Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પોલિસી રેટમાં ફરીવાર ઘટાડો કરવા તૈયારી : બેઠક પર નજર

ચૌથી ઓક્ટોબરે પોલિસી સમિક્ષા પરિણામ જાહેર : મોટાભાગના અર્થશાસ્ત્રીઓ મુજબ વ્યાજના દરમાં ૧૫થી ૪૦ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવી શકે : અહેવાલ

મુંબઈ, તા. ૨૯  :શેરબજાર, કોર્પોરેટ જગત અને કારોબાર સાથે જોડાયેલા લોકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે આરબીઆઇની નાણાંકીય નિતી સમીક્ષાની બેઠકમાં વ્યાજદરમાં ફરી ઘટાડો કરવામાં આવી શકે છે. મોનિટરી પોલીસી કમિટીની બેઠક ચોથી ઓક્ટોબરના દિવસે તેની બેઠકના પરિણામ જાહેર કરનાર છે. બજાર સાથે જોડાયેલા લોકો માની રહ્યા છે કે વ્યાજદરમાં ફરી એકવાર ઘટાડો કરવામાં આવનાર છે. આર્થિક વિકાસનો દર છ વર્ષની નીચી સપાટી પર પહોંચી ગયા બાદ હાલત કફોડી બનેલી છે. આર્થિક મંદીની સ્થિતીમાં સરકાર દ્વારા માર્કેટમાં તેજી લાવવા માટેના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સ્થિર ફુગાવાના રેટ વચ્ચે આર્થિક વિકાસ દર નીચી સપાટી પર પહોંચી ગયો છે. ઓગષ્ટ મહિનામાં એમપીસી દ્વારા પોલીસી રેટમાં ૩૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કર્યો હતો. ભારતીય રિઝર્વ બેંકે ઓગષ્ટ મહિનામાં નાણાંકીય વર્ષની તેની ત્રીજી  દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં ૦.૩૫ ટકાનો ઘટાડો કર્યો હતો.  આની સાથે જ રેપોરેટ  ૫.૭૫ ટકાથી ઘટીને ૫.૪૦ ટકા થઇ ગયો હતો.

              આવી જ રીતે રિવર્સ રેપો રેટ ૫.૭૫ ટકાથી ઘટીને હવે ૫.૧૫ ટકા થઇ ગયો હતો. સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સતત ચોથી વખત આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ હવે પાંચમી વખત રેટમાં ઘટાડો કરવામાં આવનાર છે.  રેપો રેટ સપ્ટેમ્બર ૨૦૧૦ બાદ સૌથી નીચી સપાટી પર હતો. આરબીઆઇ આ વર્ષે પહેલાથી જ રેપો રેટમાં ત્રણ વખત ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ વધુ એક વખત રેટમાં કાપ મુક્યો હતો.અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે. બેંકોની પાસે દિવસભર કામકાજ બાદ મોટી રકમ બચી જાય છે. બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. આવી જ રીતે તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે.

મોનિટરી પોલિસી રિવ્યૂ

*   આરબીઆઈની મોનિટરી પોલિસી સમિક્ષા બેઠકમાં પરિણામ ચોથી ઓક્ટોબરના દિવસે જારી કરાશે

*   મોટાભાગના અર્થશાસ્ત્રીઓ મુજબ વ્યાજદરમાં  ૧૫થી લઈને ૪૦ બેઝિક પોઈન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવી શકે છે

*   મોટાભાગના અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ અર્થતંત્રમાં તેજી લાવવામાં રેટમાં ઘટાડો થશે

*   સતત પાંચમી વખત રેટમાં ઘટાડો કરવાથી હોમ લોન સહિત તમામ પ્રકારની લોન વધુ સસ્તી થશે

*   કોર્પોરેટ ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ કારોબારીઓ વધુ આશાવાદી બન્યા છે

*   ફેબ્રુઆરી બાદથી ૧૧૦ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે

*   છેલ્લી ઓગસ્ટ પોલિસી સમિક્ષામાં રેપોરેટમાં ૩૫ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યા બાદ રેટ હવે ૫.૪૦ ટકા થયો

*   વ્યાજદરમાં ઘટાડાને લઈને આશા રાખવામાં આવી રહી છે. જેથી લોનના મોરચે તેજી આવશે

(12:00 am IST)