Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

સીબીઅેસઇની પરીક્ષામાં પોલીટીકલ સાયન્‍સનું પેપર પણ લીક થયું હતુંઃ વ્‍હીસલબ્‍લોઅરનો દાવો

નવી દિલ્હીઃ સીબીઅેસઇની પરીક્ષાના પેપર લીક થયાની ઘટનામાં આખુ પ્રકરણ બહાર લાવનાર વ્હીસલબ્લોઅરે ધડાકો કર્યો છે કે પરીક્ષામાં પોલીટીકલ સાયન્સનું પેપર પણ  લીક થયું હતું

કેન્દ્રિય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)માં પેપર લીક થવાની બાબત માત્ર 10માં ધોરણના ગણિત અને 12માંના અર્થશાસ્ત્રથી આગળ વધતી જોવા મળી રહી છે. પેપર લીકનો ખુલાસો કરનાર કથિત વ્હીસલબ્લોઅરે દાવો કર્યો છે કે પોલિટિકલ સાયન્સનું પણ પેપર લીક થયું હતું. વ્હીસલબ્લોઅરે કહ્યું હતું કે તેણે 17 માર્ચે જ પીએમ મોદી, સીબીએસઈ અને પોલીસને પેપર લીક સંબંધિત એલર્ટ આપી હતી પરંતુ કોઇએ પણ કાર્યવાહી ન લીધી હતી.

સીબીએસઈએ પેપલ લીક મામલો સામે આવ્યા પછી 12માના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય કર્યો છે. 10માંના ગણિતના પેપરને લઈને હજુ સસ્પેન્સ યથાવત છે. પેપર લીક મામલાએ રાજનૈતિક રંગ ધારણ કર્યો છે. કોંગ્રેસ સહિત વિપક્ષ દળોએ કેન્દ્રની મોદી સરકાર સામે અનેક સવાલ કર્યા છે. આ દરમિયાન વ્હીસલબ્લોઅરનો આ ખુલાસો સરકાર સહીત સીબીએસઈના 28 લાખ વિદ્યાર્થીઓ માટે ચિંતાનું કારણ છે. વ્હીસલબ્લોઅરે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં કહ્યું કે તેણે પેપર લીક કરનાર સાથે યુ ટ્યૂબના માધ્યમથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

વ્હીસલ બ્લોઅરે લુધિયાણામાં ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં કહ્યું હતું કે તેને 100 ટકા ખાતરી છે કે પોલિટિકલ સાયન્સનું પણ પેપર લીક થયું છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ વ્હીસલબ્લોઅરની શોધમાં છે. આ માટે ગુગલની પણ મદદ લેવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે વ્હીસલબ્લોઅરે સીબીએસઈ ચેરપર્સનને પરીક્ષાના એક કલાક પહેલા એક વોર્નિંગ મેઈલ મોકલ્યો હતો. ક્રાઈમ બ્રાંચે આ ઈમેઇલ વિશે ગુગલ પાસેથી જવાબ માગ્યો છે.

12માંની અર્થશાસ્ત્રની પરીક્ષા ફરી લેવાશે તેવી જાહેરાત પછી વિદ્યાર્થીઓ એક વિચિત્ર સંકટમાંથી પસાર થઇ રહ્યાં છે. 12માં ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા પછી આઈઆઈટી સહિત અનેક એન્ટ્રન્સની તૈયારી કરે છે. બીજીવાર પરીક્ષા યોજાવાની સ્થિતિમાં હવે તેમને ફરી 12માંની તૈયારી કરવી પડશે. જેથી અન્ય એન્ટ્રન્સની તૈયારી માટે તેમને ઓછો સમય મળશે. જેથી વિદ્યાર્થીઓ પર દબાણ વધી જશે.

આ ઉપરાંત સીબીએસઈએ અર્થશાસ્ત્રના પેપરની ડેટ 25 એપ્રિલ નક્કી કરી છે પરંતુ ગણિતની પરીક્ષાને લઈને અસમંજસ છે. આટલું જ નહિ ગણિતની પરીક્ષા માટે કોઇ જ પ્રકારનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. જોકે, મોટાભાગના પેરેન્ટ્સને એ ચિંતા સતાવી રહી છે કે પરીક્ષામાં મોડું થવાના લીધે તેમનું બાળક કોઈ કોમ્પિટિશનમાં પાછળ રહી ન જાય.

(7:26 pm IST)