Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

દુનિયાના આ ધનિકો સિકયોરિટી પાછળ કરે છે અધધધ... કરોડોનો ખર્ચ !

આ રકમ અમીર દેશોના રાષ્ટ્રપતિઓ અને પ્રધાનમંત્રીથી પણ વધારે

ન્યૂયોર્ક તા. ૩૦ : ડેટા ચોરી કરીને કરોડો ડોલર કમાવવાના આરોપોના કારણે દુનિયાભરમાં માર્ક ઝકરબર્ગની નિંદા થઈ હતી. આ ચર્ચા હજુ સુધી બંધ નથી થઈ ત્યારે હવે ફરીવાર માર્ક પોતાની સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવા માટે ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ આ રકમ ઘણા અમીર દેશોના રાષ્ટ્રપતિઓ અને પ્રધાનમંત્રીથી પણ વધારે છે.

દુનિયાની સૌથી મોટી સોશિયલ વેબસાઈટ ફેસબુકના માલિક અને ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ પોતાના પરિવારની સુરક્ષા પર ૬૮ કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. આ વિશેની મંજૂરી તેમને ફેસબુકના બોર્ડ ઓફ ડિરેકટર્સથી મળી ગઈ છે. જણાવી દઈએ કે ૨૦૧૭માં લગભગ ૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરાયા હતા. માનવામાં આવી રહ્યું છે કે તેની આ સુરક્ષા દુનિયાના ઘણા અમીર દેશોના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીથી વધારે છે. સુરક્ષા ખર્ચની આ તસવીર અન્ય કોઈએ નહીં પરંતુ ફેસબુકે આપી છે.

ફોર્બ્સના આંકડા મુજબ હાલમાં સમયમાં ઈ-કોમર્સ કંપની અમેઝોનના ફાઉન્ડર અને માલિક જેફ બેજોસ દુનિયામાં સૌથી અમીર છે. તે પોતાની સિકયોરિટી પર એક વર્ષમાં લગભગ ૧૦ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. એવામાં એક દિવસનો ખર્ચ લગભગ ૨.૮૪ લાખ રૂપિયા લાગે છે.

આઈફોન અને આઈપેડ બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની એપલના સીઈઓ ટિમ કુક છે. કંપની તેમની સિકયોરિટી પાછળ એક વર્ષમાં લગભગ ૧.૪૫ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. એક દિવસમાં તેમની સિકયોરિટી પર ૪૦ હજાર રૂપિયા ખર્ચ થાય છે.

વોરેન બફેટ વર્ષભરમાં પોતાની સિકયોરિટી પર ૨.૫૧ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. આ આંકડો એક દિવસમાં ૬૮ હજાર રૂપિયા પર થાય છે.(૨૧.૫)

(9:40 am IST)