Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

બિહારમાં પુર પ્રકોપઃ હોસ્પિટલોમાં ઘુસ્યા પાણીઃ વધુ ૨૭ લોકોના મોત

પટણાઃ બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પર માઠી અસર પડી છે. રાજધાની પટણા સહિત રાજયના અલગ અલગ ભાગોમાં વરસાદના કારણે ૨૭ જેટલા લોકોના મોત થયા છે જયારે એક વ્યકિત ઘાયલ થયો હોવાની વિગતો મળી છે. પટણા શહેરના ખગૌલ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત દાનાપુર રેલવે સ્ટેશનના પૂર્વ ગેટ પાસે ભારે વરસાદના કારણે રોડના કિનારે એક ઝાડ ઓટો રિક્ષા પર પડ્યું જેનાથી તેમાં સવાર દોઢ વર્ષની બાળકી અને ત્રણ મહિલાઓના મોત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતકોના શબોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. તો, ભાગલપુર જિલ્લાના બરારી વિસ્તારમાં ભારે વરસાદના કારણે અલગ અલગ જગ્યાએ દિવાલ પડવાના કારણે કાટમાળ નીચે દબાઈને છ લોકોના મોત થયા છે જયારે અન્ય એક વ્યકિત જખ્મી થઈ ગયો છે. ભારે વરસાદના કારણે બરારીના ખંજરપુર વિસ્તારમાં એક મકાનની દિવાલ પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. બિહારના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે આજે પણ રોડ, રેલ, અને પ્લેન સેવાને માઠી અસર પહોંચી છે. પટણા એરપોર્ટથી મળેલી વિગતો અનુસાર ખરાબ હવામાનના કારણે મુંબઈ-પટણા ગો એરની ફલાઈટ જી-૫૮૫ ને લખનઉ અને દિલ્હી-પટણા એસજી ૮૪૮૦ ને વારાણસી ડાયવર્ટ કરી દેવામાં આવી છે. પટણા અને તેની આસપાસ ભારે વરસાદના કારણે રેલવેના ટા તેમજ રેલ પુલો પર ખૂબ પાણી ભરાયા છે. આના કારણે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ટ્રેનના પરિચાલનમાં અસ્થાયી બદલાવ કરવામાં આવ્યા છે. પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રાજેશ કુમારે જણાવ્યું કે પટણા જંકશન આસપાસ રેલવેના પાટા પર પાણી ભરાવાના કારણે જે સ્થિતી સર્જાઈ છે, તેને ધ્યાને રાખતા યાત્રીઓનૈ પટણા જંકશન પર પહોંચવામાં મુશ્કેલીઓ પડી રહી છે અને તેમની અસુવિધાને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ ટ્રેનો કે જેનું પટણા જંકશન પર સ્ટોપ છે, તે તમામ ટ્રેનોને દાનાપુર જંકશન પર તાત્કાલિક રુપે એક સ્ટોપ આપવામાં આવશે.

(3:48 pm IST)