Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ચીનની અવળચંડાઇઃ ડોકલામ બાદ હવે સિક્કીમમાં ઘુસણખોરી

પ૦ ચીની સૈનિકો સિક્કીમમાં ઘુસી આવ્યાઃ ભારતીય સૈન્યએ માનવસાંકળ રચી અટકાવ્યાઃ ૪ કલાક સુધી ભારતીય-ચીની સૈનિકો વચ્ચે ઉગ્ર જીભા જોડીઃ આખરે ચીની સૈનિકોને પરત ફરવા ફરજ પડી

નવી દિલ્હી તા. ૩૦ :.. ડોકલામ વિવાદના લગભગ ૧ વર્ષ બાદ ચીની સૈનિકો ભારતીય  સરહદી વિસ્તાર સિક્કીમમાં લગભગ ર કિ. મી. સુધી ઘુસી આવ્યા છે. ભારતીય સૈન્યએ માનવ સાંકળ બનાવી તેઓને અટકાવ્યા હતાં: સુરક્ષા સુત્રોના હવાલાથી મળેલી માહિતી બાદ બધા ચીની સૈનિકોને બાદમાં તેમના સેન્ટરમાં મોકલી દેવાયા હતાં. આરોપ છે કે પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોએ સિક્કીમના પશ્ચીમ જીલ્લા નાકુમાં કથીત રીતે હૂમલાનો પ્રયાસ કર્યો હતો.

ઇન્ટેલીજન્સ બ્યુરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે, લગભગ પ૦ ચીની સૈનિકો ભારતીય સીમા ક્ષેત્રનું ઉલ્લંઘન કરીને નાકુમાં ઘુસી આવ્યા હતાં: ૪ કલાક સુધી તેઓ ત્યાં ઉભા રહ્યા હતાં. અને પોતાના વિસ્તારમાં પાછા જવા ઇન્કાર કર્યો હતો. તે પછી ભારતીય સૈનિકોએ એક બેનર થકી તેમને જણાવ્યું હતું કે, તમે તમારા વિસ્તારમાં ચાલ્યા જાવ. બંને તરફથી કોઇ પણ પ્રકારનો  ગોળીબાર થયો નહોતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે ચાઇનીઝ અને ભારતીય સૈનિકોનો આમનો - સામનો બંને પક્ષોને ભડકાવવાનું કામ કરી શકતો હતો પણ ભારતે પોતાના વિરોધીઓને પીછેહઠ માટે મજબુર કર્યા હતાં.

અધિકારીએ વધુમાં જણાવ્યુ હતું કે ૪ કલાક વિતવા છતાં ચીની સૈનિકો પરત નહિ જતાં ૧૦૦ ભારતીય જવાનોએ માનવ સાંકળ બનાવી તેઓને રોકયા હતાં. આ દરમ્યાન બંને વચ્ચે ઉગ્ર જીભા-જોડી પણ થઇ હતી. બેનર ડ્રીલ બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. તે પછી ચીની સૈનિકો પાછા ફરી ગયા હતાં.

બંને દેશોની ૩૪૮૮ કિ.મી. લાંબી સીમામાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે પહેલીવાર તણખા નથી ઝર્યા. આ પહેલા ડોકલામમાં બંને દેશોની આર્મી ૧૦ સપ્તાહ સુધી આમને સામને હતી. (પ-૧૭)

(10:55 am IST)