Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

કોરોનાથી ઘરમાં પુરાઇ રહેવાની આડઅસર દેખાઇ : ઓસીડીની બીમારીએ માથુ ઉચકયુ

કોઇ સેનેટાઇઝરથી વારંવાર હાથ સાફ કર્યા કરે છે તો કોઇ એકને એક વાત વારંવાર કર્યા કરે છે

નવી દિલ્હી : કોરોનાના કારણે ઘરમાં પુરાઇ રહેવાના કારણે 'ઓબ્સેસીવ કંપલ્સિવ ડીસઓર્ડર' (ઓસીડી) ની બિમારીએ માથુ ઉંચકયુ હોવાનું મનોચિકિત્સકોએ તારણ કાઢયુ છે.

રાજધાની દિલ્હીના મનોચિકિત્સકોનું કહેવુ છે કે આ એક એવી બીમારી છે કે જેમાં રોગી એકને એક કામ વારંવાર કર્યા કરે છે. તેને પોતાને આ વિષે ખ્યાલ પણ હોતો નથી. આ કોઇ નવી બિમારી નથી. પરંતુ હાલ કોરોનાના કારણે લોકડાઉન પછીના દિવસોમાં આવા કિસ્સા મોટા પ્રમાણમાં બહાર આવ્યા છે. ખાસ કરીને કોઇ વારંવાર હાથ સેનીટાઇઝ કર્યા કરતા હોય, કોઇ ચોખ્ખાઇ રાખવા વસ્તુઓને વાંવાર સાફ કર્યા કરતા હોય. કોઇ મકાનને તાળુ માર્યા પછી બરાબર લાગ્યુ છે કે નહીં તેની વારંવાર ચકાસણી કર્યા કરતા હોય તો આ બધા લક્ષણ ઓસીડીના છે.

એમ્સના મનોરોગ વિશેષજ્ઞ ડો. રાજકુમાર શ્રીનિવાસનું કહેવુ છે કે ઓસીડીમાં વ્યકિત વિચારોમાં ઘેરાયો રહે છે. તેને વગર કારણે શંકાઓ જાગતી રહે છે. તે એકને એક કામ વારંવાર કર્યા કરે છે. જો કે આ બિમારીમાં ડરવાની જરૂર નથી. તેનો ઇલાજ થઇ શકે છે. આ પ્રકારની માનસીક બિમારી સામે હજુ જાગરૂકતાનો અભાવ છે. કોઇ પણ કામ બે ચાર વાર કર્યા કરો ત્યાં સુધી ઠીક છે. પણ આ પ્રમાણ વધીને દિવસમાં ૧૦ થી ૧૨ વખત થઇ જાય તો સારવાર કરાવવી જરૂરી ગણાય છે. મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઇએ.

સ્વામિ દયાનંદ હોસ્પિટલના ડો. વિવેક વશિષ્ઠનું કહેવુ છે કે નવરા બેસી રહેવાથી આ બિમારીની શરૂઆત થાય છે. બીજુ કારણ નકારાત્મક વિચારો પણ છે. માટે એકલાવાયાપણુ ટાળી હંમેશા સારૂ વિચારો અને કોઇપણ કામમાં વ્યસ્ત રહો તો આવી બિમારી તમારાથી જોજનો દુર રહેશે.

ઓસીડીના લક્ષણો

  1. વારંવાર હાથ ધોવા, નહાયા કરવુ, દાંત સાફ કર્યા કરવા.
  2. કપડાના ગાજ બટન ખોલ બંધ કર્યા કરવા.
  3. લાઇટ કે દરવાજો બંધ છે કે કેમ તે વારમવાર ચેક કરતા રહેવુ.
  4. વારંવાર એક જ સવાલ પૂછવો કે એકને એક વાત કર્યા કરવી.
  5. તાળુ લગાવ્યા પછી બરાબર લાગ્યુ કે નહીં તે ચેક કર્યા કરવુ.
(2:42 pm IST)