Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

ઓસ્ટ્રિયાના ભારતીય રાજદૂત રેણુ પાલને આર્થિક ગોલમાલના આક્ષેપ હેઠળ પાછાં બોલાવી લેવાયાં

સેન્ટ્રલ વિજિલન્સ કમિશને વિદેશ ખાતાને રેણુની આર્થિક ગેરરીતિથી માહિતગાર કર્યું હતું.

નવી દિલ્હી : ભારત સરકારે ઓસ્ટ્રિયા ખાતેના ભારતીય રાજદૂત રેણુ પાલને તત્કાળ અમલમાં આવે એ રીતે પાછાં બોલાવી લીધાં હતાં. રેણુ સામે આર્થિક ગોલમાલનો આક્ષેપ છે.

સેન્ટ્રલ વિજિલન્સ કમિશને વિદેશ ખાતાને રેણુ પાલની આર્થિક ગેરરીતિથી માહિતગાર કર્યું હતું. વિદેશ ખાતાએ રેણુને નવમી ડિસેંબરે પાછાં ફરવાનો આદેશ આપી દીધો હતો.

કહેવાય છે કે રેણુએ મહિને પંદર લાખ રૂપિયાનું એક મકાન પોતાના નામે ભાડે લીધું હતું.

એમણે બીજી પણ કેટલીક આર્થિક ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ એમની સામે થયા હતા. રેણુ 1988ના બેચની વિદેશ સેવાના અધિકારી છે. આમ પણ આવતા મહિને ઓસ્ટ્રિયા ખાતેની તેમના હોદ્દાની મુદત પૂરી થઇ રહી હતી. એ પહેલાં વિદેશ ખાતાએ એમને પાછાં બોલાવી લીધાં હતાં.

રેણુ પોલિટિકલ વેટ રિફંડ્સ અને અન્ય બહાને આર્થિક ગેરરીતિ આચરી રહી હતી. એની ફરિયાદ મળતાં સેન્ટ્ર વિજિલન્સ કમિશનના અધિકારીઓ સપ્ટેંબરમાં વિયેના ગયા હતા અને ત્યાં તપાસ કરતાં રેણુ સામેના આક્ષેપ સાચા હોવાની જાણકારી મળી હતી.

કમિશને પાછાં ફરીને વિદેશ ખાતાને વાકેફ કર્યું હતું. વિદેશ ખાતાએ તરત પગલાં લીધાં હતાં. રેણુ રવિવારે સાંજે સ્વદેશ પાછી આવી ગઇ હતી. એની પાસેથી તમામ સત્તાઓ પાછી લઇ લેવામાં આવી હતી.

(1:05 pm IST)