Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

૧ વર્ષમાં પૈસા ડબલના નામ પર ૧૦,૦૦૦ કરોડની છેતરપીંડી

દિલ્હીની ચીટફંડ કંપની સામે CBIએ કર્યો કેસ

નવી દિલ્હી તા. ૩૦ : સીબીઆઈએ દિલ્હીના કરોલ બાગની એક કંપની સામે કથિત રીતે રોકાણકારોના ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. અધિકારીઓએ ગુરૂવારે આ જાણકારી આપી. કંપની દ્વારા રોકાણકારોને તેમના ઈન્વેસ્ટમેન્ટ પર એક વર્ષમાં બે ગણા રિટર્નની વાત કરી આકર્ષવામાં આવ્યા હતા. સીબીઆઈએ બુધવારે હાઈકોર્ટના નિર્દેશ પર કંપની સામે કેસ નોંધ્યો હતો. કોર્ટે ૨૦૧૪માં એજન્સીને ચિટ ફંડ કંપનીઓ સંબંધિત મામલાઓની તપાસ માટે કહ્યું હતું. સીબીઆઈએ ટીવીઆઈએકસપ્રેસ.કોમ સામે કેસ નોંધ્યો છે.

દિલ્હીના કારોલી બાગ વિસ્તારમાં આ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ આવેલી છે. કંપની અને તેના ડાયરેકટરો અને સહયોગીઓ તરૂણ ત્રિખા, વરૂણ ત્રિખા, વીણા ત્રિખા, શિખા ત્રિખા, શકિત શરદ, અનૂમ કુમાર અને કવિતા ગાંગુલી સામે કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈએ આ લોકો સામે છેતરપિંડી, ષડયંત્ર અને સેબીના નિયમોના ઉલ્લંઘનનો મામલો નોંધ્યો છે. પહેલા આ મામલાની તપાસ પશ્ચિમ બંગાળ પોલીસ કરી રહી હતી.

પોલીસે રાજયના મુર્શિદાબાદ જિલ્લામાં એફઆઈઆર નોંધી હતી. આરોપ છે કે, આ લોકો શેર, જિન્સ બિઝનેસ, હોલિડે પેકેજ ટૂર અને એર ટિકિટિંગ ક્ષેત્રમાં કોઈ કાયદાકીય મંજૂરી વિના કામ કરી રહ્યા હતા. ફરિયાદકર્તાનું કહેવું છે કે, આ લોકોએ પેસિફિક રોયલ એરલાઈન્સના નામે રૂપિયા ઉઘરાવ્યા અને રોકાણકારોના લગભગ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા સગે-વગે કર્યા છે. રોકાણકારોને તેમના ઈન્વેસ્ટમેન્ટ પર બે ગણું રિટર્ન આપવાનું વચન અપાયું હતું, જે કયારેય પુરું કરાયું ન હતું.(૨૧.૩)

(10:11 am IST)