Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

''કડવે વચન'' ફેમ મુનિશ્રી તરૂણ સાગર મ.સા.ની તબીયત નાજુકઃ સંથારો

છેલ્લા ૨૦ દિવસથી કમળાથી પીડાઈ રહ્યા છેઃ સારવાર લેવાની ના પાડી દિલ્હી સ્થીત ચાતુર્માસ સ્થળે પરત

નવી દિલ્હી,તા.૩૧: જૈન મુનિ તરૂણ સાગરજી મ.સા.ની તબીયત ખુબજ નાજુક હોવાનું અને ગુરૂ પુષ્પદંતસાગર મહારાજની આજ્ઞાથી સંથારો લેવાની તૈયારી થતી હોવાના સમાચારો રાષ્ટ્રીય અખબારોમાં આવ્યા છે. જૈન મુનિ તરૂણ સાગરજી તેમના ''કડવે વચનો'' માટે જૈન- જૈનતરોમાં ખુબ જ જાણીતા છે.

રાષ્ટ્રસંત તરૂણ સાગરજી મ.સા.ને ૨૦ દિવસ પહેલા કમળો થતા તેમને મેકસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોકટરોના જણાવ્યા મુજબ તેમની તબીયતમાં સુધારો નથી. મુનિશ્રીની સારસંભાળ રાખનાર બ્રહ્મચારી સતીશજીના જણાવ્યા મુજબ મુનિશ્રીએ હવે ઉપચાર કરાવવાની ના પાડી દીધી છે અને તેઓ તેમના અનુયાયીઓ સાથે દિલ્હી સ્થિત રાધાપુરી જૈન દેરાસર ચાતુર્માસ સ્થળે પરત આવી ગયા છે.

દિલ્હી જૈન સમાજના અધ્યક્ષ ચક્રેશ જૈને જણાવ્યું હતુ કે મુનિશ્રી તરૂણ સાગરજી મ.સા.એ પોતાના ગુરૂ પુષ્પદંત સાગરની આજ્ઞા બાદ સંલેખના કરી રહ્યા છે. જયારે પૂ.પુષ્પદંત મ.સા.એ પણ એક વીડિયો જાહેર કરી જણાવેલ કે પૂ.તરૂણ સાગરજીની હાલત ગંભીર છે. ગુરૂદેવે આ અંગે એક પત્ર પણ લખ્યો છે. જેમાં મુનિ સૌરભ સાગર અને મુનિ અરૂણ સાગરને દિલ્હી પહોંચી સમાધીમાં  સહયોગ આપવા જણાવ્યું છે. ચક્રેશ જૈન જણાવેલ કે  દિલ્હીની આસપાસમાં બિરાજમાન સંતો પૂ.સૌરભ સાગરજી, પૂ.અનુમાન સાગરજી, પૂ.શિવાનંદ મ.સા., પૂ.પ્રશ્માનંદ મ.સ. અને પૂ.સૌભાગ્ય સાગર મુનિશ્રી તરૂણ સાગરજીને મળવા વિહાર કરી રાધેપુરી પહોંચી રહ્યા છે.

મુનિ તરૂણ સાગરજી મ.સા.નું સંસારી નામ પવનકુમાર જૈન છે. તેમનો જન્મ દમોહ (મધ્યપ્રદેશ)ના ગુહજી ગામમાં ૨૬ જુન ૧૯૬૭ના રોજ થયેલ. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપચંદ્ર જૈન હતુ. મુનિશ્રીએ ૮ માર્ચ ૧૯૮૧ના રોજ ઘર છોડી દીધેલ અને ત્યાર બાદ તેમણે જૈન દિક્ષા ગ્રહણ કરેલ.

દિલ્હીના જૈન અગ્રણી રમેશચંદ્ર જૈને જણાવેલ કે મુનિશ્રી તેમના કડવા પ્રવચનો માટે પ્રસિધ્ધ છે અને તેમના લીધે તેમને ક્રાંતિકારી સંત પણ કહેવામાં આવે છે. કડવે પ્રવચન નામની તેમની પુસ્તીકા પણ ખુબ જ પ્રસિધ્ધી પામી છે. સમાજના અલગ- અલગ વર્ગોને એક કરવા તેમણે ખુબ જ પ્રયત્ન કરેલ. તેમણે મધ્યપ્રદેશ અને હરિયાણા વિધાનસભામાં પ્રવચન આપ્યા છે.

મુનિશ્રીના સ્વાસ્થ્યને લઈને જૈન- જૈનતરોમાં ચિંતાનું મોજુ પ્રસરી જવા પામ્યુ છે.(૩૦.૪)

(11:32 am IST)