Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અમેરિકામાં માસ્ક વિરોધી આંદોલનના પ્રણેતા સેલેબ વૉલેસનું કોરોનાની સારવાર દરમિયાન થયું નિધન

ટેક્સસના સેન એન્જેલોમાં રહેતા 30 વર્ષીય વૉલેસે ફરજિયાત માસ્ક પહેરવાની નીતિનો વિરોધી : ત્રણ સપ્તાહથી હૉસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ હતો

અમેરિકાના ટેક્સાસમાં માસ્ક વિરોધી આંદોલનના પ્રણેતા સેલેબ વૉલેસનું કોરોનાથી સંક્રમિત થયા બાદ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શનિવારે વૉલેસની પત્ની જેસિકાએ આ જાણકારી આપી હતી. વૉલેસ છેલ્લા ત્રણ સપ્તાહથી હૉસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ હતો. ટેક્સસના સેન એન્જેલોમાં રહેતા 30 વર્ષીય વૉલેસે ફરજિયાત માસ્ક પહેરવાની નીતિનો વિરોધી હતો.

જો કે તે કોરોનાની રસીનો વિરોધી નહોતો. વૉલેસનું માનવું હતું કે માસ્ક પહેરવાનો નિયમ વ્યક્તિના અંગત જીવનમાં સરકારની દખલ છે. તેનો એવો પણ દાવો હતો કે માસ્ક કોરોનાથી બચાવે છે એવું પુરવાર કરતા કોઈ જ વૈજ્ઞાનિક પુરાવાર નથી. તે એમપણ માનતો હતો કે માસ્ક પહેરવાનો નિયમ બંધારણે આપેલા અધિકારોનું હનન કરે છે.

વેલ્ડીંગ માટેના સાધનો બનાવતી કંપનીમાં નોકરી કરતા વૉલેસે પોતાના સમર્થકોની સાથે મળીને એન્ટિ-માસ્ક મુવમેન્ટ શરૂ કરી હતી તથા તેણે વિવિધ સ્થળે રેલીઓ પણ યોજી હતી. આ માટે વૉલેસે સેન એન્જેલો ફ્રીડમ ડિફેન્ડર નામનું ગ્રુપ બનાવ્યું હતું. કોરોનાના લક્ષણો બાદ ગત 30 જુલાઇના રોજ વૉલેસને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેની હાલત ગંભીર બની હતી. ગત 8 ઓગસ્ટથી તે તદ્દન બેભાન થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ટેક્સસમાં પણ છેલ્લા કેટલાક સપ્તાહમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.
સેલેબ વૉલેસ પોતે માસ્કનો ચુસ્ત વિરોધી હતો પણ તેની પત્ની જેસિકા માસ્કની સમર્થક હતી તથા હંમેશા માસ્ક પહેરવાનું પસંદ કરતી હતી. જો કે જેસિકાએ જણાવ્યું હતું કે આ મુદ્દે તેમની વચ્ચે કોઈ જ મતભેદ નહોતો. વૉલેસ ભલે તેની પત્નીની માન્યતા સાથે સંમત નહોતો પણ એ તેનો આદર કરતો હતો. વૉલેસ અને જેસિકાને ત્રણ સંતાનો છે જ્યારે તેની પત્ની ટૂંક સમયમાં ચોથા સંતાનને જન્મ આપવા જઈ રહી છે.

(4:14 pm IST)