Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

આસામમાં ૪૦ લાખ લોકો ભારતીય નથીઃ સંસદમાં સંગ્રામ

નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)નો બીજો ડ્રાફટ જારી : ૪૦ લાખને નાગરિકતા નથી મળી : ૨.૮૯ કરોડ લોકોને જ રાજ્યમાં ભારતીય નાગરિક માનવામાં આવ્યા : સંસદમાં તૃણમૂલનો હંગામો : સરકાર પાસે માંગ્યો જવાબ : વોટબેંકની રાજનીતિનો આરોપ : આમા સરકારનો હાથ નથી... રાજનાથનો જવાબ : દર ૧૫ નાગરિકોએ ૧ ગેરકાયદેસર

નવી દિલ્હી તા. ૩૦ : આસામમાં આજે જાહેર કરેલા નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનના ફાઇનલ ડ્રાફટ પર રાજકીય ધમાસાણ શરૂ થયો છે. ટીએમસીએ યાદીમાંથી ૪૦ લાખ લોકોના બહાર થવાના મુદ્દા પર રાજ્યસભામાં હોબાળો કર્યો. જેનાથી સદનની કાર્યવાહી બે વાર સ્થગિત કરવી પડી. લોકસભામાં પણ વિપક્ષી સભ્ય નેતા વિરોધમાં નારેબાજી કરતા રહ્યા. આ બધાની વચ્ચે ગૃહમંત્રી રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપીને કહ્યું કે, આ મુદ્દા પર હંગામો કરવાની જરૂરીયાત નથી. જેમનું પણ નામ ડ્રાફટમાં નથી તેઓને પૂરેપૂરો મોકો મળશે નાગરિકતા સાબિત કરવાનો.

રાજનાથસિંહે લોકસભામાં કહ્યું જે ડ્રાફટ આવ્યો છે તે અંતિમ નથી. ત્યારબાદ પણ મોકો આપવામાં આવશે. જેને લાગે છે કે તેમનું નામ ડ્રાફટમાં હોવું જોઇએ તે એનઆરસીમાં દાવો કરી શકે છે. આ દાવાને પહોંચી વળવા કેટલા દિવસ લાગશે. આ અંગે સુપ્રીમ નક્કી કરશે. જો કોઇ તેનાથી સંતુષ્ટ નથી તો તેઓ ફોરેનર્સ ટ્રાઇબ્યુનલમાં અપીલ કરી શકે છે, કયાંક તો ન્યાય મળશે. હું સદનને અપીલ કરૃં છું કે તેમાં દરેકનો સહયોગ મળવો જોઇએ. આ મામલો સુપ્રીમ કોર્ટની નિગરાની હેઠળ છે. આ પ્રકારના સંવેદનશીલ મુદ્દા પર ધમાલ કરવી યોગ્ય નથી. લોકસભામાં ટીએમસી કોંગ્રેસ અને લેફટે આ મુદ્દો ઉઠાવ્યો. ગૃહમંત્રીના જવાબથી અસંતુષ્ટ વિપક્ષે લોકસભામાંથી વોકઆઉટ કર્યું. કેટલાક લોકો કારણ વગરના આ લિસ્ટ આધારે ડરનો માહોલ પેદા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે તે ફાઇનલ લિસ્ટ નહિ પરંતુ ડ્રાફટ છે. આ મામલે રાજ્યસભા વિપક્ષી સાંસદોએ પણ ધમાલ કરી. તૃણમૂલ સાંસદ તેના પર શાંતિ નહિ થતાં રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી.

આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સ (એચઆરસી)નો અંતિમ ડ્રાફટ જારી થયો છે. જે અનુસાર ર કરોડ ૮૯ લાખ ૮૩ હજાર ૬૭૦ લોકોને કાયદેસર નાગરીક ગણવામાં આવ્યા છે.કાનુની નાગરીકતા માટે ૩,૨૯,૯૧,૩૮૪ લોકોએ અરજી કરી હતી. જેમાંથી ૪૦,૦૭,૭૦૭ લોકોને કાયદેસર ગણવામાં આવ્યા છે. આ પ્રકારે લગભગ ૪૦ લાખ લોકોને બેઘર થવું પડશે. જે લોકોને બેઘર જાહેર કરાયા છે તેમના અંગે કહેવાયું છે કે તેઓએ દસ્તાવેજી કાર્ય પુરૂ કર્યુ નથી અથવા તો પોતાની નાગરીકતા સાબીત કરી શકયા નથી.એનઆરસી મુસદદાને લઇને સમગ્ર રાજયમાં કડક સુરક્ષા વ્યવસ્થા થઇ છે. સીઆરપીએફની રર૦ કંપનીઓ તૈનાત કરાઇ છે. ૭ જીલ્લામાં ૧૪૪ ની કલમ લાગુ થઇ છે.

એનઆરસીમાં તે તમામ ભારતીય નાગરીકોના નામ, સરનામા અને ફોટોગ્રાફ હશે જે રપ માર્ચ ૧૯૭૧ પહેલા આસામમાં રહી રહયા છે.

(3:31 pm IST)