Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

અકબર ઈલાહાબાદીનો ઉલ્લેખ અકબર પ્રયાગરાજી થતા વિવાદ

પ્રસિદ્ધ કવિના નામ બદલવાને લઈને ફરી હોબાળો : હંગામા બાદ યુપીએચઈએસસીના ઉપ સચિવ શિવજી માલવીયએ વેબસાઈટ હેક થઈ હોવાની સ્પષ્ટતા કરી

નવી દિલ્હી, તા.૨૯ : ઉત્તર પ્રદેશમાં પ્રસિદ્ધ કવિ અકબર ઈલાહાબાદીનું નામ બદલવાને લઈ હોબાળો શરૂ થયો છે. યોગી આદિત્યનાથ સરકારે ૩ વર્ષ પહેલા ઈલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યું ત્યાર બાદ પ્રસિદ્ધ કવિ અકબર ઈલાહાબાદીનો ઉલ્લેખ 'અકબર પ્રયાગરાજી' તરીકે કરવામાં આવ્યો છે. જોકે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.  ઉત્તર પ્રદેશ ઉચ્ચ શિક્ષણ સેવા આયોગ (યુપીએચઈએસસી)ની વેબસાઈટ પર મંગળવારે કવિનું નામ અકબર પ્રયાગરાજી તરીકે દર્શાવાયું હતું. જોકે આ મામલે હંગામો થયા બાદ યુપીએચઈએસસીના ઉપ સચિવ શિવજી માલવીયએ એક પ્રેસનોટ જાહેર કરીને વેબસાઈટ હેક થઈ હોવાની સ્પષ્ટતા કરી હતી. આ સાથે જ તેમણે મહાન કવિ અકબર ઈલાહાબાદીનું નામ બદલીને અકબર પ્રયાગરાજી કરવામાં આવ્યું હોવાની વાતો ભ્રામક છે તેમ પણ જણાવ્યું હતું. પ્રેસનોટમાં કહેવામાં આવ્યું હતું કે, આયોગે પોતાની વેબસાઈટ પર આવું કોઈ નામ નથી નોંધ્યું અને તેને ઠીક કરવામાં આવી રહ્યું છે.

યુપીએચઈએસસીની પ્રેસનોટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, સાઈબર સેલ પાસે તપાસની માગ કરવામાં આવી રહી છે અને આરોપીઓ વિરૂદ્ધ આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વેબસાઈટ પર અન્ય કેટલાક કવિઓના નામ પણ બદલી દેવામાં આવ્યા છે.

રાશિદ ઈલાહાબાદી અને તેગ ઈલાહાબાદીનો ઉલ્લેખ તેગ પ્રયાગરાજી અને રાશીદ પ્રયાગરાજી તરીકે કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે આયોગની હિંદી વેબસાઈટને પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે અને અંગ્રેજી પોર્ટલને ઠીક કરવાનું કામ ચાલુ છે.

(12:00 am IST)