Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

ઉધ્ધવ ઠાકરે મંત્રી મંડળનું વિસ્તરણ

અજિત પવાર ના.મુખ્યમંત્રીઃ આદિત્ય ઠાકરે કેબિનેટ મંત્રી

૩ પક્ષોના કુલ ૩૬ પ્રધાનોએ લીધા શપથઃ અશોક ચવ્હાણ- ધનંજય મુડે કેબિનેટ મંત્રી

મુંબઇ,તા.૩૦: મહારાષ્ટ્રમાં ઉદ્ઘવ ઠાકરે સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું. ઉદ્ઘવ ઠાકરે રાજયના મુખ્ય પ્રધાન છે અને હવે તેમના પુત્ર આદિત્ય ઠાકરે કેબિનેટ પ્રધાન બન્યા છે. અજિત પવાર ફરી એકવાર રાજયના નાયબ મુખ્ય પ્રધાન બન્યા છે, મહિનામાં બીજી વખત તેમણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આજે કુલ ૩૬ મંત્રીઓએ મંત્રીમંડળના વિસ્તરણમાં શપથ લીધા હતા.શિવસેના- એનસીપી ૧૩ -૧૩ જ્યારે કોંગ્રેસના ૧૦ નેતાઓએ શપથ લીધા.

છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી મહારાષ્ટ્રના મંત્રીમંડળની સાપસીડીની રમત પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે. મહારાષ્ટ્રમાં આજે કોંગ્રેસ, શિવસેના અને એનસીપીની ત્રિપુટીની સરકારે મંત્રીમંડળના શપથ લીધા હતા.

ભાજપના સ્વર્ગીય નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડએ પણ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા. આ ઉપરાંત દિલીપ વલસે પાટીલ, વિજય વડેટ્ટીવાર, અનિલ દેશમુખ અને હસન મુશ્નીફે શપથ લીધા હતા. આદિત્ય ઠાકરેની પાસે સીએમઓનો કાર્યભાર રહેશે. આદિત્યના ભવિષ્ય માટે તૈયાર કરવા આ ખાતું તેમની પાસે રાખવામાં આવ્યું છે. વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખે મંત્રીપદના શપથ લીધા હતા.

ત્રણ પાર્ટીઓના કુલ ૩૬ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. રાજયપાલ કોશ્યારી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર વિધાન ભવનના પટાંગણમાં શપથ સમારંભ રાખવામાં આવ્યો હતો.

કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે કેબિન્ટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરી. તેઓ રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકર રાવ ચૌહાણના દીકરા છે. તેઓ પોતે પણ રાજયના મુખ્યમંત્રી રહી ચૂકયા છે. અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.ઙ્ગએનસીપીના નેતા અજીત પવાર આ પહેલા પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહી ચૂકયા છે. પરંતુ ગત વખતે ભાજપ સરકારમાં તેમનો નાયબ મુખ્યમંત્રી તરીકેનો સમયકાળ ખૂબ ટૂંકો હતો.

એનપીસીના ધારાસભ્ય રાજેન્દ્ર શિંગણે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. એનપીસી ધારાસભ્ય નવાબ મલિકે પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. નવાબ મલિક પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા છે અને મુંબઈ એનસીપીના અધ્યક્ષ છે.

કોંગ્રેસ ધારાસભ્ય વર્ષા ગાયકવાડે કેબિનેટ મંત્રી પદના શપથ ગ્રહણ લીધા છે. તેઓ ૨૦૧૦થી ૨૦૧૪ સુધી મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી હતા.એનસીપીના નેતા દિલીપ વલસે પાટિલે પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે. તેઓ વિધાનસભાના સ્પીકર રહી ચૂકયા છે. આ ઉપરાંત એસીપીના નેતા ધનંજય મુંડેએ પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. તેમણે ભાજપની સાથે રાજકારણની શરૂઆત કરી હતી. ધનંજય મુંડે ભાજપના નેતા પંકજા મુંડેના પિતરાઈ ભાઈ છે.

આ ઉપરાંત કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો મંત્રી પદ માટે શપથ ગ્રહણ કરશે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ, અમિત દેશમુખ, યશોમતિ ઠાકુર અને કેસી પડવી મંત્રી પદ માટે શપથ ગ્રહણ કરશે. અશોક ચૌહાણને PWD મંત્રાલય મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણને મંત્રી બનાવવામાં નહીં આવે જેથી તેઓ નારાજ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

(3:30 pm IST)