Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

૨૦૨૦થી માત્ર બીએસ-૬ વાહનોનું વેચાણઃ ગાડી મોંઘી થશે-એવરેજ વધશે

દેશભરમાં બીએસ-૪ વાહનોના રજીસ્ટ્રેશન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ આવશેઃ દેશભરમાં પ્રદુષણના વધતા પ્રકોપને જોતા સુપ્રિમ કોર્ટે વાહન બનાવતી કંપનીઓને બીએસ-૬ માપદંડ લાગુ કરવામાં છૂટ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધોઃ ૧લી એપ્રિલ ૨૦૨૦થી માત્ર બીએસ-૬ ઉત્સર્જન માપદંડના વાહનોનું જ રજીસ્ટ્રેશનઃ એ પહેલા કંપનીઓએ બીએસ-૪ વાહનો વેંચી દેવા પડશેઃ ગાડીના ભાવ ૧૫ ટકા સુધી વધશેઃ બીએસ-૬ પેટ્રોલ-ડીઝલ દોઢથી બે રૂપિયા મોંઘુ થશેઃ ૪ લીટરમાં ૧૦૦ કિ.મી. વધુ ચાલશે કાર

નવી દિલ્હી, તા. ૩૦ :. દિલ્હી સહિત દેશભરમાં પ્રદુષણના વધતા પ્રકોપને જોતા સુપ્રિમ કોર્ટે વાહન બનાવતી કંપનીઓને બીએસ-૬ માનક લાગુ કરવામાં છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આનાથી ૧લી એપ્રિલ ૨૦૨૦થી માત્ર બીએસ-૬ માપદંડવાળા વાહન જ વેંચાશે. જો કે પહેલીથી દોડી રહેલા બીએસ-૪ વાહનોને હટાવાશે નહિં.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યુ હતુ કે, બીએસ-૬ લાગુ કરવાનું જાહેરનામુ ૨૦૧૭માં લાગુ કરી દેવાયુ હતુ પરંતુ વાહન બનાવતી કંપનીઓએ જાહેરનામા વિરૂદ્ધ સમય સીમા વધારવાને લઈને સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે તાજેતરમાં વાહન ઉદ્યોગને સમયમાં છૂટ આપવાથી ઈન્કાર કરી દેતા ઉકત જાહેરનામુ સ્વયં લાગુ થઈ જશે. જે અનુસાર ૧લી એપ્રિલ ૨૦૨૦થી માત્ર બીએસ-૬ ઉત્સર્જન માનકના વાહનોનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. વાહન બનાવતી કંપનીઓએ બીએસ-૪ વાહનોને આનાથી પહેલા વેંચી દેવા પડશે. આ સમય સીમા બાદ બીએસ-૪ વાહન ગોદામની બહાર કાઢી નહિ શકાય.

પ્રવકતાએ કહ્યુ હતુ પ્રથમ તબક્કામાં ચારેય મહાનગરો સહિત જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરીયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, પ.યુપી સહિત કેટલાક શહેરોમાં બીએસ-૬ માપદંડ લાગુ થશે. તે બાદ ઉત્સર્જન નવા નિયમો દેશભરમાં લાગુ થઈ જશે.

બીએસ-૬ વાહનમાં નવુ એન્જીન તથા ઈલેકટ્રોનીક વાયરીંગ બદલવાથી વાહનોની કિંમતમા ૧૫ ટકાનો વધારો થશે. બીએસ-૬ વાહનોની એન્જીની ક્ષમતા વધશે. આનાથી ઉત્સર્જન ઓછુ થશે તો બીએસ-૬ પેટ્રોલ-ડીઝલ દોઢથી બે રૂપિયા મોંઘુ થશે. બીએસ-૬ ઈંધણ ક્ષમતા વધવાથી કાર ૪.૧ લીટરમાં ૧૦૦ કિ.મી. થી વધુ માઈલેજ આપશે. બીએસ-૪ની સરખામણીમાં બીએસ-૬માં પ્રદુષણ ફેલાવતા ખતરનાક પદાર્થો ઓછા હશે. બીએસ-૬નો અર્થ છે ભારત સ્ટેજ જેનો સંબંધ ઉત્સર્જન માપદંડથી છે. બીએસ-૬ વાહનોમાં ખાસ ફિલ્ટર લાગશે જેનાથી ૮૦ થી ૯૦ ટકા પીએમ ૨.૫ જેવા કણ અટકાવી શકાશે. નાઈટ્રોજન ઓકસાઈડ ઉપર નિયંત્રણ લાગશે. યુરોપીયન દેશો અને ઓસ્ટ્રેલીયમાં પહેલેથી જ બીએસ-૬ લાગુ છે ત્યાં હવે બીએસ-૭ આવશે.(૨-૨)

(10:10 am IST)