Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

મંદિર બનશે તો જ અયોધ્યા આવીશ : ૨૯ વર્ષ બાદ મોદી અયોધ્યા ભુમી પર પગ મુકશે

પીએમ મોદીની પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોષી સાથે ૧૯૯૧ની તસ્વીર વાયરલ થઇ રહી છે

નવી દિલ્હી,તા.૩૦ : અયોધ્યામાં બનનારા રામ મંદિરનો શિલાન્યાસ ૫ ઓગસ્ટે થવાનો છે.પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત આ પ્રસંગે અયોધ્યા જવાના છે. આ સંજોગોમાં પીએમ મોદીની પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોષી સાથે ૧૯૯૧ની તસવીર વાયરલ થઈ રહી છે. તે વખતે પીએમ મોદી રામ જન્મોત્સવ પ્રસંગે અયોધ્યા ગયા હતા.

એવુ કહેવાય છે કે, પત્રકારોને તે વખતે મોદીએ કહ્યું હતું કે, હવે જયારે રામ મંદિર બનશે ત્યારે હું ફરી અયોધ્યા આવીશ. સોશ્યલ મીડિયા પર પીએમ મોદીની ૧૯૯૧ની તસવીર પણ વાયરલ થઈ રહી છે. આ તસવીર ખેંચનાર ફોટોગ્રાફર મહેન્દ્ર ત્રિપાઠીનું કહેવું છે કે, તે વખતે મેં જયારે નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, હવે હું મંદિર બનશે ત્યારે જ અયોધ્યા આવીશ.

પીએમ મોદી વડાપ્રધાન તરીકેના પોતાના પહેલા કાર્યકાળમાં પણ અયોધ્યા ગયા નહોતા. જેના પગલે સવાલો પણ ઉભા થયા હતા. એવી અટકળો થઈ રહી હતી કે, પીએમ મોદી મંદિર નિર્માણ થશે પછી જ અયોધ્યા જવા માંગે છે. અત્યાર સુધી પીએમ મોદીનું અયોધ્યા નહીં જવાનુ કારણ ગમે તે હોય પણ અટકળો સાચી પડી છે અને પીએમ મોદી ૨૯ વર્ષ બાદ અયોધ્યા જઈ રહ્યા છે.

(11:43 am IST)