Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

સીએએના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં : ઝુંબેશ શરૂ કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઝુંબેશના કલાક બાદ જ ટોપ ટ્રેન્ડ : સીએએ અત્યાચારનો સામનો કરી ચુકેલા શરણાર્થીઓને નાગરિકતા આપે છે : કોઇની નાગરિકતા પરત લેશે નહીં

નવીદિલ્હી, તા. ૩૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હાલમાં જ લાગૂ કરવામાં આવેલા નાગરિક સુધારા કાનૂનનો મતલબ નક્કી કરવામાં આવેલા શરણાર્થી લોકોને નાગરિકતા આપવા માટેનો છે. મોદીએ જોરદાર વિરોધ વંટોળ વચ્ચે નવા કાયદાના સમર્થનમાં સોશિયલ મિડિયા ઝુંબેશ શરૂ કરી દીધી છે. મોદી પોતે હવે મેદાનમાં ઉતરી ગયા છે. નાગરિક સુધારા કાનૂનની સામે દેશભરમાં મચેલા ઘમસાણ વચ્ચે મોદીએ ટ્વિટર ઉપર સીએએને સમર્થન આપવાના સંદર્ભમાં એક અભિયાનની શરૂઆત કરી દીધી છે. સાથે સાથે આ અભિયાનને સમર્થન આપવા લોકોને અપીલ પણ કરી છે. મોદીની આ અપીલની જોરદાર અસર દેખાઈ હતી. મોદીએ આ ઝુંબેશ છેડ્યાના કલાકો બાદ જ ટ્વિટર ઉપર આ ટોપ ટ્રેન્ડ બની જતાં વિરોધ પક્ષોને મોટો ફટકો પડી ગયો છે. કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયેલ, નીતિન ગડકરીએ પણ મોદીના આ અભિયાનને આગળ વધારીને ટ્વિટ કર્યા છે.

              મોદીએ ઇન્ડિયા સપોર્ટ સીએએ ટ્વિટ કરીને લખ્યું છે કે, સીએએ અત્યાચારનો સામનો કરી ચુકેલા શરણાર્થી લોકોને નાગરિકતા આપે છે. કોઇની નાગરિકતા આંચકી લેવા સાથે સંબંધિત આ બિલમાં કોઇપણ પ્રકારની જોગવાઈ નથી. વડાપ્રધાને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, નમો એપના વોલિન્ટિયર મોડ્યુઅલના વાઇસ સેક્શનમાં રસપ્રદ કન્ટેઇન્ટ, ગ્રાફિક્સ અને અન્ય ચીજોને ધ્યાનમાં લઇને આ હેસટેગને જોવાની જરૂર છે. મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, આ હેસટેગ મારફતે સીએએના સમર્થનમાં લોકો આગળ આવે તે જરૂરી છે. સીએએને લઇને કોંગ્રેસ, ટીએમસી સહિત તમામ પક્ષો મેદાનમાં ઉતરેલા છે. વિપક્ષી દળો જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાટનગર દિલ્હી, ઉત્તરપ્રદેશ, બંગાળ, બિહાર, આસામમાં આ એક્ટના વિરોધમાં જોરદાર પ્રદર્શન થઇ ચુક્યા છે. ઉત્તરપ્રદેશમાં વ્યાપક હિંસામાં હજુ સુધી ૧૯ લોકોના મોત થઇ ચુક્યા છે. આસામમાં પાંચ લોકોના મોત થયા છે.

           દિલ્હીમાં પણ આગ અને તોડફોડની વ્યાપક ઘટના થઇ ચુકી છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દ્વારા આ એક્ટને પરત લેવાની માંગ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના આ ટ્વિટ બાદ એમ માનવામાં આવે છે કે, સરકાર પણ આ એક્ટને લઇને હવે એક મોટા અભિયાનની શરૂઆત કરનાર છે. વિપક્ષના દબાણ આગળ ઝુક્યા વગર આ એક્ટના સંદર્ભમાં લોકોને વાસ્તવિકતા અંગે માહિતી આપવામાં આવનાર છે. વડાપ્રધાને આ અભિયાનની શરૂઆત કરીને પોતાના ટ્વિટર હેન્ડલથી સદ્ગુરુના વિડિયો પણ શેયર કર્યા છે. ભાજપના નેતા અમિત માલવિયા દ્વારા મોદીની આ  ઝુંબેશને સમર્થન આપીને કહ્યું છે કે, સીએએ અને એનઆરસી કોંગ્રેસે આપેલી ભેંટ છે. એનડીએ દ્વારા માત્ર લોકોને તેમના અધિકારો આપી રહી છે. કોંગ્રેસ વર્ષો સુધીના શાસનમાં આ કામ કરવામાં નિષ્ફળ રહી હતી.

(7:40 pm IST)