Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

SBI એ ગ્રાહકો માટે વોટ્સએપ ફ્રોડને લઈ જાહેર કર્યુ એલર્ટ

ખાતેદારોને ફ્રોડ કોલ્સ અને લિંક દ્વારા થતી છેતરપિંડી અંગે વાકેફ કરી સાવચેત રહેવા સૂચના

મુંબઈ : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (SBI) પોતાના ગ્રાહકો માટે વોટ્સએપ ફ્રોડને લઈ એલર્ટ જાહેર કર્યું છે. SBIએ ટ્વીટ કરી કહ્યું છે કે, સાયબર ક્રિમિનલ હવે વોટ્સએપ કોલ અને મેસેજ મારફતે ગ્રાહકોને નિશાન બનાવી રહ્યા છે. વોટ્સએપ પર એક નાની ભૂલ, બેંકના આપના ખાતાને ખાલી કરી શકે છે. ખાતેદારોને ફ્રોડ કોલ્સ અને લિંક દ્વારા થતી છેતરપિંડી અંગે વાકેફ કરી સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

SBIએ ચેતવણી આપી છે કે, સાયબર ક્રિમિનલ વોટ્સએપ કોલ કે મેસેજ કરીને ગ્રાહકોનો સંપર્ક કરે છે. કોલર ગ્રાહકોને કોઈ લોટરી કે પ્રાઈઝ જીતવાની ખોટો માહિતી આપી લલચાવે છે. ગ્રાહક લલચાય તો એક ફેક એસબીઆઈ નંબર પર કોલ કરવાનું કહે છે, લિન્કના બહાને પ્રોસિજરની વાત કરે છે અથવા માહિતીઓ માંગે છે.

સાયબર ઠગ ગ્રાહકોને એવોર્ડના પૈસા મેળવવા માટે બેંક ડિટેલ શેર કરવી જરૂરી હોવાનું સમજાવે છે. ગ્રાહકોને તેઓનાં બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાના બહાને વિગતો લઈ લેવાય છે.

SBIએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ લોટરીની સ્કીમ કે લકી ડ્રો ચલાવી રહ્યા નથી. એસબીઆઈએ ગ્રાહકોને સલાહ આપી કે વોટ્સએપ પર આવનાર ફેક કોલ કે ફોરવર્ડ મેસેજનો ભરોસો ન કરે.

(12:44 pm IST)