Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મંદીની દુર્ગા પુજાની ઉજવણી પર પણ પ્રતિકુળ અસર થઈ

સ્પોન્સરો મંદીના કારણે ખસી જતા ધણી તકલીફ : બંગાળમાં દુર્ગા પુજા ઉત્સવની સાથે જોડાયેલ શ્રદ્ધાળુ મંદી છતાંય ઉત્સાહિત : પંડાળ, મંડપ, ડેકોરેશન ખર્ચમાં વધારો

કોલકત્તા,તા. ૨૯ : પશ્વિમ બંગાળમાં સૌથી મોટા વાર્ષિક ઉત્સવ દુર્ગા પુજા ઉપર પણ મંદીની અસર દેખાઈ રહી છે. આ વખતે મોટાભાગની દુર્ગા પુજા કમિટીઓ માટે સ્પોન્સરશીપમાં ૨૦-૫૦ ટકા વચ્ચેનો ઘટાડો થઈ ગયો છે. નાની ક્લબોને તેમના બજેટને ઘટાડી દેવાની ફરજ પડી છે. ઉજવણી માટેના કદમાં પણ ઘટાડો થયો છે. કોર્પોરેટ ઇન્ડિયા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવેરામાં છુટછાટ આપવામાં આવી  હોવા છતાં આર્થિક મંદીની અસર દુર્ગા પુજા પર દેખાઈ રહી છે. ખુબ જાણીતી સંતોષ મિત્રા સ્કેવર પુજા કમિટિના જનરલ સેકટરી સેજલ ઘોષનું કહેવુ છે કે, પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સ્પોન્સરો તરફથી આ વખતે સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. કેન્દ્ર સરકાર દ્વારા અર્થતંત્રને વધારવા માટે જુદા જુદા ટેક્સ લાભ અને અન્ય પગલા લીધા છે. દાખલા તરીકે એસબી પર્ક પુજા કમિટિ હમેશા દુર્ગા પુજાને લઈને ખુબ આકર્ષણ જમાવે છે પરંતુ આ વખતે આ કમિટીએ ઠાકુરપુકુરમાં ત્રણ દિવસની ઉજવણીને ઘટાડીને એક દિવસમાં ફેરવી નાંખવાનો નિર્ણય કર્યો છે.

             ખર્ચને કાબુમાં રાખવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ કમિટીના પ્રમુખ સંજય મજુમદારે કહ્યું છે કે, અમે છેલ્લા ધણા સમયથી દુર્ગા પુજાનું આયોજન કરીએ છીએ પરંતુ આ વખતે મંદી નડી રહી છે. સ્પોન્સરશીપને સૌથી વધારે અસર થઈ છે. ૪૦ ટકા સુધીનો ઘટાડો સ્પોન્સરશીપમાં થઈ ચુક્યો છે. દક્ષિણ કોલકત્તામાં સૌથી વધારે શ્રદ્ધાળુ દુર્ગા પુજાના ગાળા દરમિયાન જ્યાં પહોંચે છે તે એક ડલિયા એવરગ્રીન ક્લબના અધિકારી ગૌતમ મુખરજીએ કહ્યું છે કે, આ વખતે રેગ્યુલર સ્પોન્સરો પણ છેલ્લી ઘડીએ મંદીનું કારણ આપીને પીછે હટ કરી રહ્યા છે. નવા સ્પોન્સરો નાંણા ખર્ચ કરવા તૈયાર થઈ રહ્યા નથી. બજેટમાં નોંધપાત્ર ઘટાડો થઈ ચુક્યો છે.

          તેમણે કહ્યું હતું કે, મંદીની સીધી અસર મોટા મોબાઈલ ફોન વેન્ડરો અને કોસ્મેટીક કંપનીઓ ઉપર થઈ છે. ઓટો મોબાઈલ, બેન્કો, એફએમસીજી અને અન્ય વિવિધ ક્ષેત્રોની સ્થાનિક કંપનીઓ પર મંદીની માર દેખાઈ રહી છે. જુદા જુદા કારણોસર સણગારવામાં આવતી વિશેષ પ્રકારની લાઈટીંગના ખર્ચમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. મંડપના નિર્માણ, પંડાળની સજાવટ, મુર્તિઓના નિર્માણ અને હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓના નિર્માણ પર ખર્ચ વધી રહ્યો છે. સામાન્ય રીતે પુજા કમિટીઓ માટે પંડાળ અને ડેકોરેશન ખર્ચ કુલ બજેટના ૪૦ ટકાની આસપાસ રહે છે. પ્રતિષ્ઠિત દુર્ગા પુજા કમિટીઓ બજેટને ઘટાડીને ઉત્સાહ સાથે દુર્ગા પુજા કરવા માટે તૈયાર છે.

(12:00 am IST)