Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

નાગાલેન્ડના મોન જીલ્લાના લોંગવા ગામના લોકો પાસે બે દેશની નાગરિકતાઃ આતંરરાષ્ટ્રીય સીમા ગામના રાજાના ઘરમાંથી પસાર થાય છે

દુનિયાના તમામ દેશોની સરહદો માટે શાંતિનું ઉદાહરણ પૂરું પાડી શકે છે નાગાલેન્ડનું આ ગામ. નાગાલેન્ડના મોન જિલ્લામાં આવેલા આ ગામનું નામ લોંગવા છે. આ ગામમાંથી આંતરરાષ્ટ્રીય સીમા પસાર થાયછે. આંતરરાષ્ટ્રીય સીમા પર વસેલા આ ગામ પર કુદરત પણ મહેરબાન છે.

આ આદિવાસી સમુદાયના રાજાનું નામ અંગ નગોવાંગ છે. રાજાના હસ્તકત લોંગવા સહિત 75 ગામ આવે છે. આ ગામ સાથે જોડાયેલી રસપ્રદ બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય સીમા ગામના રાજાના ઘરમાંથી પસાર થાય છે. તેમનું અડધું ઘર ભારતમાં અને અડધું મ્યાનમારમાં છે. આ પરિવારના લોકોનું ભોજન મ્યાનમારમાં તૈયાર થાય છે અને તેઓ આરામ ભારતમાં કરે છે. આ સ્થિતિ ફક્ત રાજાના જ નહીં અનેક ઘરની છે. આ જ ખૂબી આ ગામને અન્યોથી અલગ પાડે છે.

લોંગેવા ગામના લોકો પાસે બે દેશની નાગરિકતા છે. તેઓ ભારત અને મ્યાનમાર બંને દેશના નાગરિક છે. ગામના રાજાનો એક દીકરો મ્યાનમારની સેનામાં છે. અહીં દેશના નામે તકરાર અને તણાવ બિલકુલ નથી. આ ગામ આદિવાસીઓ અને તેમની પ્રાચીન પરંપરાઓથી જોડાયેલું છે.

ગામના પ્રમુખ એકથી વધારે લગ્ન કરે છે, એટલે સુધી કે લગ્નની સંખ્યા 60 પણ રહી ચૂકી છે. બહુ પહેલા અહીંના કબીલાઓ વચ્ચે યુદ્ધ થતું હતું. જે કબીલાના લોકો વિજયી થાય તે હારેલા કબીલાના લોકોની ગરદન વિજય ચિહ્ન તરીકે પોતાની પાસે રાખતા હતા. હવે આ પરંપરા બંધ થઈ ચૂકી છે પરંતુ આજે પણ ખોપડીઓનો ઢગલો તે પરંપરાની સાક્ષી પૂરે છે.

(4:43 pm IST)