Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

૫૦૦ કરોડમાં વેચાશે રાજ કપૂરનો ફેમસ RK સ્ટુડિયો !

આ રકમ કપૂર પરિવારના સભ્યો વચ્ચે વહેંચાય તેવી શકયતા

મુંબઇ તા. ૩૦ : રાજ કપૂર દ્વારા ઉભો કરાયેલો ફેમસ આર.કે.સ્ટૂડિયો હવે વેચાવાનો છે. આ વાતથી ફેન્સની સાથે બોલિવૂડ સ્ટાર્સ પણ ભાવુક છે કારણકે આ સ્ટૂડિયો સાથે તેમની અનેક યાદો જોડાયેલી હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મી દુનિયામાં દરેક બાજુ આર.કે.સ્ટૂડિયોની જ ચર્ચા થઈ રહી છે. દરેક લોકો એ વિશે પણ જાણવા ઉત્સુક છે કે આખરે કેટલા રુપિયામાં આ સ્ટૂડિયો વેચાઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે એકરનો આ પ્લોટ ૫૦૦ કરોડ કરતાં વધારે કિંમતમાં વેચાઈ શકે છે. આ રકમ કપૂર પરિવારના સભ્યો વચ્ચે વહેંચાય તેવી શકયતા છે. કેટલાક દિવસો પહેલા ઋષિ કપૂરે આર.કે.સ્ટૂડિયો વેચાઈ જવાના નિર્ણયની જાહેરાત કરી હતી. ઋષિએ જણાવ્યું હતું કે તેનું મેઈન્ટેનન્સ કરવું એ આર્થિક રીતે વ્યવહારિક નથી. આ જ કારણે કપૂર પરિવારે તેને વેચવાનો નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે આર.કે.સ્ટૂડિયોની સ્થાપના ૧૯૪૮માં રાજકપૂરે કરી હતી. આ સ્ટૂડિયોમાં અનેક ફેમસ ફિલ્મ્સ બની ચૂકી છે. જેમાં 'આગ', 'બરસાત', 'આવારા', 'જીસ દેશ મેં ગંગા બહતી હૈ', 'શ્રી ૪૨૦', 'મેરા નામ જોકર'નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઋષિ કપૂર અને ડિમ્પલ કપાડિયાની ડેબ્યૂ ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ', 'પ્રેમ રોગ', 'રામ તેરી ગંગા મૈલી' જેવી આઈકોનિક ફિલ્મ પણ બની હતી.(૨૧.૬)

 

(10:27 am IST)