Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

શ્રીનગરમાં આ વર્ષે જન્‍માષ્‍ટમી પર પંડિતો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવીઃ શ્રીનગરની સડકો પર આ પર્વ પર હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી

કાશ્મીરી પંડિતોએ આ શોભાયાત્રામાં પોતાનું પારંપરિક નૃત્ય પણ કર્યું હતું અને હાથમાં ઢોલક અને ઘંટડી લઈને સૌ કોઈ કાનુડાની ભક્તિમાં લીન થઈ ગયેલા જોવા મળ્યા હતા

શ્રીનગરઃ આતંક અને અશાંતિમાં રહેતા કાશ્મીરનાં શ્રીનગરમાં આ વર્ષે જન્માષ્ટમી પટ પંડિતો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

દેશભરમાં આજે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશ વિદેશનાં કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે ત્યારે કાશ્મીરમાં પણ આજે કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. શ્રીનગરની સડકો પર આ પર્વ પર હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી અને કાશ્મીરી પંડિતોએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.

લાલચોકમાં કૃષ્ણ ભક્તિનાં દર્શન થયા

શ્રીનગરનાં શહેરમાં લાલચોક પર જ આ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું. શોભાયાત્રામાં મુસ્લિમ સમુદાયનાં લોકોએ પણ ભાગ લીધો હતો. કાશ્મીરી પંડિતોએ આ શોભાયાત્રામાં પોતાનું પારંપરિક નૃત્ય પણ કર્યું હતું. હાથમાં ઢોલક અને ઘંટડી લઈને સૌ કોઈ કાનુડાની ભક્તિમાં લીન થઈ ગયેલા જોવા મળ્યા હતા.

કાશ્મીરી પંડિતો ખુશખુશાલ

શ્રીનગરનાં હબ્બા કડલમાં આવેલ કટલેશ્વર મંદિરથી આ યાત્રા કાઢવામાં આવી હતી અને શ્રીનગરનાં મુખ્ય રસ્તાઓથી થઈને યાત્રા લાલચોક સુધી પહોંચી હતી. ઘણા વર્ષો બાદ કાશ્મીરમાં આવી યાત્રા જોવા મળી હતી જેમાં કાશ્મીરી સમુદાયનાં લોકોએ આટલી મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ભાગ લીધો હોય.

વર્ષો બાદ ફરી યાત્રામાં રોનક દેખાઈ

કાશ્મીરી પંડિત સમુદાયનાં લોકોએ કહ્યું આ યાત્રા પહેલા પણ કાઢવામાં આવી હતી પરંતુ કાશ્મીરમાં પરિસ્થિતિ ખરાબ થઈ અને તે બાદ કોરોના વાયરસ કાળ આવી જતાં યાત્રાનું આયોજન થઈ ન શક્યું.

કડક સુરક્ષા આપવામાં આવી

નોંધનીય છે કે કાશ્મીરમાં રમખાણો અને નરસંહાર બાદ વર્ષો સુધી યાત્રા થઈ શકી ન હતી તે બાદ 2004માં પહેલીવાર શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી. જોકે થોડા વર્ષથી ફરીથી યાત્રા બંધ કરી દેવામાં આવી હતી. આ વર્ષે કડક સુરક્ષા સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

(5:58 pm IST)