Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

શસ્ત્ર લાયસન્સ કેસના સંદર્ભે ૧૩થી વધુ સ્થળો પર દરોડા

જમ્મુ કાશ્મીર-એનસીઆરમાં દરોડાની કાર્યવાહી : મોટી ગેરરીતિના ભાગરુપે ૪ લાખથી વધુ શસ્ત્ર લાયસન્સ જારી કરી દેવામાં આવ્યા હોવાના દાવા બાદ દરોડા પડાયા

નવીદિલ્હી, તા. ૩૦ : જમ્મુ કાશ્મીર, એનસીઆર સહિત દેશભરમાં જુદા જુદા વિસ્તારોમાં આજે સીબીઆઈ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આર્મ્સ લાયસન્સ કેસના સંબંધમાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓના કહેવા મુજબ દરોડાની કાર્યવાહી વહેલી સવારે શરૂ થઇ હતી અને મોડી સાંજ સુધી ચાલી હતી. જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યા બાદ સીબીઆઈ દ્વારા પ્રથમ વખત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આની સાથે જ સીબીઆઈએ આક્રમક કાર્યવાહીના ભાગરુપે દસ્તાવેજોમાં ચકાસણી કરી હતી. જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળી ગયા બાદ સીબીઆઈને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અધિકાર ક્ષેત્ર મળી ગયા છે. જમ્મુ કાશ્મીર રાજ્યની બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કરવામાં આવી ચુક્યું છે. મોદી સરકાર દ્વારા પાંચમી ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીર અને લડાખ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરવાનો નિર્ણય કરાયો હતો. આઈએએસ ઓફિસર યસા અને રાજીવ રંજનના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

           આ ઉપરાંત પૂર્વ વરિષ્ઠ અધિકારીઓના આવાસ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આજે સવારથી જ દરોડાની કાર્યાવહી હાથ ધરાઈ હતી. જે વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં શ્રીનગર, જમ્મુ, ગુડગાંવ, નોઇડામાં ૧૩ સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડેપ્યુટી કમિશનરના સ્થળો, જિલ્લા મેજિસ્ટ્રેટ જેમાં કુંપવારા, બારામુલ્લા, ઉધમપુર, કિસ્તવાર, રાજૌરી, ડોડા અને પુલવામાના જિલ્લા મેજિસ્ટ્રેટના આવાસ ઉપર તપાસ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના જુદા જુદા જિલ્લાઓમાંથી આશરે બે લાખ શસ્ત્ર લાયસન્સો જારી કરવામાં ગેરરીતિ સાથે સંબંધિત સીબીઆઈ કેસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. સંબંધિત ડેપ્યુટી કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સર્ચ કામગીરી હાથ ધરાઈ હતી. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, તત્કાલિન સરકારી કર્મચારીઓને નિયમોના ભંગમાં જમ્મુ કાશ્મીરના બિનનિવાસી લોકોને લાયસન્સ આપીને વ્યાપક ભ્રષ્ટાચારની ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી. રાજસ્થાનના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ઓપી ગલહોત્રા તરફથી ભલામણના આધાર પર આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. આ મામલાના સંબંધમાં એટીએસ તરીકે રાજસ્થાનના ડિરેક્ટર જરનલ ઓફ પોલીસે રેકેટનો પર્દાફાશ કર્યા બાદ આની ભલામણ કરાઈ હતી.

             રાજસ્થાન એટીએસને અંદાજ છે કે, જમ્મુ કાશ્મીરના જુદા જુદા જિલ્લાઓમાંથી છેલ્લા દશકમાં ૪.૨૯ લાખ શસ્ત્ર લાયસન્સો જારી કરવામાં આવી ચુક્યા છે. સીબીઆઈ દ્વારા જમ્મુ કાશ્મીર સરકારની મંજુરી સાથે આ સંદર્ભમાં બે એફઆઈઆર દાખલ કરી હતી. કુંપવારાના તત્કાલિન ડીસીને બે એફઆઈઆર પૈકી એકમાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે જ્યારે અન્ય એફઆઈઆરમાં જુદા જુદા જિલ્લાઓના વણઓળખાયેલા અધિકારીઓના નામનો સમાવેશ કરાયો છે. સીબીઆઈની ચંદીગઢ યુનિટ દ્વારા આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ કેસ ડીજીપીની ભલામણના આધાર પર સીબીઆઈને ટ્રાન્સફર કરાયો હતો.

(7:42 pm IST)