Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

ગઠબંધનની સરકાર બનશે તો ૭ દિનમાં ૭ વડાપ્રધાન : અમિત શાહ

લખનૌમાં બૂથ સ્તરના સંમેલનનું આયોજન : પરિવર્તનની વાત કરનારાની પાસે નીતિની કોઇ વાત નથી ઉત્તરપ્રદેશમાં ચૂંટણી અભિયાનની આક્રમક શરૂઆત થઇ

કાનપુર, તા. ૩૦ : ઉત્તરપ્રદેશના કાનપુરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે સપા અને બસપા ગઠબંધન તથા કોંગ્રેસ ઉપર આજે આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે દાવો કર્યો હતો કે, ભહારતીય જનતા પાર્ટી ઉત્તરપ્રદેશની તમામ સીટો ઉપર જીત મેળવશે. વિપક્ષની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે, દેશમાં આ લોકો પરિવર્તન કરવા નિકળ્યા છે. નીતિ અંગે માહિતી નથી અને પરિવર્તન કરવાની વાત કરી રહ્યા છે. અમિત શાહે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, આ ગઠબંધનના વડાપ્રધાન કોણ છે, ગઠબંધનના અન્ય દાવેદારો કોણ છે તેવા પ્રશ્નનો જવાબ પણ આ લોકો પાસે નથી. અમિત શાહે કહ્યું હતું કે, જો ગઠબંધનની સરકાર બનશે તો સાત દિવસમાં સાત વડાપ્રધાન રહેશે. સોમવારના દિવસે માયાવતી વડાપ્રધાન રહેશે. મંગળવારના દિવસે અખિલેશ યાદવ, બુધવારના દિવસે મમતા બેનર્જી, ગુરુવારના દિવસે શરદ પવાર, શુક્રવારના દિવસે દેવગૌડા, શનિવારના દિવસે સ્ટાલિન અને રવિવારના દિવસે દેશ રજા ઊપર રહેશે. બુથ સ્તરના કાર્યકરોને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, કેન્દ્રની સરકારનો રસ્તો લખનૌ થઇને પસાર થાય છે. ૨૦૧૪માં ચૂંટણી પ્રચારની શરૂઆત કાનપુરમાંથી થઇ હતી અને આજે પણ ૨૦૧૯ની ચૂંટણી માટે બૂથ અધ્યક્ષોનું પ્રથમ સંમેલન કાનપુરમાં થઇ રહ્યું છે. અમિત શાહે કહ્યું હતું કે, ભાજપ ગઠબંધન કરનારને જમીન ઉપર લાવવા તૈયાર છે. વિધાનસભા ચૂંટણીમાં યુપીના બે યુવાનો એક સાથે આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સામે ગઠબંધન કરવામાં આવ્યું હતું. આજે પણ ગઠબંધન થયું છે. હવે ગઠબંધનથી સંતુષ્ટ નથી એટલે મહાગઠબંધન કરવામાં આવ્યું છે. અમિત શાહે કહ્યું હતું કે, ભાજપના ચાર બી છે જેમાં વધતા ભારત, બનતા ભારત છે પરંતુ ઠગ બંધનમાં ચાર બી છે જેમાં બુઆ, બબુઆ, ભાઈ-બહેનનો સમાવેશ થાય છે. ગઠબંધન ઇચ્છે છે કે, સરકાર મજબૂર રહે. અમે મજબૂત સરકાર ઇચ્છીએ છીએ. અપરાધ અને ભ્રષ્ટાચાર ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. યોગી સરકાર આવ્યા બાદ ગુંડા તત્વોની હકાલપટ્ટી થઇ ગઇ છે.

(12:00 am IST)