Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ગોડસેની પ્રશંસા કરનાર સામે પૂણેમાં કેસ કરવામાં આવ્યો

રાયપુરમાં ધર્મ સંસદમાં વિવાદાસ્પદ ટિપ્પણ કરી હતી : આ પહેલા કાલીચરણ મહારાજ સામે રાયપુર અને મહારાષ્ટ્રના અકોટામાં પણ કેસ થઈ ચુકયો છે

નવી દિલ્હી, તા.૨૯ : છત્તીસગઢની રાજધાની રાયપુરમાં તાજેતરમાં યોજાયેલી ધર્મ સંસદ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી માટે અપશબ્દોનો ઉપયોગ કરનારા કાલીચરણ મહારાજની મુશ્કેલીઓ વધી રહી છે.

હવે પૂણે શહેરમાં પણ પોલીસે ૧૯ ડિસેમ્બરે યોજાયેલા એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપસર કાલીચરણ મહારાજ , મિલન્દ એકબોટે, નંદકિશોર એકબોટે તેમજ બીજા ત્રણ વ્યક્તિઓ સામે કેસ કર્યો છે.આ પહેલા કાલીચરણ મહારાજ સામે રાયપુર અને મહારાષ્ટ્રના અકોટામાં પણ કેસ થઈ ચુકયો છે.

સન ૧૬૫૯માં રાજા છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા આદિલશાહના સેનાપતિ અફઝલ ખાનના વધની ઉજવણી કરવા માટે પૂણેમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પોલીસે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, કાર્યક્રમ દરમિયાન મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામે ભડકાઉ ભાષણો આપવામાં આવ્યા હતા.

આ પહેલા છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ધર્મગુરુ કાલીચરણ મહારાજે કહ્યુ હતુ કે, નાથુરામ ગોડસે ગાધીજીની હત્યા કરીને યોગ્ય પગલુ ભર્યુ હતુ.ઈસ્લામનો હેતુ રાજનીતિના માધ્યમથી દેશ પર કબ્જો જમાવવાનો છે.૧૯૪૭માં આપણી આંખો સામે આવુ બન્યુ હતુ.આ પહેલા ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાનના આ જ હાલ થયા હતા.હું ગોડસેને સલામ કરુ છું કે, તેણે ગાંધીજીની હત્યા કરી હતી.

તેમણે સાથે સાથે કહ્યુ હતુ કે, આપણે સરકારમાં હિન્દુ ધર્મની રક્ષા કરે તેવો કટ્ટર નેતા પસંદ કરવો જોઈએ અને એ પછી કોઈ પણ હોય.આપણા ઘરની મહિલાઓ મતદાન કરવા માટે નથી જતી પણ જ્યારે સામૂહિક બળાત્કારો થશે ત્યારે મહિલાઓનુ શું થશે.

 

(12:00 am IST)