Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ભારતની સાથે મળીને રહેવું હોય તો પાકિસ્તાને ધર્મ નિરપેક્ષ દેશ બનવું પડશે

આર્મી ચીફ રાવતે ઇમરાન ખાનને આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી તા. ૩૦ : આર્મી ચીફ બિપિન રાવતે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના ગઇકાલના નિવેદન પર બે ટૂક જવાબ આપતા કહ્યું કે, જે પણ તેઓ કંઇ રહ્યા છે, તેમાં વિરોધાભાસ છે. બિપિન રાવતે કહ્યું કે, પાકિસ્તાને ખુદને ઇસ્લામિક સ્ટેટ બનાવી લીધું છે. જો તેમને ભારતની સાથે ચાલવું છે તો તમારે સેકુલર દેશ બનવું પડશે.

તમને જણાવી દઇએ કે, ઇમરાન ખાને ગુરુવારે કહ્યું હતું કે, ભારત એક કદમ ઉઠાવશે તો અમે બે કદમ ઉઠાવીશું. આર્મી ચીફે આ વાત પર પોતાની વાત રાખતા કહ્યું કે, અમારા દેશની પોલિસી સ્પષ્ટ છે- આતંક અને વાતચીત એક સાથે ચાલી ન શકે. પહેલા ભારત તરફથી યોગ્ય દિશામાં એક કદમ ઉઠાવવામાં આવે. અમે જોઇશું કે જો કદમ અસલમાં ગ્રાઉન્ડ લેવલ પર ઉઠાવવામાં આવ્યું છે કે નહીં. આર્મી ચીફે વધુમાં કહ્યું કે, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે.

સેનામાં મહિલાઓની ભાગેદારી પર આર્મી ચીફે કહ્યું કે, મહિલાઓની ક્ષમતા પર કોઇ સવાલ નથી. અમે તેમણે તમામ ફ્રન્ટલાઇન કોમ્બેટ રોલની જવાબદારી આપી નથી. અમને લાગે છે કે આપણે હજી થોડી રાહ જોઇ લેવી જોઇએ. અમે હજી તેના માટે તૈયાર નથી. સેનામાં મહિલાઓની ભાગેદારીને લઇને પશ્ચિમી દેશ વધારે ખુલ્લા વિચારો ધરાવે છે. મોટા શહેરોમાં ભલે છોકરા-છોકરીઓ સાથે કામ કરી રહ્યા હોય, પરંતુ સેનામાં લોકો માત્ર મોટા શહેરો સુધી જ સીમિત નથી.

(4:02 pm IST)