Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

કોલસા, ક્રૂડ, ગેસ, સિમેન્ટના ઉત્પાદનમાં નોંધાયેલો ઘટાડો

આઠ કોર ઇન્ડસ્ટ્રીમાં નજીવો ઘટાડો નોંધાયો : ગયા વર્ષે ઓગસ્ટ માસમાં ૪.૭ ટકા સુધી વધારો નોંધાયો હતો જેની સામે આ વખતે ઘટાડો : આર્થિક સુસ્તી અકબંધ

નવી દિલ્હી, તા. ૩૦ : ઓગસ્ટ મહિના માટેના આઠ કોર ઇન્ડસ્ટ્રીના આંકડા આજે જારી કરવામાં આવ્યા હતા. કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટીના ઉત્પાદનમાં ઓગસ્ટ મહિનામાં ઘટાડો થયો છે. એટલે કે ઓગસ્ટ મહિનામાં આઠ કોર ઇન્ડસ્ટ્રીમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો છે. આઠ કોર સેક્ટર ઇન્ડસ્ટ્રીમાં કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટીનો સમાવેશ થાય છે. આઠ કોર સેક્ટર ઇન્ડસ્ટ્રીમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ૪.૭ ટકા સુધીનો વધારો થયો હતો. કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટીમાં નકારાત્મક માહોલ રહ્યો હતો. ૮.૬ ટકાનો નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો. ઓગસ્ટ મહિનામાં કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટીમાં નેગેટિવગ્રોથ ક્રમશઃ ૮.૬ ટકા, ૫.૪ ટકા, ૩.૯ ટકા, ૪.૯ ટકા અને ૨.૯ ટકા રહ્યો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. જો કે, ખાતર અને સ્ટીલ પ્રોડક્શનમાં સમીક્ષા હેઠળના મહિના દરમિયાન ક્રમશઃ ૨.૯ ટકા અને પાંચ ટકા સુધીનો વધારો થયો હતો.

             આઠ કોર ઇન્ડસ્ટ્રીમાં એપ્રિલ-ઓગસ્ટના મહિના દરમિયાન ગ્રોથનો આંકડો ક્રમશઃ એક વર્ષના ગાળામાં ૫.૭ ટકાથી ૨.૪ ટકા સુધીનો વધારો થયો છે. સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, કોર ઇન્ડસ્ટ્રીમાં અફડાતફડી જોવા મળી રહી છે. સરકારી ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, કોર સેક્ટર ઇન્ડસ્ટ્રીમાં ઉદાસીનતા પ્રવર્તી રહી છે. કોર સેક્ટરમાં દેશના અર્થતંત્ર માટે જરૂરી મુખ્ય સેક્ટરનો સમાવેશ થાય છે.

(8:02 pm IST)