Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

રે બેકારી... તું કયાં પહોંચીશ ?

પટાવાળાની નોકરી માટે અધધધ ૩૭૦૦ પીએચડી ઉમેદવારો લાઇનમાં

નવી દિલ્હી તા. ૩૧ : પટાવાળા કે સંદેશાવાહકના ૬૨ પદ માટે પોલીસ વિભાગે તાજેતરમાં જ અરજી માગી હતી. આ પદ માટેની લઘુતમ લાયકાત પાંચ ધોરણ પાસ છે. પરંતુ આ પદ માટે જે લોકોની અરજી આવી છે તે જોતાં પસંદગીકર્તા પણ દ્વિધામાં મુકાઈ ગયા છે. પટાવાળાની ૬૨ પોસ્ટ માટે ૫૦ હજાર સ્નાતક, ૨૮ હજાર અનુસ્નાતક અને ૩૭૦૦ પીએચડી પદવી ધારકે અરજી કરી છે.

સ્નાતક અને અનુસ્નાતક પદવીધારકોમાં બી.ટેક અને એમબીએ પદવીધારકોનો પણ સમાવેશ થાય છે. ૯૩ હજાર અરજદારોમાં માત્ર ૭૪૦૦ અરજદાર જ એવા છે કે જે પાંચમા ધોરણથી ૧૨ ધોરણની પદવી ધરાવે છે. આ પદની નોકરી પત્રોને પહોંચાતા ટપાલી જેવી છે. પોલીસના પત્રો એક સ્થાનેથી બીજા કાર્યાલયે પહોંચાડવાના હોય છે.

આ પદ માટે પસંદગી માટે અત્યારસુધી ઉમેદવાર પાસેથી ખાતરી લેવામાં આવતી હતી કે તેને સાઇકલ ચલાવતા આવડે છે કે નહીં અને નોકરી અપાતી હતી. પરંતુ આ વર્ષે પસંદગીકારો મૂંઝાયા છે. આટલા ભણેલાગણેલા લોકોમાંથી પટાવાળાના પદ માટે પસંદગી કરવાની હોવાથી કદાચ પસંદગી ટેસ્ટ લેવો પડે તેવી સ્થિતિ છે.અધિકારીઓનું કહેવું છે કે બજારમાં નોકરીઓ ના હોવાથી ૬૨ પદ માટે આટલી મોટી સંખ્યામાં અરજીઓ આવી છે. આ પદ પર ફૂલટાઇમ નિમણૂક મળે છે અને આરંભિક વેતન જ રૂ. ૨૦ હજાર છે. કદાચ તે કારણે જ આટલી મોટી સંખ્યામાં અરજીઓ મળી છે.

(3:58 pm IST)