Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

પિતા કહેવો કે હેવાન ? માસૂમ બાળકોને ઉંધા લટકાવી મારતો હતો ઢોરમાર

જયપુર, તા. ૩૧ : પોતાના પાંચ વર્ષના પુત્ર અને ૩ વર્ષની પુત્રીને ક્રૂરતા પૂર્વક ઢોર માર મારતા વ્યકિતનો વીડિયો વાયરલ થયો હતો. જેના આધારે રાજસ્થાન પોલીસે રાજસમંદના રહેવાસી ચૈન સિંહ(૩૨)ની હત્યા કરવાના પ્રયાસ હેઠળ ધરપકડ કરી છે.

પોતાના બાળકોની ચીસોની પણ અસર નહોતી થતી આ નિષ્ઠુર પિતા પર

ચૈન સિંહે પોલીસને જણાવ્યું કે તે બાળકોને કપડા મેલા કરવા માટે સજા આપતો હતો. એક મીનિટના આ વીડિયોમાં બેને બાળકો ખૂબ જ મોટેથી રડે છે અને દર્દથી ચીસો પાડતા જોઈ શકાય છે. વીડિયોમાં આ ક્રૂર પિતા પુત્રને છત સાથે ઉંધો બાંધ્યો હોવાનું જોવા મળે છે જયારે પુત્રીને પગથી અને લાકડીથી માર મારતો જોવા મળે છે.

નિયમિત મારતો હતો ઢોરમાર

ચૈન સિંહના પડોશીએ આ તેની નિયમિત આદત હોવાનું જણાવ્યું હતું અને કહ્યું કે તે બાળકોને આ જ રીતે નિયમિત ઢોર માર મારે છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા જ આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. જેથી તે પોલીસ સુધી પહોંચતા તાત્કાલિક પગલા ભરવામાં આવ્યા હતા.

વીડિયો જોયા બાદ શિશૂ કલ્યાણ સમિતીના પ્રમુખ ભાવના પાલિવાલે ગઈકાલે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ચૈન સિંહ વિરુદ્ઘ બાળક વિરોધી અત્યાચાર કાયદા હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

(3:32 pm IST)