Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

શરમજનક : વિશ્વમાં 'કુપોષણ'થી પીડિત બાળકોના મામલે ભારત નંબર-૧

ભારતમાં લંબાઇની તુલનામાં ઓછું વજન ધરાવતા દુર્બળ બાળકોની સંખ્યા અઢી કરોડ ભારતમાં ૪.૬૬ કરોડ બાળકોને પુરૂષો આહાર મળતો નથી : ગ્લોબલ ન્યુટ્રિશિયન રિપોર્ટ-૨૦૧૮નું વિશ્લેષણ ભારત માટે ચિંતાજનક

નવી દિલ્હી તા. ૩૦ : ભારત કુપોષણના સંકટનો સામનો કરી રહ્યું છું. વિશ્વભરમાં કુપોષણથી પીડિત બાળકો અર્થાત 'માયકાંગલા' બાળકોની સૌથી વધારે સંખ્યા ભારતમાં છે. તાજેતરનો રિપોર્ટ ભારત માટે ચોંકાવનારો છે. ગ્લોબલ ન્યૂટ્રિશિયનના રિપોર્ટ-૨૦૧૮ અનુસાર, ભારતમાં ૪.૬૬ કરોડ બાળકો પુરતો પોષક આહાર મળતો નથી. બીજા અર્થમાં કહી તો કુપોષણથી પિડાતા બાળકોના મામલે દુનિયામાં ભારત નંબર-૧ છે. ભારત બાદ સૌથી વધુ નાઈજીરિયા(૧.૩૯ કરોડ) અને પાકિસ્તાન(૧.૭ કરોડ)માં બાળકો કુપોષણનો સામનો કરી રહ્યાં છે. લાંબા સમય સુધી પોષક તત્વો યુકત આહારન ન મળવાથી બાળકો દુર્બળ બની જાય છે.

 

ભારતમાં પોતાની લંબાઈની તુલનામાં ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા ૨.૫૫ કરોડ છે, જે નાઈજીરિયા(૩૪ લાખ) અને ઈન્ડોનેશિયા(૩૩ લાખ) કરતાં વધુ છે. ચિતા પેદા કરનારી બાબત એ છે કે લંબાઈની સરખામણીમાં વજન ઓછું હોય તો પાંચ વર્ષ સુધીના બાળકનું મૃત્યુ થવાની શકયતા વધી જાય છે. 

 

ગ્લોબલ ન્યૂટ્રિશિયનના રિપોર્ટમાં કહેવાયું છે કે, ઓછું વજન હોવાના બે કારણો છે : ૧.પુરતું ભોજન ન મળવું અને ૨. બિમારી હોવી. આ રિપોર્ટમાં વધુમાં એમ પણ દર્શાવવામાં આવ્યું છે કે, ઓછા વજનવાળા દુનિયાના અડધાથી વધુ બાળકો દક્ષિણ એશિયામાં રહે છે. આવા બાળકોની અડધી સંખ્યા ધરાવતા ત્રણ દેશો પૈકી બે દેશ એશિયાના છે. ભારતમાં ૪.૬૬ કરોડ અને પાકિસ્તાનમાં ૧.૭ કરોડ બાળકો ઓછું વજન ધરાવે છે. 

ભારત એ દેશોમાં સામેલ છે, જયાં ૧૦ લાખથી વધુ બાળકો ઓબેસિટીનો શિકાર બન્યા છે. અન્ય દેશોમાં ચીન, ઈન્ડોનેશિયા, ભારત, ઈજિપ્ત, અમેરિકા, બ્રાઝિલ અને પાકિસ્તાન સામેલ છે. ઓબેસિટી અર્થાત સ્થૂળતાનો શિકાર બનેલા મોટાભાગના બાળકો ઊંચી વાર્ષિક આવક ધરાવતા દેશોમાં છે અને સૌથી ઓછી આવક ધરાવતા દેશોમાં ઓબેસિટીનો શિકાર બનતા બાળકોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. વયસ્કોમાં પુરુષોની તુલનામાં મહિલાઓ વધુ જાડી છે. આનાથી વિપરીત મહિલાઓની તુલનામાં પુરૂષોમાં ડાયાબિટિસનું પ્રમાણ વધુ જોવા મળે છે.  આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૧૪૧ દેશોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમા ૮૮ ટકાથી વધુ દેશોમાં એક કરતાં વધુ પ્રકારના કુપોષણ મામલા જોવા મળ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (આઈએફપીઆરઆઈ) દ્વારા ગ્લોબલ ન્યૂટ્રિશિયન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ માટે ભારતના રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય કલ્યાણના જિલ્લા સ્તરેથી એકત્ર કરાયેલાં આંકડાનો ઉપયોગ કરાયો છે, જેમાં ભારતના ૬૦૪ જિલ્લાના ૬૦૧,૫૦૯ પરિવાર સામેલ છે. આ રિપોર્ટમાં ભારતની નેશનલ ન્યૂટ્રિશિયન સ્ટ્રેટેજી પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં કરાયેલું વિશ્લેષણ ભવિષ્યલક્ષી યોજનાના અમલીકરણ માટે અને કુપોષણનું સંકટ દૂર કરવા ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે છે. જે સ્વસ્થ ભારતના નિર્માણમાં મદદરૂપ થશે.(૨૧.૫)

(10:12 am IST)