Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

કેજરીવાલ સરકાર ડીઝલના ભાવ ઘટાડી શકે તો રૂપાણી સરકાર કેમ નહીં ?

સંવેદનશીલ કહેવડાવતી સરકારે પણ પ્રજાહિતનો વિચાર કરવો જોઇએ એવો સામાન્ય મત : કેજરીવાલ સરકારે ડીઝલ પરનો વેટ ૧૩.૨૫ ટકા ઘટાડયો, જ્યારે ગુજરાતે ૩.૨ ટકા વધાર્યો

નવી દિલ્હી તા. ૨૧ : દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે કેબિનેટમાં નિર્ણય લઈ ડીઝલ ઉપરનો વેટ ૩૦ ટકાથી ઘટાડી ૧૬.૭૫ ટકા કરવાની જાહેરાત કરી છે, એને કારણે દેશના પાટનગરને આવરી લેતા દિલ્હી રાજયમાં હવે ડીઝલના ભાવમાં લિટરે ૮ રૂપિયા ૩૬ પૈસાનો કડાકો બોલી ગયો છે.

દિલ્હીના આ મોટા સમાચાર ગુરૂવાર બપોરથી જ રાજયમાં વહેતા થતાં, સામાન્ય માણસોના મનમાં સ્વાભાવિક પ્રશ્ન ઊઠી રહ્યો છે કે, જો દિલ્હીમાં 'આપ' સરકાર અતિશય મોંઘવારીમાં લોકહિતમાં ડીઝલ ઉપરનો વેટ ઘટાડી ભાવમાં રાહત આપી શકતી હોય તો પોતાને સંવેદનશીલ કહેવડાવતી ગુજરાત સરકારે પણ પેટ્રોલ કે ડીઝલ ઉપરનો ટેકસ ઘટાડી સામાન્ય નાગરિકોને રાહત મળે તેવા દિલ્હી સરકારના પગલાને અનુસરવું જોઈએ.

ગુજરાતની ભાજપ સરકારે તો વાસ્તવમાં લોકડાઉનના અતિકપરા સમયમાં હસમુખ અઢિયા સમિતિના નામે પેટ્રોલ-ડીઝલન ભાવ વધારી સામાન્ય માણસોનું જીવન દોહ્યલું બનાવી દીધું છે. આ સરકાર ૧૫ જૂનની અસરથી પેટ્રોલમાં ૩.૧ ટકા (રૂ. ૨) અને ડીઝલમાં ૩.૨ ટકા (રૂ. ૨) વેટ વધારી અત્યારે અનુક્રમે ૨૦.૧ ટકા અને ૨૦.૨ ટકા વેટ કરી સાથે ૪-૪ ટકા સેસ વસૂલી પ્રજાને કપરા સમયમાં રાહત આપવાને બદલે વધારાનો બોજો નાંખ્યો છે.

ડીઝલ ઉપરનો વેટ કે ટેકસની આવક એ ગુજરાત હોય કે દિલ્હી હોય, કોઈપણ રાજયની આવકનો મુખ્ય  સ્ત્રોત હોય છે, રાજય વાણિજયક કરવેરા કચેરીના સૂત્રોના કહેવા પ્રમાણે રાજયમાં અત્યારે દર મહિને સરેરાશ ૬ લાખ લીટર ડીઝલની ખપત રહે છે. આના કરતાં ઘણી વધુ ખપત દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં રહેતી હોય છે. તેથી જો દિલ્હીની સરકાર ડીઝલ ઉપરનો ટેકસ ઘટાડીને પ્રજાનું હિત જોઈ શકતી હોય તો સંવેદનશીલ સરકારનો દાવો કરતી ગુજરાત સરકારે પણ પ્રજાહિતમાં આવું કદમ ઊઠાવવું જોઈએ.

ડીઝલના ભાવ સમગ્ર અર્થતંત્રને ભારે અસર કરે છે. પરિવહન ખર્ચ વધતાં દરેકે દરેક ચીજવસ્તુના ભાવને અસર થાય છે, એ પછી ડીઝલ પમ્પ સેટથી પાણી ખેંચી સિંચાઈ કરતો ખેડૂત હોય કે પછી ડીઝલ પમ્પ સેટના સહારે દરિયો ખેડતો મછવારો હોય, દરેક સામાન્ય માણસના જીવનને ડીઝલના ભાવ મોટી અસર કરે છે, ત્યારે રાજયની ભાજપ સરકાર સાચા અર્થમાં સંવેદનશીલ બની ડીઝલ-પેટ્રોલ ઉપરનો ટેકસ ઘટાડે તે ઇચ્છનીય છે.

લોકડાઉન પહેલા રાજયમાં પેટ્રોલનું ૨૩ કરોડ લીટર, ડીઝલનું ૫૫ કરોડ લીટર વેચાણ થતું હતું

કોરોનાના કારણે લોકડાઉનમાં રાજયમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ૯૫ ટકા સુધી ઘટી ગયું હતું. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ વધી રહ્યું છે. રાજયમાં જયારે કોરોના નહોતો અને સામાન્ય સ્થિતિ હતી ત્યારે પેટ્રોલનું વેચાણ દર મહિને ૨૩ કરોડ લીટર અને ડીઝલનું વેચાણ ૫૫ કરોડ લીટર થતું હતું. જે લોકડાઉન દરમિયાન બિલ્કુલ તળિયે પહોંચી ગયું હતું. હાલમાં લોકડાઉન ખૂલી જતા આર્થિક પ્રવૃત્તિ વધતા વેચાણ પચાસ ટકાથી ઉપર પહોંચ્યું છે.

(11:27 am IST)