Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

કાલથી અનેક પ્રકારના નિયમો બદલાશે

આ નિયમોમાં એટીએમ, બેંક, ડોર સ્ટેપ બેંકીંગ, આપની સેલરી અને રસોઇ ગેસના ભાવો પણ સામેલ

નવી દિલ્હી તા. ૩૧ : ૧ ઓગસ્ટથી બેંકીંગ વ્યવસ્થા સાથે જોડાયેલા કેટલીય નિયમો બદલાઈ જવાના છે. જેમાં એટીએમ, બેંક, ડોર સ્ટેપ બેંકીંગ જેવા નિયમો જોડાયેલા છે. સાથે જ આ નિયમોમાં આપની સેલરી અને રસોઈ ગેસના નિયમો પણ શામેલ છે.

રવિવારથી વર્ષના આઠમો મહિનો એટલે કે ઓગસ્ટની શરૂઆત થવા જઈ રહી છે. ઓગસ્ટના આગમનની સાથે બેંકીંગ વ્યવસ્થા સાથે જોડાયેલા નિયમ અને સામાન્ય લોકો સાથે જોડાયેલા કેટલાય નિયમો બદલાઈ જવાના છે. બેંકોમાં થનારા આ ફેરફારથી આપને કેટલીય મુશ્કેલીઓ આવી શકે છે. આપના ખિસ્સા પર બોઝ વધશે. તો આવો જાણીએ કયા કયા નિયમો બદલાઈ જવાના છે.

સેલરીમાં થશે મોટો ફેરફાર

આરબીઆઈએ નેશનલ ઓટોમેટેડ કિલયરીંગ હાઉસના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ બદલાવના કારણે રજાઓના દિવસોમાં પણ પગાર આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે સેલરી જમા થવાનો દિવસ શનિવાર અથવા રવિવાર હોય તો, પણ આપને તે દિવસે સેલરી મળી જશે. હવે રવિવારના દિવસે પણ આપના ખાતામાં સેલરી આવશે. જેનાથી રજાના દિવસે પણ આપ ટ્રાંઝેકશન કરી શકશો.

એટીએમમાંથી ટ્રાન્ઝેકશન કરવાનું થયું મોંઘુ

આરબીઆઈના જણાવ્યા અનુસાર હવે બેંક ગ્રાહકો એટીએમ મશીનમાંથી ૫ ટ્રાંઝેકશન ફ્રીની સુવિધા આપશે. ત્યાર બાદ વિડ્રોલ માટે ચાર્જ આપવાનો રહેશે. આરબીઆઈએ આ ટ્રાન્ઝેકશન પર ૧૫થી ૧૭ રૂપિયા ચાર્જ તથા બિન નાણાકીય વ્યવહારો પર ૫ રૂપિયાથી લઈને ૬ રૂપિયા સુધીનો ઈંટરચાર્જ લેવાનું નક્કી કર્યુ છે.

પોસ્ટ ઓફિસની ડોર સ્ટેપ સેવા મોંઘી

ઈંડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે જાહેરાત કરી છે કે, હવે ગ્રાહકોને ઘર પર બેંકીંગ સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે ફી આપવાની રહેશે. એટલે કે ડોરસ્ટેપ સર્વિસ માટે વધારે ચાર્જ ચુકવવો પડશે. હવે એક ઓગસ્ટ ૨૦૨૧થી પ્રત્યેક ડોરસ્ટેપ સર્વિસ માટે ૨૦ રૂપિયા પ્લસ જીએસટી પ્રતિ ટ્રાંજેકશન ચુકવવાનું રહેશે. અત્યાર સુધી આ સર્વિસ માટે કઈ ચાર્જ લાગતો નહોતો.

સિલેન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર

દર એક તારીખે એલપીજી સિલેન્ડરના નવા ભાવ જાહેર થાય છે. ગત મહિને રસોઈ ગેસ સિલેન્ડરમાં ભાવ વધ્યા હતાં. આવા સમયે હવે એ જોવાનું રહેશે કે, શું આ વખતે પણ કોઈ ફેરફાર થાય છે કે નહીં.

ICICI બેંકવાળા માટે વાંધો

આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકોને પૈસા ઉપાડવાનો નિયમો બદલાઈ જસે. હવે બેંક બ્રાંચમાં જઈને દર મહિને ચાર ટ્રાન્ઝેકશન કરી સકે છે એટલે મહિનામાં ચાર વાર અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો. જો ચાર વખતથી વધારે પૈસા ઉપાડ્યા તો, એક વાર ટ્રાંઝેકશનના હિસાબથી ૧૫૦ રૂપિયા આપવા પડશે.

(11:48 am IST)