવારે ચાલતી પકડી હતી. ત્યાં હાજર બીજા નેતાઓએ તેમને બેસવાની વિનંતી કરતા તેઓ ફરી બેસી ગયા હતા.

 એનસીપીના નેતા પદ્મસિંહ પાટીલ અને રાણા જગજિતસિંહ પાટીલ વિશેનો આ પ્રશ્ન હતો. પદ્મસિંહ પાટીલ પવારના અતિ નીકટના હોવાનું મનાતું હતું. ઉપરાંત તેઓ પવારના સંબંધી પણ છે. એમના વિશેના સવાલ પર પવાર રોષે ભરાયા હતા.

 પક્ષાંતર વિશે શરદ પવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અન્ય પક્ષોના નેતાઓ પણ તેમના પક્ષ છોડીને બીજા પક્ષમાં ગયા છે. રાજકારણમાં આવું બનતું રહે છે. પરિવારના વિવિધ સભ્યોને પણ પોતાના અલગ રાજકીય વિચારો હોય છે. તેઓ એ પ્રમાણે નિર્ણય લઈ શકે છે. અગાઉ પણ મને અનેક જણા છોડીને ગયા છે. પણ આત્મવિશ્વાસ થી મેં ફરી એ જગ્યા, પાછી મેળવી છે. જે મને છોડીને જાય છે તેને મારી શુભેચ્છા. મારો શું દોષ હતો એ હું શોધી રહ્યો છું. જોકે તેમણે કોઈએ મારા દોષ વિશે કંઈ કહ્યું નથી.

દરમિયાન  એનસીપીના સાંસદ સુપ્રિયા સુળેએ જણાવ્યું કે તેના પિતા અને પાર્ટીના સુપ્રીમો શરદ પવારે જેમણે દાયકાઓથી સાથ આપ્યો હતો તેઓ જયારે પક્ષ છોડી ને જાય ત્યારે દુઃખ લાગે એ સ્વાભાવિક છે. સોળે વધુમાં જણાવ્યું કે જે નેતા પક્ષ છોડીને ગયા છે તેમણે એનસીપીના મંચ પર થી જ ખ્યાતિ મેળવી હતી. શરદ પવારે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. ત્યાર બાદ તેમણે આ પક્ષ રચ્યો છે. સંઘર્ષ દરમ્યાન જે લોકો તેમની સાથે હતા તે હવે પક્ષ છોડીને જાય ત્યારે દુઃખની લાગણી થવી સ્વાભાવિક છે, એમ સુબેએ જણાવ્યું હતું.

(11:26 am IST)