Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ખર્ચ વધારીને આગામી કેન્દ્રીય બજેટનું કદ વધારવામાં આવશે

કોરોનાની સ્થિતિના સામના માટે સરકાર સજ્જ :ખર્ચ વધારવાની નીતિથી સરકાર પાસે વધુ નાણાં ઉપલબ્ધ બનશે, સરકાર ખરેખર કેટલી છૂટ લે છે તેના પર આધાર

નવી દિલ્હી, તા. ૩૦ : કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા મોદી સરકાર ૨૦૨૧ના બજેટમાં એક મોટું પગલું લેવા જઈ રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ૨૦૨૦-૨૧ના બજેટમાં સરકારે ખર્ચા પર ખાસ્સો કાબૂ રાખ્યો હતો, પરંતુ તેની વિરુદ્ધ હવે આગામી વર્ષના બજેટમાં સરકાર ખર્ચ વધારવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, નાણાં મંત્રાલય દ્વારા ૮૦થી વધુ વિભાગો અને મંત્રાલયોમાં ખર્ચાને લગતા નિયંત્રણો મૂકાયા હતા, જેમાં આ ક્વાર્ટરમાં જ છૂટછાટ અપાઈ છે.

હાલનું બજેટ ૩૦ લાખ કરોડ રુપિયા છે, જેનું કદ ૨૦૨૧-૨૨માં વધારવામાં આવશે. ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે. બજેટ સાથે સંકળાયેલા સૂત્રોએ પોતાની ઓળખ જાહેર ના કરવાની શરતે જણાવ્યું હતું કે ખર્ચ વધારવાની નીતિથી સરકાર પાસે વધુ નાણાં ઉપલબ્ધ બનશે, જોકે સરકાર ખરેખર કેટલી છૂટ લે છે તેની સ્પષ્ટ માહિતી બજેટ રજૂ થાય ત્યારે જ મળી શકશે. ચાલુ વર્ષના બજેટમાં પણ સરકારના જે-તે વિભાગોએ તેમને ફાળવાયેલી રકમમાંથી માંડ અડધી રકમ જ વાપરી છે.

સરકાર દ્વારા કરાતો ખર્ચ કોરોનાને કારણે અસર પામેલા અર્થતંત્રને ફરી દોડતું કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. લોકડાઉન હટી ગયા બાદ પણ જીડીપીના જે આંકડા આવ્યા છે તે અર્થતંત્ર મંદીમાં હોવાનો સંકેત આપી રહ્યા છે. અર્થતંત્રને ધમધમતું કરવા સરકારે ખર્ચા વધારવા ઉપરાંત આર્થિક પેકેજ પણ જાહેર કર્યા હતા અને એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ પેકેજનું મૂલ્ય ૩૦ લાખ કરોડ જેટલું થાય છે. જોકે, સરકારનું આ પેકેજ અર્થશાસ્ત્રીઓને ખાસ પસંદ નહોતું પડ્યું, અને પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટની ગેરહાજરીમાં તેની અસરકારતા પર પણ સવાલ ઉઠ્યા હતા.

આ બજેટમાં લોકોના હાથમાં વધુ રુપિયા આવે તેવા પગલા પણ સરકાર લઈ શકે છે. જેમાં ટેક્સના દર ઘટાડવાથી લઈને બીજા અનેક પગલાં ભરવામાં આવી શકે છે. અર્થતંત્રમાં રુપિયો ફરતો થાય, લોકો ખર્ચ કરે અને બજારમાં માગ વધે તે માટે સરકાર આ તમામ પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સરકારનો ખર્ચ એક પ્રકારે ઘણા લોકો માટે આવક બનતો હોય છે, અને તેના દ્વારા અર્થતંત્રમાં ગતિવિધિ વધતી હોય છે.

નાણાંમંત્રી નિર્મલા સિતારમણે આ મહિને જ એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે તેઓ સરકારનો ખર્ચ વધારવા માટે નાણાંકીય ખાધ વધવાની ચિંતા નહીં કરે. તેમણે જણાવ્યું હતું કે સરકાર ખર્ચ વધારે તે ખૂબ જ જરુરી છે. આ વર્ષની સરકારની આવક-જાવક વચ્ચે આ વખતે જીડીપીના ૮ ટકા જેટલો તફાવત આવે તેવી શક્યતા બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં વ્યક્ત કરાઈ હતી. કારણકે, સરકારની આવક અર્થતંત્ર માંદુ હોવાના કારણે ઘટી છે અને સરકારને વધુ દેવું કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

(8:58 pm IST)