Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ટ્રમ્પ અને બિડેન વચ્ચે ડિબેટમાં તડાફડી બોલી : આરોપોનો વરસાદ વરસ્યો

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે બંને હરિફ ઉમેદવારો વચ્ચે યોજાઇ પ્રથમ ડિબેટ : કોરોના, ઇન્કમટેકસ, ઇકોનોમિના મામલે બિડેને ટ્રમ્પને ભીંસમાં લીધા : ટ્રમ્પ પુતિનની કઠપૂતળી હોવાનો આરોપ મુકયો : ટ્રમ્પે પણ બિડેનને વિવિધ મુદ્દે ઘેર્યા : તમે રાષ્ટ્રપતિ હોત તો ૨૦ લાખ લોકો મર્યા હોત : વેકસીન હવે ટુંક સમયમાં મળી જશે : ભારત, ચીન અને રૂસે મૃતકોના સાચા આંકડા નથી આપ્યા : ટ્રમ્પનો આરોપ

વોશિંગ્ટન તા. ૩૦ : અમેરિકામાં ૩ નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિ પદની યોજાનારી ચૂંટણીને લઇને પ્રથમ પ્રેસીડેંશિયલ ડિબેટ યોજવામાં આવી હતી. રિપબ્લીકન પાર્ટી તરફથી વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભાગ લીધો હતો. ડેમોક્રેટીક પાર્ટી તરફથી જો બીડેન મેદાનમાં આવ્યા હતા. બંને નેતા મંચ પર ચડયા પરંતુ એકબીજા સાથે હાથ મિલાવ્યો નહોતો. ટ્રમ્પ અને બીડેન ૯૦ મિનિટ સુધી ચાલેલી આ ડિબેટ માટે પુરી તૈયાર સાથે આવ્યા હતા. બીડેને ટ્રમ્પને પોતાના આયકર રિટર્નને જાહેર કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પે અબજપતિ હોવા છતાં વર્ષોથી ટેકસ નથી ભર્યો. તેમને ટ્રમ્પ પર આરોપ મુકયો હતો કે તેઓ રૂસના રાષ્ટ્રપતિ પુતિનના હાથની કઠપૂતળી છે. ટ્રમ્પની ખરાબ નિતીઓને કારણે દેશમાં કોરોના વાયરસ વધ્યો છે. તેમણે અર્થતંત્રના મુદ્દે ટ્રમ્પને ભીંસમાં લીધા હતા. તો બીજી તરફ ટ્રમ્પે હરિફ બીડેનના સવાલ પર કહ્યું હતું કે, તમે નથી જાણતા કે ભારત, ચીન અને રૂસમાં કેટલા લોકો મર્યા છે. ભારત, ચીન અને રૂસે મૃતકોની સાચી સંખ્યા નથી આપી. તેમણે કહ્યું હતું કે જો બીડેન રાષ્ટ્રપતિ હોત તો અમેરિકામાં ઓછામાં ઓછા ૨૦ લાખ લોકો મરી ગયા હોત.

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી આડે ૩૫ દિવસ બાકી રહ્યા છે ત્યારે આજે પ્રથમ ડિબેટમાં બંનેએ એકબીજા પર તિખા તમતમતા પ્રહારો કર્યા હતા. આ પ્રકારની કુલ ત્રણ ડિબેટ થવાની છે. બીજી ૧૫ ઓકટોબરે અને ત્રીજી ૨૦ ઓકટોબરે થવાની છે.

ડિબેટમાં બીડેને રાષ્ટ્રપતિ ટ્રમ્પને જુઠા ગણાવ્યા હતા અને તેમને ચૂપ રહેવા કહ્યું હતું. કોરોના વાયરસ મામલે બીડેને ટ્રમ્પને ભીંસમાં લીધા હતા. તેમણે કહ્યું હતું કે, એ શરમજનક છે કે અમેરિકા જેવા વિકસીત દેશમાં બે લાખ લોકો મહામારીને કારણે મોતને ભેટયા છે. હકીકત એ છે કે, ટ્રમ્પ અને તેમના તંત્ર પાસે કોરોનાને નિપટવા માટે કોઇ પ્લાન નથી. ફેબ્રુઆરી સુધી તો તેઓ ઉંઘતા હતા કે આ ગંભીર મામલો નથી. તેઓ પ્રજા પાસેથી છુપાવવા માંગતા હતા. હું રાષ્ટ્રપતિ હોત તો હેલ્થ કેર વર્કસ અને લોકો બંનેને બચાવી લેત.

ટ્રમ્પે કહ્યું હતું કે, જો હું કહું કે કોરોના ચીનના કારણે ફેલાયો હતો તો તેમાં શું ખોટું છે. દેશના મોટાભાગના ગવર્નર મારૃં સમર્થન કરે છે. મે શાનદાર કામ કર્યું છે. તમે એ નહિ ભુલતા કે માત્ર થોડા સપ્તાહોમાં જ અમારી પાસે વેકસીન હશે. ટ્રમ્પે કહ્યું હતું કે મે લાખો ડોલરનો ઇન્કમટેકસ ભર્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, જેટલું તમે ૪૭ વર્ષમાં નથી કર્યું તે કામ મેં ૪૭ મહિનાઓમાં કરી બતાવ્યું છે.

(11:12 am IST)