Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

મગજમાં થયેલ લોહીની ૪૦૦ ગાંઠની સફળતાપૂર્વક સર્જરી

રિકવર થયા બાદ લોહી ગંઠાઈ જવાના મામલા વધ્યા : કોમામાં સરી ગયેલા જમ્મુના શખ્સનું દિલ્હીમાં ઓપરેશન

નવી દિલ્હી, તા. ૩૦ : કોરોના સામે લડ્યા બાદ મગજમાં લોહી ગંઠાઇ જવાનો મામલો સામે આવ્યો છે. દેશમાં આવો પહેલો કિસ્સો છે. જમ્મુના રહેવાસી ૫૫ વર્ષિય મિથિલેશ લમ્બ્રુ કોરોનાથી રિકવર થયા બાદ કોમામાં જતા રહ્યા હતા. ડોકટર્સનું કહેવું છે કે, દર્દી પોસ્ટ કોવિડ એન્સેફેલાઇટિસથી પીડાતો હતો. તેમના મગજમાં લોહીની ૪૦૦ ગાંઠ થઈ ગઈ હતી. મિથિલેશની સારવાર દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

મિથિલેશને થોડા મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો. લક્ષણો હળવા હતાં. તેથી તેઓ ઘરે જ ક્વોરન્ટિન થઈ ગયા. પરંતુ ધીમે-ધીમે સ્થિતિ વધુ વણસી ગઈ. શ્વાસની તકલીફને કારણે તેમને જમ્મુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે કોરોનામાં તેમને ન્યુમોનિયા થયો હતો. ડોકટર્સે તેને કોવિડ-ન્યુમોનિયા ગણાવ્યો અને દર્દીને વેન્ટિલેટર પર મૂકી દીધા.

મિથિલેશ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પણ પીડાતા હતા. લોકલ ડોક્ટર્સે નાજુક પરિસ્થિતિ જોઇને તેને કાબૂમાં લેવા ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલની ટીમનો સંપર્ક કર્યો. અહીંથી ડોકટર્સ એક ટીમ જમ્મુ રવાના કરવામાં આવી હતી. દર્દીના ઓક્સિજન લેવલને કન્ટ્રોલ કરતા તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા.

દર્દીને દિલ્હી લાવ્યા બાદ ૧ ડિસેમ્બરના રોજ સારવાર માટે સિનિયર પલ્મોનોલોજિસ્ટ ડો.રાજેશ ચાવલાના નેતૃત્વમાં ડોક્ટર્સની એક ટીમ બનાવવામાં આવી હતી. ડો.રાજેશ ચાવલાએ ભાસ્કરને કહ્યું કે, જ્યારે ટીમ જમ્મુ પહોંચી ત્યારે દર્દીની હાલત નાજુક હતી. ફેફસાં પર ન્યુમોનિયાની અસર ઘણી વધારે હતી. તેથી, આ સ્થિતિને સામાન્ય બનાવવામાં આવી અને પછી તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા. દર્દીને અપોલોના કોવિડ આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયા.

         ૨ દિવસમાં કોવિડ-ન્યુમોનિયાનાં લક્ષણોમાં ઘટાડો થવા લાગ્યો. કોરોનાની તેમના મગજ પર ઊંડી અસર થવાને કારણે દર્દી અચાનક કોમામાં જતા રહ્યા. સિનિયર ન્યુરોલોજિસ્ટ ડો.વિનીત સુરીનું કહેવું છે કે, સામાન્ય રીતે જ્યારે કોવિડ-ન્યુમોનિયાથી સાજા થયેલા દર્દીને વેન્ટિલેટરથી દૂર કરવામાં આવે ત્યારે તે થોડા કલાકો પછી તેને ભાન આવી જાય છે. પરંતુ મિથિલેશ સાથે આવું બન્યું નહીં. તેમની એમઆરઆઈ કરી તો ખબર પડી કે તેમના મગજમાં ૪૦૦થી વધુ લોહીની ગાંઠ થઈ ગઈ છે. વિજ્ઞાનની ભાષામાં તેને કોવિડ એન્સેફેલાઇટિસ કહેવામાં આવે છે. તેમની સારવાર શરૂ થઈ. ઇમ્યુન થેરપી અને સ્ટિરોઇડ્સ આપવામાં આવ્યું. દર્દીની સ્થિતિમાં સુધારો થયો અને તેમણે ૭ દિવસની અંદર ભાન આવ્યું. હાથ અને પગમાં થોડા દિવસ નબળાઇ જોવા મળી હતી. દર્દીની ફરીથી એમઆરઆઈ કરવામાં આવી. રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેઓ ૫૦% કરતાં વધારે ઠીક થઈ ગયા છે. દર્દીને ૨૬ ડિસેમ્બરના રોજ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા.

(7:57 pm IST)