Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

જ્યોર્જિયાની એક 23 વર્ષીય મહિલા એક વર્ષમાં 2, 4, 8, 10 નહીં પણ 21 બાળકોની મા બની

બાળકોની સાર સંભાળ માટે આ મહિલાના ઘરમાં 16 આયા (નેની)ઓને રખાઈ

જ્યોર્જિયાઃ માલીની એક મહિલાએ એક સાથે 9 બાળકોને જન્મ આપવાના ન્યૂઝ ચર્ચામાં જ છે, ત્યાં જ્યોર્જિયાની એક 23 વર્ષીય મહિલા એક વર્ષમાં 2, 4, 8, 10 નહીં પણ પુરા 21 બાળકોની મા  બની છે. અત્યારે આ બાળકોની સાર સંભાળ માટે ક્રિસ્ટિના નામની આ મહિલાના ઘરમાં 16 આયા (નેની)ઓને રાખવામાં આવી છે.

મીડિયાના રિપોર્ટ મુજબ ક્રિસ્ટિના ઓઝતુર્કે જણાવ્યું કે તેના ધનાઢ્ય પતિ ગેલીપને લગ્ન પહેલા જ્યારે મળી ત્યારે તેણે એક મોટા પરિવારનું સ્વપ્ન જોયું હતું. તેનો 57 વર્ષીય પતિ પહેલાંથી જ પરિણીત હતો. છતાં જ્યોર્જિયામાં પ્રથમ મુલાકાત બાદ બંને પરણી ગયા અને આ વિશાળ પરિવારને જન્મ આપ્યો. હજુ બંને આ પરિવારનો વિસ્તાર કરવા માંગે છે.

 

ક્રિસ્ટિનાના કહેવા પ્રમાણે 20 બાળકોની મા બનવા માટે તેણે સરોગેસીનો સહારો લીધો. એક વર્ષ પહેલાં સુધી તેને માત્ર એક બાળકી હતી. ત્યાર બાદ બીજા 20 બાળકો થયા. સરોગેસી માટે તેમણે આશરે 1.42 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે,

આ બાળકોની દેખરેખ માટે ઓઝતુર્ક દંપત્તિએ 16 ફૂલ ટાઇમ લિવ ઇન નેની (આયા) રાખી છે. જેમના પર દર વર્ષે 70 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ક્રિસ્ટિનાનું કહેવું છે કે તે મોટાભઆગનો સમય બાળકો સાથે વિચાવે છે. તે એ બધુ જ કરે છે, જે સામાન્ય રીતે એક મા પોતાના બાળકો સાથે કરે છે

 

ગેલીપ અને ક્રિસ્ટિનાને પહેલેથી જ 6 વર્ષની વિક્ટોરિયા નામની એક બાળકી હતી. પછી ગત વર્ષે માર્ચમાં મુસ્તફા નામના બીજા બાળકને સરોગેસીની માધ્યમથી જન્મ આપ્યો. ત્યાર બાદ આશરે સવા વર્ષના ગાળામાં વધુ 19 બાળકોને જન્મ આપ્યો. હવે તેમને 21 બાળકો છે. જેમાં દરેક સરોગેટ ગર્ભાવસ્થા માટે આશરે 8 લાખ રુપિયાનો ખર્ચ કર્યો. હવે તેમના 4 માસથી લઇ 14 મહિના સુધીના અન્ય બાળકો છે.

ત્રણ માળની હવેલી જેવા ભવ્ય નિવાસમાં રહેતા આ પરિવારને દર સપ્તાહે ડાયપરના 20 મોટા પેકેટ અને 53 પેકેટ બેબી ફોર્મ્યુલાની જરૂર પડે છે. ઉપરાંત તમામ બાળકોની આવશ્યક જરૂરિયાત પુરી કરવા માટે દર સપ્તાહે આશરે 3-4 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ક્યારે થોડુ વધુ તો ક્યારેક થોડુ ઓછું પણ હોય છે.

ક્રિસ્ટિનનાનું કહેવું છે કે તેમની ભવિષ્યમાં વધુ બાળકોને જન્મ આપવાની યોજના છે. સાથે પોતાના સ્વભાવિક સંતાનને જન્મ આપવાથી ઇનકાર પણ કરતી નથી. તેનું કહેવું છે કે તે પોતાનું ગર્ભધારણ કરવાની યોજના બનાવી રહી છે. પરંતુ તે હમણા નહીં. કારણ કે અત્યારે આ બાળકો સાથે રહેવાની તેની જરૂર છે.

પોતાની દિનચર્યા અંગે ક્રિસ્ટિનાનું કહેવું છે કે તેમનો કોઇ પણ દિવસ કંટાળાજનક જતો નથી. કારણ કે તે હંમેશા બાળકોમાં વ્યસ્ત રહે છે. સામાન્ય રીતે બાળકો રાત્રે 8 વાગે પથારીમાં જતા રહે છે અને સવારે 6 વાગ્યા સુધી ઊંઘે છે. સોથી મોટી 6 વર્ષની વિક્ટોરિયા 7 વાગે ઊઠે છે

આટલા બધા બાળકોને કારણે ક્રિસ્ટિનાને સ્વભાવિકપણે પુરતી ઊંઘ મળતી નથી. છતાં તેને કોઇ સમસ્યા નહીં હોવાનું તે કહે છે. ફોર્બ્સની યાદી મુજબ ક્રિસ્ટિનાના પતિ ગેલીપ મૂળ તૂર્કીના રહેવાસી છે. તેઓ તુર્કીની કંપની મેટ્રો હોલ્ડિંગના સ્થાપક છે. પરંતુ 2013થી જ્યોર્જિયામાં રહે છે. અહીં તેમણે 500 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે

(12:00 am IST)