Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ડિસેમ્બર હિમવર્ષાની મજા માણવી હોય તો પહોંચી જજો શિમલાઃ ૨૫ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી પર્યટકોની ભારે ભીડ

સ્નો ફૉલ એટલે કે હિમવર્ષાની મજા માણવા માટે શિમલા દરેક ભારતીયની પસંદ છે! જો કે અહીં દરેક સીઝનમાં ટુરિસ્ટ ફરવા આવતા હોય છે પરંતુ સૌથી વધુ પર્યટકો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આવે છે. બરફની ચાદર ઓઢીને બેઠેલા શિમલામાં લોકો પરિવાર સાથે કેટલીક યાદગાર પળો વિતાવવા આવે છે. ક્રિસમસથી લઈને ન્યૂ યર સુધી એટલે કે 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી અહીં પર્યટકોની સંખ્યા વધારે હોય છે. જો તમે પણ બરફ વર્ષાની મજા લેવા અને વેકેશન યાદગાર બનાવવા માટે શિમલા અને તેની આસપાસના સ્થળોએ ફરવા જઈ શકો છો.

શિમલાની ખૂબસુરતીનું વર્ણન શબ્દોમાં વાંચવા કરતાં ત્યાં જઈને અનુભવ કરવો જોઈએ. શિમલાથી લગભગ 22 કિલોમીટર દૂર આવેલું છે કૂફરી. અહીંની ખૂબસુરત વાદીઓ લોકોને આકર્ષે છે. ઠંડીની ઋતુમાં અહીંની ખૂબસુરતી સાતમા આસમાને હોય છે. સર્વત્ર બરફ જ બરફ, ફૂલ છોડ પર સફેદ ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ચારે તરફ પહાડ અને વચ્ચે-વચ્ચે લાકડાના ઘર જોવા જેવા છે.

કુલ્લુ શિમલાથી આશરે 223 કિલોમીટરના અંતરે છે. આ સ્થળ પર્યટકોની પ્રથમ પસંદ છે. દૂર-દૂરથી આવેલા પર્યટકોને અહીં જ વસી જવાનું મન થાય છે. કુલ્લુમાં પથરાયેલી હરિયાળી અને નાના-નાના ઝરણાં લોકોના માનસપટ પર છવાઈ જાય છે. સાંજનો નજારો જોવા જેવો હોય છે, જ્યારે મૉલ રોડ પર લોકોની અવરજવર દેખાય છે. મૉલ રોડ પરથી લોકો શોપિંગ કરવાનું પસંદ કરે છે. પહાડોની યાદ અહીં ફરવા આવતા લોકો પોતાની સાથે લઈ જાય છે અને પહાડી વસ્તુઓ મિત્રો-પરિવારને ભેટમાં આપે છે.

હિમાચલની ખૂબસુરતીમાં અને કુદરતી સૌંદર્યની વચ્ચે આધ્યાત્મિક વાતાવરણ પૂરી પાડતી જગ્યા એટલે ધર્મશાલા. દલાઈ લામા અને તેમના સાથીઓના કારણે આ જગ્યા વિખ્યાત થઈ. અહીં દેશનું સૌથી ખૂબસુરત સ્ટેડિયમ આવેલું છે જેનું નિર્માણ 2005માં થયું. આ સ્ટેડિયમમાં ઘણી વાર આઈપીએલ, ટેસ્ટ અને વન-ડે મેચ રમાઈ ગઈ છે.

શિમલાથી 240 કિલોમીટર દૂર આવેલું છે મેક્લોડગંજ, જેણે પોતાની પ્રાકૃતિક સુંદરતામાં તિબેટ અને બુદ્ધને પોતાની અંદર સમાવી લીધા છે. કહેવાય છે કે શિવલિંગ પર્વત પર વસેલી આ જગ્યા સ્વર્ગથી પણ વધારે સુંદર છે. અહીંની ખૂબસુરતી મન મોહી લેશે. કુદરતે આ જગ્યાને ખૂબસુરતી બક્ષવામાં કોઈ કસર નથી છોડી.

(4:35 pm IST)