Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ત્રણ મહિના બાદ ધંધો ખુલ્યો :સલૂન માલિકે સોનાની કાતરથી પ્રથમ ગ્રાહકના વાળ કાપ્યા

કોલ્હાપુરમાં સલૂન ચલાવનાર રામભાઉ સંકપાલ ખુશખુશાલ

 

પુણેઃ મહારાષ્ટ્રમાં અંદાજે 3 મહીના બાદ સલૂન અને પાર્લરને ફરીથી ખોલવાની મંજૂરી અપાઈ છે, રાજ્યમાં કોરોનાનાં વધતા જતા કેસ મામલાની વચ્ચે સલૂન અને પાર્લર માલિકોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. જો કે દરમ્યાન દુકાનનાં માલિકોને મહામારીથી બચવાનાં નિયમોનું પાલન કરવું પડશે.

બીજી બાજુ સરકાર દ્વારા સલૂન અને પાર્લરને ફરીથી ખોલવાની પરવાનગી આપ્યા બાદ પોતાનો ઉત્સાહ દેખાડતા કોલ્હાપુરનાં એક સલૂન માલિકે પોતાનાં પ્રથમ ગ્રાહકનાં વાળ કાપવા માટે સોનાની કાતરનો ઉપયોગ કર્યો હતો.

મિશન બિગિન અગેનઅંતર્ગત સરકારે રાજ્યમાં કોરોનાને લઇ આપવામાં આવેલા પ્રતિબંધ વચ્ચે કેટલીક ઢીલ આપી હતી અને કેટલાંક નિયમોનું પાલન કરતા વાળંદની દુકાનો, સલૂન અને બ્યુટી પાર્લરોને 28 જૂનથી ખોલવાની પરવાનગી આપી હતી. માર્ચનાં અંતિમ સમયે લગાવવામાં આવેલાં લોકડાઉન બાદ સરકારનાં નિર્ણયથી કર્મચારીઓ અને માલિકોને મોટી રાહત મળી છે.

પુણેથી લગભગ 250 કિમી દૂર કોલ્હાપુરમાં એક સલૂન ચલાવનાર રામભાઉ સંકપાલ તેમાંના એક છે. તેઓએ પોતાની ખુશી વ્યક્ત કરવા માટે રવિવારનાં રોજ આવેલા પોતાનાં પ્રથમ ગ્રાહકનું સ્વાગત કરતા તેનાં વાળ કાપવા માટે સોનાની કાતરનો ઉપયોગ કર્યો હતો. તેઓએ જણાવ્યું કે, “લોકડાઉનને કારણે ત્રણ મહીનાથી પણ વધારે સમયથી રાજ્યમાં સલૂનનો ધંધો સંપૂર્ણ રીતે તેની પર અસર પડી હતી. સલૂન માલિક અને કર્મચારીઓને નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.”

સંકપાલે જણાવ્યું કે, “અમે કોઇ પણ સ્થિતિ સામે ઝઝૂમવા સફળ રહ્યાં. જો કે રાજ્ય સરકારે હવે સલૂનને ફરીથી ખોલવાની પરવાનગી આપી દીધી છે. જેથી મારા સાથી સલૂન માલિકોનાં ચહેરા પર એક પ્રકારની ખુશી છે અને મે આને એક અનોખી સ્ટાઇલમાં વ્યક્ત કરવાનો નિર્ણય કર્યો.”

તેઓએ પોતાની બચતનો ઉપયોગ કર્યો અને 10 તોલા સોનાની એક કાતર ખરીદી. તેઓએ જણાવ્યું કે, મે ધંધાને ફરી વાર શરૂ કરવા પર પોતાની ખુશી વ્યક્ત કરવા પોતાનાં પહેલા ગ્રાહકનાં વાળ કાપવા માટે સોનાની કાતરનો ઉપયોગ કર્યો.

 

(10:21 pm IST)