Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

મૃત્યુ સમયે તુલસીના પાન,ગંગાજળ સહિતની વસ્તુઓ હોય તો યમલોકમાં દંડ ભોગવવો પડતો નથીઃ ગરૂડ પુરાણ ગ્રંથમા ઉલ્લેખ

ગરુડ પુરાણ અનુસાર જો તમારી પાસે મરતાં સમયે ચાર ખાસ સામગ્રી હોય તો યમરાજ તમને દંડ નથી આપતાં. શાસ્ત્રો અનુસાર જીવનમાં તમે જે પણ સારા-ખરાબ કર્મ કર્યાં છે. તેનું ફળ તો ભોગવવું જ પડે છે. શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે જો તમારી પાસે મરતાં સમયે કેટલીક ખાસ વસ્તુઓ હોય તો યમરાજ તમને યાતનાઓમાંથી મુક્તિ આપે છે.

જો અવસાન સમયે તુલસીનો છોડ મનુષ્યના માથા પાસે હોય તો શરીરનો ત્યાગ કર્યા પછી વ્યક્તિ યમદંડથી બચી જાય છે. જો તુલસીના પાન શબના માથા પર રાખવામાં આવે તો પણ લાભ થાય છે.

મૃત્યુના સમયે ગંગાજળને મુખમાં રાખીએ તે પ્રાણત્યાગની નિશાની છે. ગંગાજળ શરીરને પવિત્ર રાખે છે. જ્યારે કોઈ વ્યક્તિ શુદ્ધતા સાથે શરીરનો ત્યાગ કરે છે તો યમલોકમાં દંડ ભોગવવો પડતો નથી. આ જ કારણોસર જીવનના આખરી પળોમાં ગંગાજળની સાથે તુલસીના પાન રાખવામાં આવે છે.

મૃત્યુની છેલ્લી પળમાં શ્રીમદ્ ભાગવત અથવા પોતાના ધર્મગ્રંથનું પઠન કરવાથી વ્યક્તિને સાંસારિક મોહમાયામાંથી મુક્તિ મળે છે. આ પ્રકારની આત્માને યમદંડ ભોગવ્યા વગર જ પુનર્જન્મની પ્રાપ્તિ થાય છે.

શાસ્ત્રો અનુસાર મૃત્યુની નજીક પહોંચેલા વ્યક્તિ તથા તેની આસપાસ રહેતાં સગા સંબંધીઓને પણ તેની આત્માના સંબંધમાં સારા વિચાર રાખવા જોઈએ. વ્યક્તિને મરતા સમયે કોઈ પ્રકારનો ક્રોધ અથવા સંતાપ રાખવો ન જોઈએ. મરતા સમયે હોઠ પર માત્ર આશીર્વાદ અને પ્રાર્થના હોવી જોઈએ.

(4:52 pm IST)