Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

અમદાવાદમાં ટ્રમ્પ-મોદીના ' નમસ્તે ટ્રમ્પ ' ના કાર્યક્રમથી ફેલાયુ કોરોના સંક્રમણ: સંજય રાઉત

સરકારે યોજના વગર લોકડાઉન લાગૂ કર્યુ હવે રાજ્યો પર હટાવવાની જવાબદારી નાંખી દીધી

મુંબઇ: કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રના નેતા સંજય રાઉતે ગુજરાત, મુંબઇ અને દિલ્હીમાં કોરોના સંક્રમણના ફેલાવા માટે અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે આયોજીત કાર્યક્રમને જવાબદાર ઠેરવ્યો છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પની ટીમ પણ સામેલ થઇ હતી.

 રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરતા લોકડાઉનને કોઇપણ યોજના કે તૈયારી વગર જ લાગૂ કરી દેવાના આરોપ લગાવ્યા, તેમણે જણાવ્યુ કે મોદી સરકારે હવે લોકડાઉન હટાવવાની જવાબદારી રાજ્ય સરકારોને સિરે કરી દીધી છે.

 શિવસેના મુખપત્ર સામનામાં એક લેખ દ્વારા સંજય રાઉતે કહ્યુ કે આ વાતને નકારી શકાય એમ નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિના સ્વાગતમાં એકઠી કરેલી ભીડને લીધે ગુજરાતમાં કોરોના સંક્રમણ ફેલાયુ, જે પછી ટ્રમ્પે તેમની ટીમ સાથે દિલ્હીની મુલાકાત લીધી જેથી ત્યાં પણ કોરોના સંક્રમણ ફેલાયુ.

 ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ 24 ફેબ્રુઆરીએ એમદાવાદ ખાતે એક વિશાલ રોડ શોમાં ભાગ લીધો હતો જેમાં હજારો લોકો સામેલ થયા હતા. આ પછી ગુજરાતના રાજકોટમાંથી 20 માર્ચે કોરોના સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. કોરોના સંક્રમણ સામે મહારાષ્ટ્ર સરકારની નિષ્ફળતાને લઇને તેમણે કહ્યુ કે આ મુદ્દાને આધારે જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તો ભારતના 17 રાજ્યોમાં પણ આ નિયમ લાગૂ કરવો જોઇએ જ્યાં ભાજપની સત્તા છે. તેમણે કેન્દ્ર સરકાર પર કોરોના સંક્રમણ ફેલાતુ રોકવામાં નિષ્ફળતાના આરોપ લગાવ્યા હતા.

(7:17 pm IST)