Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

કલકતામાં મહિલાએ સાઉથ સિટી મોલમા સ્તનપાન માટે જગ્યાનુ પુછયુ તો મહિલા કર્મચારીએ કહ્યું કે આ કામ ઘરે જ પતાવીને આવવુ જોઇએ

કોલકાતાઃ કલકત્તાના સૌથી મોટા મૉલ સાઉથ સિટી મૉલમાં એક મહિલા બાળકીને સ્તનપાન કરાવવા માંગતી હતી ત્યારે સિક્યોરિટી સ્ટાફ અને મૉલના મેનેજમેન્ટે તેને પ્રાઈવેટ સ્પેસ આપવાનો ઈનકાર કરી દીધો. આ વિવાદ વચ્ચે એક સ્ટોરકીપરે મહિલાની મદદ કરીને પોતાના ટ્રાયલરૂમમાં મહિલાને સ્તનપાન કરાવવા મોકલી દીધી. અભિલાષા દાસ અધિકારીએ ફેસબુક પર મૉલના પેજના ફીડબેક સેક્શનમાં જઈને પોતાની વ્યથા ઠાલવી હતી. તેમને જે જવાબ મળ્યો તે વધારે હેરાનગતિ ઉપજાવે તેવો હતો. સાઉથ સિટી મૉલે જવાબમાં મહિલાને સલાહ આપી કે તેણે આ કામ ઘરે જ પતાવીને આવવું જોઈએ.

અભિલાષાએ મંગળવારે મૉલના ફેસબુક પેજ પર લખ્યું કે, “અહીં એકપણ એવી જગ્યા નથી જ્યાં બાળકને બ્રેસ્ટ ફીડીંગ કરાવી શકાય. મેં આ વિષે પૂછ્યું તો સ્ટાફે કહ્યું કે હું વૉશરૂમમાં બાળકને દૂધ પીવડાવુ જે ખૂબ જ ગંદી જગ્યા છે.મૉલે રિપ્લાયમાં લખ્યું કે એ વાત હાસ્યાસ્પદ છે કે તમે આ વાતને મુદ્દો બનાવી રહ્યા છો. તમારા ઘરના કામ ઘરે જ પૂરા કરીને આવો. તમે શું ઈચ્છો છો કે તમે બાળકને સ્તનપાન કરાવવા માંગતા હોવ તો અમે પબ્લિક એરિયામાં તરત જ તેના માટે વ્યવસ્થા કરી દઈએ? મહિલાની પોસ્ટ અને મૉલનો જવાબ વાયરલ થયા બાદ વિવાદ ઘણો જ વધી ગયો હતો. લોકોએ મૉલ સામે ભડાસ કાઢવાની શરૂ કરી દીધઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે મૉલે બચાવ કરવો પડ્યો અને ફેસબુક પેજ પરથી ફીડબેકનો ઓપ્શન જ હટાવી દેવો પડ્યો.

મૉલે જણાવ્યું કે આ રિપ્લાય બહારની એજન્સીના અનુભવહીન એક્ઝિક્યુટિવે કર્યો હતો. મૉલના વાઈસ પ્રેસિડન્ટ મોહન બાગરીએ  જણાવ્યું, “આ આક્રમક રિપ્લાય અમારી મરજી વિના કરવામાં આવ્યો હતો. અમે એ એજન્સીને હટાવી દીધી છે.તેમણે જણાવ્યું કે મૉલના પહેલા માળે જે ચેન્જિંગ રૂમ છે અને બાકીના ફ્લોર્સ પર ચેન્જિંગ રૂમ છે તેમાં કામ ચાલી રહ્યું છે.

અભિલાષાએ જણાવ્યું કે તેમનો અનુભવ કંઈક ઓર જ હતો. અભિલાષાના જણાવ્યા મુજબ તે એવો એકપણ ચેન્જિંગ રૂમ નહતી શોધી શકી અને તેણે હેલ્પિંગ સ્ટાફને પૂછ્યું તો તેણે સલાહ આપી કે તે વોશરૂમમાં બાળકને ફીડીંગ કરાવી શકે છે.

(12:00 am IST)