Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ગુજરાતમાં જિયો અને BSNLના ગ્રાહકોમાં વધારો થવાનું જારીઃ ટ્રાઈ

જિયોએ ૨.૯૨ લાખ ગ્રાહકોનો અને BSNLએ ૧૩,૦૦૦ ગ્રાહકોનો વધારો નોંધાવ્યો છેઃ આ વધારા સાથે જિયોના કુલ ૨.૩૬ કરોડ ગ્રાહકો થયા છે અને BSNLના ૬૧.૧૧ લાખ ગ્રાહકો છે

નવી દિલ્હી, તા.૩૦: કોવિડ મહામારીના પગલે લોકડાઉન આવ્યું તેના એક મહિના અગાઉથી જ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને મંદીની અસર અનુભવાતી હતી. ગુજરાતમાં આ ઇન્ડસ્ટ્રીના ગ્રાહકોની સંખ્યામાં દ્યટાડો જારી છે, પરંતુ જિયો અને BSNLએ ફેબ્રુઆરી ૨૦૨૦માં પણ તેના ગ્રાહકોમાં વધારો નોંધાવ્યો હતો.

સોમવારે ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)એ ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધીના મોબાઇલ ગ્રાહકોના આંકડા અંગે એક રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉપરોકત સમયગાળામાં જિયોએ ૨.૯૨ લાખ ગ્રાહકોનો અને BSNLએ ૧૩,૦૦૦ ગ્રાહકોનો વધારો નોંધાવ્યો છે. આ વધારા સાથે જિયોના કુલ ૨.૩૬ કરોડ ગ્રાહકો થયા છે અને BSNLના ૬૧.૧૧ લાખ ગ્રાહકો છે.

જાન્યુઆરી ૨૦૨૦માં ગુજરાતમાં કુલ મોબાઇલ ગ્રાહકોની ૬.૭૯ કરોડની સંખ્યામાં ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં ૬.૮૭ લાખ ગ્રાહકોનો ઘટાડો નોંધાયો હતો. આ દ્યટાડામાં સૌથી વધુ ૯.૮૪ લાખ ગ્રાહકો વોડાફોન આઇડિયાએ અને એ પછી ૯૦૦૦ ગ્રાહકો એરટેલે ગુમાવ્યા છે.

ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં ગ્રાહકોના ઘટાડા બાદ પણ વોડાફોન આઇડિયા ૨.૬૩ કરોડ ગ્રાહકો સાથે કસ્ટમર માર્કેટ શેરની દૃષ્ટિએ લીડર છે. જયારે ગ્રાહકોના ઘટાડા બાદ એરટેલ પાસે ૧.૧૦ કરોડ ગ્રાહકો છે.

ફેબ્રુઆરીની સ્થિતિએ ગુજરાતમાં કુલ ૬.૭૨ કરોડ મોબાઇલ ગ્રાહકો છે, જેમાં વોડાફોન આઇડિયાનો કસ્ટમર માર્કેટ શેર ૩૯.૨૩ ટકા છે. ગુજરાતમાં બીજા નંબરે સૌથી વધુ ગ્રાહકો ધરાવતાં જિયોનો કસ્ટમર માર્કેટ શેર ૩૫.૨૨ ટકા છે. એ પછી ૧૬.૪૫ ટકા સાથે એરટેલ અને ૯.૦૯ ટકા BSNLના નંબર આવે છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૧૬.૦૫ કરોડ મોબાઇલ ગ્રાહકો છે. જયારે આ સંખ્યામાં ઉમેરાયેલા નવા ગ્રાહકોની સંખ્યા ૪૧.૪૬ લાખ છે. ઉપરોકત સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં જિયોના ૬૨.૫૭ લાખ ગ્રાહકો વધ્યા હતા, એ પછી એરટેલે ૯.૨૨ લાખ અને BSNLએ ૪.૩૯ લાખ ગ્રાહકો ઉમેર્યા હતા. વોડાફોન આઇડિયાએ સમગ્ર દેશમાં કુલ ૩૪.૬૭ લાખ ગ્રાહકોનો જંગી ઘટાડો નોંધાવ્યો છે.

(11:42 am IST)