Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

કરતારપુર પર દેખાયો પાકિસ્તાનનો અસલી રંગ, કહ્યું 'ગુગલીમાં ફસાયુ ભારત'

૨૪ કલાકમાં જ પાકિસ્તાને દેખાડયો અસલી ચહેરો : ભાઇ-ભાઇની વાતો પણ મુરાદ મેલી

ઇસ્લામાબાદ તા. ૩૦ : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભલે કરતારપુર કોરિડોરને શાંતિ, મિત્રતા અને વિકાસનું નામ આપતા હોય પરંતુ આ પાછળ ૨૪ કલાકમાં જ પાકિસ્તાની અસલી મંછા મસામે આવી ગઈ છે. ઇમરાનની સરકારમાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ઇમરાન સરકારના ૧૦૦ દિવસ પૂરા થવાના કાર્યક્રમમાં કહ્યું કે, 'કરતારપુર ઇવેન્ટ હકીકતમાં ઇમરાન ખાનની ગુગલી હતી જેમાં ભારત મજબૂર બન્યું હતું.' મહત્વપૂર્ણ છે કે કુરેશી જયારે આ બોલતા હતા ત્યારે ખુદ ઇમરાન કાર્યક્રમમાં સૌથી આગળ બેસીને સાંભળતા હતા.

ગુરૂવારે કુરેશીએ અફઘાનિસ્તાન પછી ભારતને સૌથી મહત્વપૂર્ણ પડોશી જણાવી કહ્યું કે, 'ઇમરાનખાને વડાપ્રધાન બનતા જ બંને દેશો સાથેના સંબંધો સુધારવા માટે પ્રયાસ કર્યા હતા અને મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. ત્યારે ન્યૂયોર્કમાં ભારતના પ્રતિનિધિ અમને મળવા માટે તૈયાર પણ થઈ ગયા હતા જોકે પડોશી દેશમાં ચાલતા રાજકરણના કારણે અમારો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો.'

ત્યારબાદ તેમણે હસાત હસતા કહ્યું કે, 'પરંતુ અમારી ટીમના કેપ્ટન ઇમરાન ખાને કરતારપુરની ગુગલી નાખી અને તેનું પરિણામ એ આવ્યું કે જે હિંદુસ્તાન મુલાકાતથી દૂર ભાગતું હતું તેમણે પોતાના બે મંત્રીઓને અહીં મોકલવાની ફરજ પડી હતી.' ગુરૂવારે ઇમરાન સરકારે ચૂંટણી પછી ૧૦૦ દિવસ પૂરા કરી લીધા છે. કુરેશીની આ ટિપ્પણીએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના એક દિવસ પહેલાના નિવેદન બાદ આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે, 'ભારત પાક વચ્ચે વાતચીત ત્યારે જ સંભવ છે જયારે પાકિસ્તાન સૂંપૂર્ણ રીતે આંતકવાદી પ્રવૃત્તિઓ બંધ કરે.'

ઉલ્લેખનીય છે કે બુધવારે યોજાયેલ કરતારપુર કાર્યક્રમમાં પાકિસ્તાન સુષમા સ્વરાજને આમંત્રણ પાઠવ્યું હતું. પરંતુ સ્વરાજે પૂર્વનિર્ધારિત કાર્યક્રમો અંગે જણાવીને સહભાગી થવામાં અસમર્થતા દર્શાવી હતી. જે બાદ ભારત તરફથી આ કાર્યક્રમમાં બે કેન્દ્રીય મંત્રિયો, હરસિમરત કૌર બાદલ અને હરદીપ સિંહ પુરીએ પ્રતિનિધિત્વ કર્યું હતું.

(4:24 pm IST)