Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

મુસ્લિમ યુવાને ઢોસા દુકાનનું નામ હિન્દુ રાખ્યુ હોવાથી ટોળાની તોડફોડ: યુપીના મથુરામાં ઘટના

દુકાનનું નામ શ્રીનાથ કેમ રાખ્યુ છે અને એ પછી તેમણે દુકાનનુ બેનર ફાડી નાંખ્યુ: વિડિઓ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ

નવી દિલ્હી :  તાજેતરમાં મધ્ય પ્રદેશમાં બંગડી વેચનાર મુસ્લિમ પર ટોળાએ હુમલો કર્યો હતો અને હવે આવી ઘટના યુપીના મથુરામાં બની છે.મથુરામાં ઢોસા વેચતા એક દુકાનદારે આરોપ લગાવ્યો છે કે, કેટલાક સ્થાનિક લોકોએ મારી દુકાન પર તોડફોડ કરી હતી.

આ મામલામાં મથુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.જે પ્રમાણે ઢોસાનો સ્ટોલ એક મુસ્લિમ વ્યક્તિ ચલાવે છે અને તેણે પોતાની દુકાનનુ નામ શ્રીનાથ રાખ્યુ હતુ.લોકોનો એ વાતનો ગુસ્સો હતો કે, તેણે મુસ્લિમ હોવા છતા દુકાનનુ નામ હિન્દુઓ પર કેમ રાખ્યુ છે.આ મામલામાં એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

18 ઓગસ્ટે કેટલાક લોકો ઈરફાનના સ્ટોલ પર પહોંચ્યા હતા અને તેમણે તેને સવાલ કર્યો હતો કે, દુકાનનુ નામ શ્રીનાથ કેમ રાખ્યુ છે અને એ પછી તેમણે દુકાનનુ બેનર ફાડી નાંખ્યુ હતુ.અહીંથી દુકાન હટાવવાની પણ ધમકી આપી હતી.

સ્ટોલ પર કામ કરતા કર્મચારીએ કહ્યુ હતુ કે, આ દુકાન રાહુલ નામના વ્યક્તિની છે અને તેને ચલાવવા માટે ઈરફાન રોજ 400 રુપિયા આપે છે.ઈરફાને અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે, હું પાંચ વર્ષથી દુકાન ચલાવુ છુ પણ અત્યાર સુધી કોઈ સમસ્યા નહોતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ફેસબૂક પર ટોળાનુ નેતૃત્વ કરનારા એક વ્યક્તિ દેવરાજ પંડિતે પોસ્ટ મુકી હતી કે, આ આર્થિક જેહાદ છે.તેમના કારણે હિન્દુઓને રોજગાર મળતો નથી.

 

(4:41 pm IST)