Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ટોક્યો પેરાલિમ્પિક્સ માં ભારતને વધુ એક સુવર્ણ ચંદ્રક : જેવલીન થ્રો માં સુમિત અંતિલે અપાવ્યો ગોલ્ડ મેડલ : 68.55 મીટર દૂર જેવલીન ફેંકી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ : આજે એકજ દિવસમાં ભારતને મળ્યા 2 ગોલ્ડ મેડલ

સુમિતે પુરુષોની ફાઈનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને આ સાથે ભારતના મેડલની સંખ્યા 7 થઈ ગઈ: ટૉક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ

ટોક્યો: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના જ્વેલિન થ્રોના ખેલાડીઓ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યાં છે. સુમિત અંતિલે ભારત માટે આ રમતમાં ત્રીજો મેડલ જીત્યો છે. તેમણે સોમવારે પુરુષ (F64) વર્ગ ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

ટૉક્યો પેરાલિમ્પિકમાં ભારતના ભાલાફેંકના ખેલાડી સુમિત અંતિલે ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. સુમિતે પુરુષોની ફાઈનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને આ સાથે ભારતના મેડલની સંખ્યા 7 થઈ ગઈ છે.

સુમિતે આ સાથે 68.55 મીટરના અંતરે ભાલો ફેંકી ગોલ્ડ મેડલ તો પોતાને નામ કર્યો જ છે પરંતુ સાથે સાથે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. ટૉક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે.

સુમિત પહેલા અવનિ લખેરાએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેણે સોમવારે મહિલાઓની R-2 10 મીટર ઍર રાઈફલ સ્ટેન્ડિગ SH1માં પ્રથમ સ્થાન હાંસલ કરી ગોલ્ડ મેડલ લઈ આવી છે.

જો કે આજે બીજી બાજુ ભારત માટે નિરાશાજનક સમાચાર પણ આવ્યા

ભારતને ટૉક્યો પેરાલિમ્પિકમાં મોટો ઝટકો મળ્યો છે. ડિસ્કસ થ્રોમાં વિનોદકુમારને મળેલો બ્રૉન્ઝ મેડલ હોલ્ડ પર મૂકી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે આમ બનવા પાછળનું કારણ તેમની એન્ટ્રીને લઈને વિરોધ હોવાનું જણાવાઈ રહ્યું છે.

ટૉક્યો પેરાલિમ્પિકમાં હવે એ નિર્ણય લેવાયો છે કે વિનોદકુમારનો બ્રોન્ઝ મેડલ હાલ પૂરતો હોલ્ડ પર મૂકી દેવામાં આવશે અને તેમને આ મેડલ નહીં મળે. ટૉક્યો પેરાલિમ્પિકના ટેકનોલોજી પ્રતિનિધિએ એ નક્કી કર્યુ છે કે વિનોદ કુમાર ડિસ્કસ થ્રો (F52 ક્લાસ) માટે શ્રેણીમાં ફીટ નથી બેસતા.

(5:53 pm IST)