Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

INX કેસ : ચિદમ્બરમને જામીન આપવા કોર્ટની ના

પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમને મોટો ફટકો પડ્યો : ચિદમ્બરમ સાક્ષીઓને પ્રભાવિત કરવા પ્રયાસો કરી શકે છે : કોર્ટનો પણ મત : જામીન ન આપવા માટેની રજૂઆત

નવીદિલ્હી,તા.૩૦ : આઈએનએક્સ મિડિયા કેસમાં જેલમાં રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. આજે હાઈકોર્ટે પૂર્વ નાણામંત્રીની જામીન અરજીને ફગાવી દીધી હતી. સીબીઆઈએ ચિદમ્બરમને જામીન આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આજે હાઈકોર્ટે પણ કહ્યું હતું કે, પુરાવા સાથે ચેડાની તો નહીં પરંતુ આ બાબતની શક્યતા છે કે, ચિદમ્બરમ સાક્ષીઓને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી શકે છે. ચિદમ્બરમ હાલમાં તિહાર જેલમાં છે અને હવે જામીન માટેની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેમને જેલમાં જ રહેવાની ફરજ પડશે. ચિદમ્બરમની સીબીઆઈએ ૨૧મી ઓગસ્ટના દિવસે ધરપકડ કરી હતી. સીબીઆઈ અને ઇડીએ આઇએનએક્સ મિડિયાના પ્રમોટર ઇન્દ્રાણી મુખર્જી અને તેમના પતિ પીટર મુખર્જીના નિવેદનના આધાર પર ચિદમ્બરમ સામે સકંજો મજબૂત કર્યો હતો. તપાસ હજુ પણ ચાલી રહી છે. તપાસમાં કેટલીક ગેરરીતિઓ પણ સપાટી ઉપર આવી છે. એવો આક્ષેપ છે કે, આઇએનએક્સ મિડિયા ગ્રુપને ૦૦૭માં ૩૦૭ કરોડ રૂપિયાના વિદેશી નાણા હાસલ કરવા માટે વિદેશી મૂડીરોકાણની મંજુરીમાં અનિમિતતા દર્શાવવામાં આવી હતી. આ ગાળા દરમિયાન ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા. સીબીઆઈએ ગયા શુક્રવારના દિવસે જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, ચિદમ્બરમ દેશ છોડીને ફરાર થઇ શકે છે.

          એવા તર્ક પણ અપાયા હતા કે, ચિદમ્બરમ હમેશા માટે કોઇ અન્ય દેશમાં જઈ શકે છે જેથી કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને જામીન ઉપર રહેવાની મંજુરી આપી શકાય નહીં.  સીબીઆઈએ છેલ્લા ઘણા સમયથી ચિદમ્બરમ ઉપર સકંજો મજબૂત કર્યો છે. ઇડી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. ચિદમ્બરમે આ બાબત પર ટિકા કરી હતી કે, કેટલાક લોકો તેમના ગોલ્ડન કલરના પંખ આવશે અને ત્યારબાદ ઉડીને ચંદ્ર ઉપર પહોંચી જશે જ્યાં તેમની સેફ લેન્ડિંગ થશે. વિતેલા વર્ષોમાં કોંગ્રેસના સૌથી શક્તિશાળી નેતા તરીકે રહ્યા છે અને મિડિયા મામલો સપાટી ઉપર આવ્યો ત્યારે દેશના નાણામંત્રી તરીકે હતા. ચિદમ્બરમે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના દબાણ હેઠળ કામ કરીને કેટલીક ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો કરવામાં આવી ચુક્યા છે. સાથે સાથે સીબીઆઈની દલીલ એવી છે કે, ચિદમ્બરમને કોઇ કિંમતે જામીન મળવા જોઇએ નહીં. કારણ કે, શક્તિશાળી નેતા હોવાના કારણે વિદેશમાં ફરાર થઇ શકે છે.

(8:02 pm IST)